પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક : 1950 પછી આધુનિક ઔદ્યોગિક પશ્ચિમી સમાજનું લોકપ્રિય અને લોકભોગ્ય સંગીત. તેનું એક મુખ્ય વલણ ઍન્ટિ-ક્લાસિસિઝમ (Anti-classicism) છે. તેના ફેલાવામાં રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો અને મુદ્રિત ધ્વનિ ટૅક્નૉલૉજીનો મોટો ફાળો છે. 1950 પછી લોકભોગ્ય સંગીતના સ્વરૂપે અભૂતપૂર્વ ચાહના પ્રાપ્ત કરનાર પૉપ મ્યુઝિકની બહોળી લોકપ્રિયતા પાછળ ઇલેક્ટ્રૉનિક વાદ્યો, ઇલેક્ટ્રૉનિક રેકર્ડિગ, ઇલેક્ટ્રૉનિક પ્લેઇંગ (ગ્રામોફોન, રેડિયો, ટીવી, સીડી ઇત્યાદિ) અને ફિલ્મોનો ફાળો કારણભૂત છે.
જાઝ મ્યુઝિક, બ્લૂઝ, રૉક ઍન્ડ રોલ, પંક, હેવી મેટલ, ડિસ્કો અને સોલ જેવી વૈવિધ્યપૂર્ણ શૈલીઓનો સમાવેશ ‘પૉપ મ્યુઝિક’ સંજ્ઞામાં થાય છે.
પશ્ચિમી દેશોમાં પૉપ સંગીત આમજનતામાં લોકપ્રિય છે. ભારત, થાઇલૅન્ડ, ચીન જેવા પૌરસ્ત્ય દેશોમાં નાગરી (urban) અને તેમાં પણ મુખ્યત્વે અંગ્રેજી માધ્યમમાં ભણેલી યુવાપેઢી પૉપ સંગીત પાછળ ઘેલી છે.
હકીકતમાં ઇતિહાસને પ્રત્યેક તબક્કે પૉપ સંગીતનું અસ્તિત્વ હતું જ; પરંતુ આજે ગ્રામોફોન-રેકર્ડો, ટેપ, સીડી, અને ટીવી દ્વારા પૉપ સંગીતના પ્રચાર-પ્રસારનું વ્યાપારીકરણ થયું છે; તેથી હવે પૉપ મ્યુઝિક માત્ર લોકો દ્વારા લોકોનું લોકો માટેનું સંગીત ન રહેતાં, ખાસ સંગીતકારો દ્વારા લોકોનું લોકો માટેનું સંગીત બન્યું છે.
લોકસંગીતની પ્રણાલી પેઢી-દર-પેઢી આગળ વધે છે અને અત્યાર સુધી તેના લેખિત દસ્તાવેજો મોજૂદ ન હોવાથી તેનાં ગીતોના રચયિતાઓ તથા સૂરાવલિઓ રચનાર સંગીતનિયોજકોનાં નામો મોટે ભાગે અજ્ઞાત જ રહે છે; જ્યારે એનાથી વિપરીત આજનું પૉપ સંગીત એ પ્રણાલીગત સંગીત નથી, પણ સમકાલીન કલાકારોનું સર્જન છે.
અમેરિકાનું પ્રથમ સફળ પૉપ ગીત ‘યાન્કી ડૂડલ’ છે, જોકે તેના ગીત અને સ્વર-નિયોજકોનાં નામ ઉપલબ્ધ નથી; પરંતુ 1700 પછીનાં વર્ષોમાં અમેરિકામાં બ્રિટિશ સૈનિકોએ અમેરિકા-નિવાસી યુરોપિયનોની ઠઠ્ઠામશ્કરી રૂપે આ ગીત સર્જેલું. 1,800ની આસપાસ જૉસેફ ગ્રિમાલ્ડી નામના બ્રિટિશ મશ્કરા(joker)નું ગીત ‘હૉટ કૉડ્લિન્સ’ પુષ્કળ લોકપ્રિય બન્યું. 1900ની આસપાસ મેરી લૉયડ, નેલી વાલેસ, સર હૅરી લૅન્ડર અને જ્યૉર્જ ફૉર્મ્બીનાં પૉપ-ગીતો લોકપ્રિય બન્યાં. અમેરિકાના આંતરયુદ્ધ પહેલાંથી નિગ્રો લોકોએ રચેલાં-ગાયેલાં ગીતો લોકપ્રિય બન્યાં.
1900 પછી ઇલેક્ટ્રિક રેકર્ડિગ અને પ્લેઇંગની શોધ થતાં ગીત-સંગીતની રેકર્ડો બનાવીને વેચવાનો ધંધો ફૂલ્યોફાલ્યો. લંડન અને ન્યૂયૉર્ક તેનાં મુખ્ય બે કેન્દ્રો બન્યાં. આને કારણે સસ્તું સંગીત પીરસનારાં સેંકડો લેભાગુ પૉપ-જૂથો ફૂટી નીકળ્યાં. કેટલાંક પાસે સાચી શક્તિ પણ હતી. 1920 પછી લોકપ્રિય બનેલા બિન્ગ ક્રૉસ્બીની ઝળહળતી કારકિર્દી 50 વરસ ચાલી. તેની શૈલી ‘બ્લૂઝ’ નામે ઓળખાઈ. આ પછી નૅટ કિન્ગ કોલ અને ફ્રાંક સિનાત્રાનાં નામો ટોચે આવ્યાં. તેમની શૈલી ‘સોલ’ નામે ઓળખાઈ.
બીજા વિશ્વયુદ્ધ પછી એલ્વિસ પ્રેસ્લી, બડી હૉલી અને ચક બેરી અતિ લોકપ્રિય થઈ પડ્યા. તેમની શૈલી ‘રૉક ઍન્ડ રોલ’ નામે ઓળખાઈ.
ઇલેક્ટ્રૉનિક વાદ્યોનો વિકાસ થવાથી ગાયનની સંગતમાં વિશાળ વાદ્યવૃંદોની જરૂર રહી નહિ; કારણ કે 100-150 વાદકોની અવાજશક્તિ માત્ર એક ઇલેક્ટ્રૉનિક ગિટાર કે સિન્થેસાઇઝર સર્જી શકતું થયું.
1960 પછી લિવરપૂલના ચાર તરુણો-જૉન લેનન (John Lenon), પૉલ મેકાર્ટની (Paul McCartney), જૉર્જ હેરિસન (George Harrison) અને રિંગો સ્ટાર (Ringo Star)એ તેમણે રચેલું બીટલ્સ જૂથ લોકપ્રિયતાના શિખરે બિરાજ્યું. સંગીતના સમગ્ર ઇતિહાસમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ અન્ય કોઈ જૂથે, એકલદોકલ સંગીતકારે કે વાદ્યવૃંદે દુનિયામાં આટલી બધી લોકપ્રિયતા હાંસલ કરી નથી.
1970 પછી ઇલેક્ટ્રૉનિક સિન્થેસાઇઝરે કઠોર અને કર્કશ અવાજ કાઢવો શરૂ કર્યો. સૂરાવલિઓને સ્થાને સંકુલ લયને વધુ પ્રાધાન્ય મળતાં રૉક સંગીતનો જન્મ થયો. તેમાં પણ પછીથી કઠોરતાનો અતિરેક થતાં ‘હેવી મેટલ’ શૈલી જન્મી. રૉક અને હેવી મેટલ શૈલીનાં ગાયકો અને જૂથોમાં પિંક ફ્લૉઇડ, બી જીઝ, જૉન ટ્રાવોલ્ટા, આબા, સેક્સ પિસ્ટૉલ્સ, સ્ટ્રૅન્ગ્લર્સ, એલ્ટન જૉન, ઑલિવિયા ન્યૂટન જૉન, ફ્લીટવૂડ મૅક, સ્ટેટસ ક્વો, ટીના ટર્નર અને એરિક ક્લૅપ્ટન મુખ્ય છે.
1980 પછી સૌથી વધુ વિશ્વવિખ્યાત રૉક-પૉપ સ્ટાર માઇકલ જૅક્સન છે. એ સાથે એસી/ડીસી (AC/DC), ઇન્ક્સ (Inxs), રિક સ્પ્રિન્ગફીલ્ડ અને મૅન ઍટ વર્ક પણ ટોચે પહોંચ્યા છે.
અમિતાભ મડિયા