પૉલિશક્રિયા : વસ્તુની સપાટીને લીસી, ચકચકિત કરવી તે. કોઈ પણ વસ્તુને પૉલિશ કરવાથી તે વધુ આકર્ષક બને છે. અમુક વપરાશની ચીજોમાં પૉલિશક્રિયાનું મહત્ત્વ સવિશેષ હોય છે; દા.ત., ફર્નિચરની ચીજો, ગાડી, ટીવીનું કૅબિનેટ વગેરે. માત્ર વસ્તુ વધુ આકર્ષક બને તે માટે જ પૉલિશક્રિયા કરવામાં આવે છે તેવું નથી. પૉલિશક્રિયાને કારણે વસ્તુની સપાટી લીસી થાય છે. તેથી તેના પર ઝીણા બાહ્ય પદાર્થો (ઝીણી રજ) ચોંટી-ચીટકી કે ભરાઈ રહેતા નથી અને તેથી તેની સપાટી પર ક્ષાર બાઝતો નથી, કાટ લાગતો નથી અને તેનું આયુષ્ય પણ વધે છે. ઇજનેરી ઉત્પાદનમાં બેરિંગના છરા (balls), રોલરો, વાલ્વ, પ્લન્જરો, બૅરલો જેવી વસ્તુઓમાં પૉલિશ કરેલી સપાટીનું મહત્ત્વ છે.
પૉલિશક્રિયા કરવાની ઘણી રીતો છે. વસ્તુનો પ્રકાર, તેનો ઉપયોગ, તેનું આયુષ્ય વધારવાની જરૂરિયાત, તેના વપરાશકારને આકર્ષવાની જરૂરિયાત, પૉલિશક્રિયામાં થતું ખર્ચ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પૉલિશક્રિયાની જે તે રીત નક્કી થાય છે.
પૉલિશક્રિયામાં મુખ્યત્વે જે સપાટીને પૉલિશ કરવાની હોય તેને કપડામાં કે કાગળમાં લગાવેલ બારીક અપઘર્ષક પદાર્થ (abrasive) વડે ઘસવામાં આવે છે. કપડા કે કાગળમાં લગાવેલ અપઘર્ષક કુદરતી રીતે જ તૈયાર થયેલ (મળેલ) અથવા તૈયાર કરેલ / બનાવેલ (manufactured) – એમ બે પ્રકારના હોય છે. ફ્લિન્ટ એમરી અને ગારનેટ એ કુદરતી અપઘર્ષકો છે. જ્યારે ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ અને સિલિકોન કાર્બાઇડ એ બનાવેલ અપઘર્ષકનાં ઉદાહરણો છે. તૈયાર અપઘર્ષકો વિશેષ પ્રમાણમાં વપરાય છે. પૉલિશક્રિયામાં વપરાતા અપઘર્ષકો ઘણા ઝીણા હોય છે. તેનું કદ 12થી 4૦૦ મેશ સાઇઝ જેટલું હોય છે.
કપડા કે કાગળ પર ચોંટાડેલ અપઘર્ષકોને જેને પૉલિશ કરવાની હોય તે વસ્તુની સપાટીના સંસર્ગમાં લાવવા માટે માત્ર હાથ ઉપરાંત તેની અવેજીમાં કામ કરે એવાં અનેક પ્રકારનાં યંત્રોનો પણ ઉપયોગ થાય છે. પૉલિશ કરનારાં મશીનોને મુખ્યત્વે બે પ્રકારમાં મૂકી શકાય :
(1) છેડા વગરનું પટ્ટા-મશીન, જેમાં અપઘર્ષક પદાર્થ પટ્ટા પર લગાવેલો હોય છે અને જે વસ્તુની પૉલિશ કરવાની હોય તેને આ ફરતા પટ્ટાથી ઘસવામાં આવે છે. (જુઓ આકૃતિ 1.) આકૃતિ 1માં જુદા જુદા ચાર પ્રકારનો છેડા વગરના (endless) પટ્ટાનો ઉપયોગ કરતાં પૉલિશિંગ મશીનો દર્શાવ્યાં છે.
(2) અપઘર્ષક લગાવેલ ચક્ર-મશીન, જેમાં ધરી પર ઊભી પાતળી અનેક પટ્ટીઓ લગાવીને તૈયાર કરેલું ચક્ર (wheel) હોય છે. (જુઓ આકૃતિ 2). આ પટ્ટીઓ પર અપઘર્ષકનું ઝીણું પડ લગાવેલું હોય છે. જે દાગીનાની પૉલિશ કરવાની હોય તેને આ ફરતા ચક્ર સાથે ઘસવામાં આવે છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ