પેરી, ફ્રેડ (જ. 18 મે 1909, સ્ટૉકપૉર્ટ, ઈશર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1995, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : બ્રિટનનો ટેનિસ રમતવીર. વિશ્વના નોંધપાત્ર ખેલાડીઓમાંનો એક. 1936માં તેણે રમતક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારથી 1998 સુધીમાં ગ્રાન્ડ સ્લૅમમાં આઠ વાર સિંગલ સ્પર્ધામાં શ્રેષ્ઠ ખેલાડીનું પદ પ્રાપ્ત કર્યું. બીજો કોઈ બ્રિટિશ પુરુષ આ સિદ્ધિ એકાદ વાર પણ મેળવી શક્યો નથી. પેરીની સિદ્ધિની વિગત આ પ્રમાણે છે : વિમ્બલ્ડન 1934, 1935 અને 1936; અમેરિકી, ફૉરેસ્ટ હિલ્સ 1933, 1934, 1936; ઑસ્ટ્રેલિયન 1934 અને ફ્રેન્ચ 1935.
મહત્વની ચારેય સિંગલ સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત કરનાર તે પ્રથમ ખેલાડી રહ્યો. જોકે તેની જીત સળંગ નહિ હોવાને કારણે ગ્રાન્ડ સ્લૅમના પ્રથમ વિજેતાના પદથી તે વંચિત રહી ગયો.
1933માં પૅટ હ્યુજિસ સાથે પેરી ઑસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ડબલ્સમાં પ્રથમ રહ્યો. ત્રણ ભિન્ન સાથીઓ સાથે રમીને તેણે ચાર મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લૅમ વિજયો મેળવ્યા. ડેવિસ કપમાં તેણે જે યશસ્વી રમત બતાવી તેથી મહાન રમતવીર તરીકે તેનું સ્થાન નિશ્ચિત બન્યું. 1931થી ’36ના સમયગાળામાં રમાયેલી 52 સ્પર્ધાઓમાં કેવળ 7માં તેનો પરાજય થયો. તેમાં 20 તો મડાગાંઠવાળી હતી. 1933-36ની સ્પર્ધાઓમાં તેની રમતથી બ્રિટિશ ટુકડી સળંગ ચાર વર્ષ કપ જીતી. તેની 10 સિંગલ્સમાં પેરી કેવળ એકમાં જ હાર્યો હતો. 1933 અને ’36ની બંને અંતિમ રમતમાં આવદૃશ્યક ફિફ્થ રબર જીતીને પેરીએ બ્રિટનને 3-2થી વિજય અપાવ્યો હતો.
1936માં અમેરિકી સિંગલ્સ જીત્યા પછી પેરી વ્યવસાયી બન્યો. એલ્સવર્થ વાઇન્સ અને ડૉન બજ સાથે તે અવિસ્મરણીય સ્પર્ધાઓની શ્રેણી રમ્યો. તેની શક્તિ તેની અગ્રહસ્ત-ચાલિત રમત (forehand drive) હતી. રમતમાં તે આત્મવિશ્વાસપૂર્વક આક્રમક વલણ અપનાવતો. પેરીના પ્રારંભકાળની વિશેષતા એ હતી કે તેના પિતા સંસદના લેબર પક્ષના સભ્ય હતા અને તેમને ધનિક પરિવારમાં ગણી શકાય તેમ નહોતું. આ સંજોગોમાં તેણે ‘અવેતન ગૃહસ્થ’ (gentleman amateur) તરીકે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. પ્રારંભે તેની પ્રિય રમત ટેબલ-ટેનિસ હતી. તેમાં 1929માં તે સિંગલ સ્પર્ધામાં વિશ્વશ્રેષ્ઠ હતો. અમેરિકી નાગરિક બનીને બીજા વિશ્વયુદ્ધ સમયે તેણે અમેરિકી સેનામાં સેવા આપી હતી. ઉત્તર જીવનમાં તેણે વધારે સમય ઇંગ્લૅન્ડમાં ગાળવાનું રાખ્યું.
બંસીધર શુક્લ