પૉલિટ બ્યૂરો : સોવિયેત સંઘના અસ્તિત્વ દરમિયાન તે દેશ પર શાસન કરતા સામ્યવાદી પક્ષનો સૌથી શક્તિશાળી રાજકીય એકમ (1919-98). ઑક્ટોબર, 1917ની સફળ થયેલી સામ્યવાદી ક્રાંતિ બાદ, 1919માં તેની સ્થાપના સોવિયેત સંઘના પ્રથમ વડા લેનિને કરી હતી. 199૦ પહેલાં ત્યાંના સામ્યવાદી પક્ષના સૌથી શક્તિશાળી સભ્યો તેમાં સામેલ હતા. સોવિયેત સંઘની સરકાર દ્વારા લીધેલા બધા જ મહત્ત્વના નિર્ણયો અંગે તેની સંમતિ અનિવાર્ય ગણાતી. પક્ષની કેન્દ્રીય સમિતિની વિશાળ સભ્યસંખ્યા અને દર છ માસના અંતરે મળતી. તેની બેઠકોને ધ્યાનમાં લઈને, પક્ષનો વહીવટ ચલાવવા અને ઝડપી નિર્ણય લેવા માટે તેની રચના કરવામાં આવી હતી. તેની ચૂંટણી કેન્દ્રીય સમિતિ દ્વારા કરવામાં આવતી. તેની સભ્યસંખ્યા પક્ષના સર્વોચ્ચ નેતાની ઇચ્છા પ્રમાણે બદલાતી રહેતી. સ્થાપના કાળે તેની સભ્યસંખ્યા માત્ર 5ની હતી. ત્યારબાદ તે 1૦થી 15 વચ્ચેની રાખવામાં આવતી. સમય જતાં તેમાં બે પ્રકારના સભ્યો લેવાતા થયા : કાયમી સભ્યો અને ઉમેદવાર સભ્યો. ઉમેદવાર સભ્યો ચર્ચામાં ભાગ લઈ શકતા, પરંતુ મતદાન કરી શકતા નહિ. દેશનું પ્રધાનમંડળ સુપ્રીમ સોવિયત તથા પ્રેસિડિયમ પૉલિટ બ્યૂરોના નિર્ણયોનો અમલ કરતું. સામ્યવાદી પક્ષના મહામંત્રી, પ્રેસિડિયમના પ્રમુખ તથા દેશના વડાપ્રધાન પૉલિટ બ્યૂરોમાં ચોક્કસ સ્થાન ધરાવતા. હકીકતમાં સોવિયેત સંઘમાં સામ્યવાદી પક્ષના શાસનકાળ (1917-91) દરમિયાન પૉલિટ બ્યૂરો એવું કેન્દ્ર હતું, જ્યાંથી સોવિયેત સંઘની તમામ નીતિઓનું ઘડતર થતું. વાસ્તવમાં સોવિયેત સંઘમાં સાચી અને નિર્ણાયક સત્તા સામ્યવાદી પક્ષના આ મહત્ત્વના અંગ પાસે જ રહેતી.
માર્શલ સ્ટૅલિન(1879-1953)ના સમયમાં 1924થી 1953ના ગાળામાં તેની સભ્યસંખ્યા 12 હતી; 196૦માં તે 21 થઈ. 1976થી 14 કાયમી સભ્યો ઉપરાંત 6 ઉમેદવાર સભ્યો ચૂંટવાની પ્રથા દાખલ થઈ. 199૦માં સોવિયેત સંઘનું વિઘટન થતાં સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિએ પૉલિટ બ્યૂરોની પુનર્રચના કરી અને તેમાં 24 નવા સભ્યો ચૂંટણી દ્વારા ઉમેરવામાં આવ્યા. પક્ષના કટ્ટરવાદી સભ્યોને આ પુનર્રચના દ્વારા તેમાંથી દૂર કરવામાં આવ્યા. આ 24 નવા સભ્યોમાં સંલગ્નસંઘીય ગણતંત્રોના સ્થાનિક પક્ષોના 15 વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો. એક મહિલાને પણ સૌપ્રથમ વાર પૉલિટ બ્યૂરોમાં ચૂંટવામાં આવેલ. સોવિયેત સંઘના રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત જ વડાપ્રધાન અને સંરક્ષણપ્રધાનને પૉલિટ બ્યૂરોમાંથી દૂર રાખવામાં આવ્યા હતા.
199૦માં તેની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો અને તેની ભૂમિકા પક્ષની નીતિ પૂરતી જ સીમિત કરવામાં આવી. 1991માં સોવિયેત સંઘના તત્કાલીન પ્રમુખ મિખાઇલ ગૉર્બાચોવને પદભ્રષ્ટ કરવાનો જે નિષ્ફળ પ્રયાસ થયો ત્યારપછી દેશની સંસદે ત્યાંના સામ્યવાદી પક્ષની અને સાથોસાથ પક્ષના પૉલિટ બ્યૂરોની પ્રવૃત્તિઓને નિલંબિત કરી.
સામ્યવાદી પક્ષના આ રાજકીય ઘટકના સ્થાપના-કાળે (1919) તેને ‘પૉલિટ બ્યૂરો’ એવું નામ આપવામાં આવ્યું હતું, જે બદલીને 1952માં તેને ‘પ્રેસિડિયમ ઑવ્ ધ સેન્ટ્રલ કમિટી’ એવું નામ આપવામાં આવ્યું, પરંતુ 1966માં તેનું મૂળ નામ પુન:સ્થાપિત કરવામાં આવ્યું.
1991માં સોવિયેત સંઘના વિઘટન પછી સામ્યવાદી પક્ષના હાથમાંથી સત્તાનાં સૂત્રો લોપ પામતાં પૉલિટ બ્યૂરોનું મહત્ત્વ હવે નહિવત્ રહ્યું છે.
વિશ્વના અન્ય દેશોના સામ્યવાદી પક્ષોએ પણ તેમના શાસનકાળ દરમિયાન તેમની કેન્દ્રીય સમિતિ માટે આ જ નામનો ઉપયોગ કર્યો હતો. આમ તે સામ્યવાદી પક્ષોનું સૌથી શક્તિશાળી રાજકીય એકમ હોય છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા