પૈ, લક્ષ્મણ (જ. 21 જાન્યુઆરી 1926, માર્ગોવા, ગોવા) : ગોવાના મહત્ત્વના રાષ્ટ્રીય ચિત્રકાર. કિશોરાવસ્થામાં પૈ ગોવા ખાતે 1940માં એક ફોટો સ્ટુડિયોમાં કામ કરતી વેળા ફોટોગ્રાફ્સને ટચીંગ કરીને સુધારતા અને આ કામમાંથી તેમનો ચિત્રકલામાં રસ જાગ્રત થયો. એ અરસામાં તેમણે ગોવા લિબરેશન મૂવમેન્ટમાં ભાગ લીધો અને તેમની વાર ધરપકડ થઈ હતી. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ડિપ્લોમા કર્યો (1943-1947). તેમાં મેયો મેડલ પ્રાપ્ત કર્યો અને ત્યાં જ સહાયક પ્રોફેસર તરીકે જોડાયા. 1950માં મુંબઈમાં પ્રથમ વનમૅન-શો કર્યો. ગોવાના એક બીજા આધુનિક ભારતીય ચિત્રકાર ફ્રાન્સિસ ન્યુટન સૂઝા (Souza) સાથે પૈને દોસ્તી થઈ. તેમના પ્રોત્સાહનને પરિણામે 1951માં ફ્રાંસ જઈ પેરિસ ખાતે પ્રતિષ્ઠિત કલાશાળા ઇકોલ દ બ્યુ-આર્ત (Ecole des Beaux-Arts)માં કલાનો વધુ અભ્યાસ કરી, 1952માં પૅરિસ અને લંડનમાં પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. આ પછી સમગ્ર યુરોપનો પ્રવાસ કર્યો અને મ્યૂનિકમાં વનમૅન-શો કર્યો. 1954માં ફરી મુંબઈમાં અને પૅરિસમાં વનમૅન-શો યોજ્યા. આ જ વર્ષે ‘ગીતગોવિંદ’ ઉપર તેમણે એક ચિત્રમાળા સર્જી 1954માં જવાહરલાલ નહેરુ સાથે બેઠકો કરી તેમનું વ્યક્તિચિત્ર કર્યું. 1957માં જર્મનીની ફૅક્ટરી ‘રૉઝેનથલ પૉર્સલિન’ માટે કામ કર્યું. ત્યારપછી સાન ફ્રાન્સિસ્કો, સ્ટટગાર્ટસ, સિંગાપોર, ન્યૂયૉર્ક, પૅરિસ અને મુંબઈમાં ચિત્ર-પ્રદર્શનો કર્યાં. 1958માં જળરંગો, પેન અને શાહી વડે રામાયણ પર તથા ગાંધીજીના જીવન પર ચિત્રો કર્યાં. 1959માં લંડન જઈને બુદ્ધના જીવન પર રંગીન ‘એચિંગ’ અને ‘વિસ્કૉસિટી’ કર્યાં. 1960માં લંડન અને પૅરિસમાં વનમૅન-શો કર્યા. 1961 અને 1963માં લલિત કલા અકાદમીનો ઍવૉર્ડ મેળવ્યો. 1963માં કાલિદાસના ‘ઋતુસંહાર’ પર મુંબઈમાં ચિત્રમાળા કરી. એ પછીનાં 8 વરસ એમણે સારપો પાઉલૉ (બ્રાઝિલ), ટોકિયો, કસૌલી, કૉલકાતા, મુંબઈ, બગકૉક, કુઆલાલમ્પુર, ગોવા વગેરે નગરોમાં 58 વનમૅન-શો યોજ્યા. ઉપરાંત પેરિસ, ટોક્યો અને સાઓ પાઉલો ખાતે મહત્વના જૂથપ્રદર્શનોમાં ભાગ લીધો.
1967 પછીનાં સંગીતવિષયક ચિત્રોમાં અમૂર્ત ભાષા દ્વારા ભારતીય શાસ્ત્રીય રાગોને રજૂ કર્યા. પૈની આ સંગીત વિશેની ચિત્રગત પ્રતિક્રિયા કહી શકાય. સંગીતના લય અને આરોહ-અવરોહને રેખા અને રંગોના માધ્યમથી મૂર્ત સ્વરૂપ આપનાર તે પ્રથમ આધુનિક ભારતીય ચિત્રકાર છે.
1969 પછી નૃત્યોને ચિત્રોમાં વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો. આ પ્રયોગો અમૂર્ત નહિ, પણ મૂર્ત છે.
1969માં ચંદ્ર પર માનવના ઉતરાણથી રોમાંચિત થઈ પૈએ ‘શોધ અને સંરક્ષણ’ ચિત્ર બનાવ્યું. 1970માં ફરીથી રામાયણના વિષયો પર ચિત્રો બનાવવાનું ચાલુ કર્યું.
1977માં પૈ ભારત આવીને સ્થિર થયા. 1977થી 1987 સુધી તેમણે ગોવા કૉલેજ ઑફ આર્ટના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી.
વિવિધ વિષયો અને વિવિધ શૈલીઓના સમન્વયથી પૈ સફળતાપૂર્વક અભિવ્યક્તિવાદી કલાકારનું કાઠું કાઢી શક્યા છે.
પૈનાં ચિત્રો અમેરિકામાં ન્યુ યોર્ક પબ્લિક લાઈબ્રેરી, જર્મનીના બર્લિન મ્યુઝિયમ, પેરસના મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, ચેન્નાઈના મદ્રાસ મ્યુઝિયમ, દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ તથા પંજાબ યુનિવર્સિટીમાં કાયમી ધોરણે સંગૃહિત અને પ્રદર્શિત થયેલાં છે. પૈને ભારતની કેન્દ્રીય લલિત કલા અકાદમીના ઍવૉર્ડ ત્રણ વાર (1961, 1963 અને 1972) મળ્યા છે. ભારત સરકારે 1985માં પદ્મશ્રી ઍવૉર્ડથી તેમને નવાજ્યા હતા. ઉપરાંત તેમનું 1995માં નહેરુ ઍવૉર્ડ તથા ગોવાના સર્વોચ્ચ નાગરિક સન્માન `ગોમન્ત વિભૂષણ’ ઍવૉર્ડથી પણ બહુમાન કરાયું છે.
અમિતાભ મડિયા