પેલિકન : પેલિકેનિફૉર્મિસ શ્રેણીના પેલિકેનિડે કુળનું વિશાળકાય જળચર પક્ષી. તેને ગુજરાતમાં ‘પેણ’ના નામે ઓળખવામાં આવે છે. પ્રજાતિ પેલિકેનસ હેઠળ કુલ 7 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમને કદના આધારે બે સમૂહમાં મૂકવામાં આવે છે. બંને સમૂહોનું પ્રતિનિધિત્વ કરતી ગુલાબી પેણ (Rosy Pelican – P. onocrotalus) અને રૂપેરી પેણ (Grey Pelican – P. phillippensis) ભારતનાં મહેમાન પક્ષીઓ છે. તેઓ હંગેરી, મધ્ય એશિયા, આફ્રિકા, ઈરાન અને ઇરાકથી શિયાળો ગાળવા સ્થળાંતર કરી ભારતમાં આવી પહોંચે છે. તેઓ ઑક્ટોબરથી એપ્રિલ સુધી ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જોઈ શકાય છે.

પેલિકનનું કદ ગીધથી સહેજ મોટું, હંસ જેટલું હોય છે. તેની લંબાઈ આશરે 180 સેમી. જેટલી અને બંને પાંખોનો ઘેરાવો 270 સેમી. જેટલો હોય છે. તેનું વજન 4.5થી 11 કિગ્રા. હોય છે. દેખાવની દૃષ્ટિએ નર અને માદા સરખાં જણાય છે. મોટું કદ, ટૂંકા પગ અને લબડતી ચામડીવાળી મોટી ચાંચને લીધે આ પક્ષીને ઓળખવું અત્યંત સહેલું છે.

પેલિકન

તે મીઠા પાણીનાં જળાશયોમાં કે દરિયાકિનારે એકાકી અથવા સમૂહમાં જોવા મળે છે. તે ચાલે ત્યારે કંઈક અંશે બેડોળ લાગે છે, પરંતુ પાણીમાં તરતું આ પક્ષી ઘણું આકર્ષક અને સુંદર જણાય છે. તેનાં પશ્ચ-ઉપાંગોની ચારેય આંગળીઓ ત્વચાથી જોડાયેલી રહે છે. આથી એક મજબૂત હલેસા જેવી રચના બને છે, જે તેને ઝડપથી તરવામાં મદદરૂપ બને છે. આ પક્ષી વજનમાં ભારે હોવા છતાં, મોટી પાંખોને લઈને તેને ઊડતી વખતે દોડવું પડતું નથી, કારણ કે શક્તિશાળી મોટી પાંખો વડે તરત જ તે પોતાના દેહને હવામાં સરકતો (glide) કરી દે છે. હવામાં ઊંચે ચડતા પ્રવાહને પારખીને તે જોતજોતાંમાં આકાશમાં ખૂબ ઊંચે સુધી પહોંચી જાય છે. ત્યારબાદ પાંખોના નહિવત્ હલનચલન વડે લાંબા અંતર સુધી સરકી શકે છે. હવામાં લયબદ્ધ રીતે મોટી પાંખો ફફડાવતી પેણને ઊડતી જોવી એ એક અનેરો લહાવો છે. ખોરાક નજરે પડવાની સાથે વિમાન જેવી અદાથી પેણ નીચે ઊતરે છે અને ભક્ષ્યને પકડી લે છે.

પેલિકનનો મુખ્ય ખોરાક માછલીનો છે. સમૂહમાં શિકારે નીકળેલાં આ પક્ષીઓ માછલીઓને પકડવા માટે અદભુત વ્યૂહરચના કરે છે. અર્ધવર્તુળાકારે આગળ વધતાં આ પક્ષીઓ પાંખોના ફફડાટ દ્વારા માછલીઓને ગભરાવી છીછરા કિનારા તરફ જવાની ફરજ પાડે છે અને ત્યારબાદ ડોક લંબાવીને માછલી પકડી લે અથવા તો ચાંચ ખુલ્લી રાખીને માછલીને સ્વયં ચાંચની નીચે આવેલી થેલીમાં પ્રવેશવા માટે લલચાવે છે. ચામડીથી બનેલી આ થેલી જેવી રચનામાં 2થી 3 કિલો માછલીઓ તો સહેલાઈથી સમાઈ જાય છે.

પેલિકન અંડપ્રસવી પક્ષી છે, આથી તે ઈંડાં મૂકવા માળા રચે છે. કચ્છ, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતનાં કેટલાંક સ્થળોએ તેના માળા હોવાના સંકેતો મળ્યા છે. તેઓ મહદ્અંશે પ્રજનનક્રિયા સમૂહમાં કરતાં હોવાથી 50થી 40,000 સુધીની વિશાળ સંખ્યામાં એકત્ર જોવા મળે છે. માદા પ્રજનનકાળ દરમિયાન આશરે 2થી 4 ઈંડાં મૂકે છે. અપવાદ રૂપે ક્યારેક 6થી 10 જેટલી સંખ્યા નોંધાયેલ છે. ઈંડાં લંબગોળ આકારનાં, ખરબચડી સપાટીવાળાં અને ચૉક જેવા સફેદ રંગનાં હોય છે. આશરે 30 દિવસના સેવન બાદ ઈંડાનું સ્ફોટન થઈ તેમાંથી બચ્ચું બહાર આવે છે. નવજાત બચ્ચાં કાળા રંગનાં અને પીંછાંવિહીન હોય છે. તેમની પૈતૃક-પાલનની વૃત્તિ નોંધપાત્ર હોય છે. બચ્ચાં ખોરાકગ્રહણ કરવા માટે તેમની ચાંચ, મા-બાપની ચાંચમાં દાખલ કરે છે. આ દૃશ્ય પરથી એક એવી લોકવાયકા પ્રચલિત થઈ છે કે પેલિકનનાં બચ્ચાં તેમનાં મા-બાપની છાતીનું રુધિર ચૂસીને મોટાં થાય છે !

ગુલાબી પેણ અને રૂપેરી પેણને તેમની આંખો અને પાંખોના રંગ પરથી અલગ તારવી શકાય છે.

દિલીપ શુક્લ