પેરિયપ્પુરમ જોસ ચાકો (ડૉ.)

July, 2025

પેરિયપ્પુરમ જોસ ચાકો (ડૉ.) (જ. 28 એપ્રિલ 1958) : એક પ્રસિદ્ધ હૃદયશલ્ય ચિકિત્સક. જેઓ દક્ષિણી રાજ્ય કેરળમાં ઉત્કૃષ્ટ કાર્ડિયોલૉજિકલ અને કાર્ડિયાક સર્જિકલ ઉપચારની શરૂઆત કરવા માટે અને એને સ્થાપિત કરવા માટે જાણીતા છે.

જોસ ચાકો પેરિયપ્પુરમ

ડૉ. પેરિયપ્પુરમે વર્ષ 1978માં કેરળ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ રેન્ક સાથે સેન્ટ થોમસ કૉલેજ પલાઈમાંથી વનસ્પતિવિજ્ઞાનમાં સ્નાતક કર્યું અને કોટ્ટાયમની સરકારી મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ એફ.આર.સી.એસ. કરવા માટે આયર્લૅન્ડ ગયા અને ડબલિનમાં રૉયલ કૉલેજ ઑવ્ સર્જન્સમાં જોડાયા. પોતાની પ્રશિક્ષણ અવધિ દરમિયાન એમણે આયર્લૅન્ડની વિભિન્ન હૉસ્પિટલોમાં કામ કર્યું અને ડબલિનની મૅટર હૉસ્પિટલમાં પહેલી હૃદયપ્રત્યારોપણ ટીમના સદસ્ય હતા. તેમણે કાર્ડિફની વેલ્સ વિશ્વવિદ્યાલય હૉસ્પિટલમાં કાર્ડિયાક સર્જરીમાં ગહન પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. એમણે કૅમ્બ્રિજશાયરની પ્રસિદ્ધ પૅપવર્થ હૉસ્પિટલ અને ન્યૂકૅસલની ફ્રીમૅન હૉસ્પિટલમાં હૃદયપ્રત્યારોપણમાં પણ પ્રશિક્ષણ મેળવ્યું. એમણે વર્ષ 1997માં કોચીની મેડિકલ ટ્રસ્ટ હૉસ્પિટલ, ભારતમાં હૃદયશલ્ય ચિકિત્સામાં પોતાની કૅરિયર શરૂ કરી અને વર્ષ 2008માં લિસી હૉસ્પિટલમાં ગયા જ્યાં તેઓ અત્યારે પણ હૃદયશલ્ય ચિકિત્સા વિભાગના પ્રમુખ તરીકે કામ કરે છે.

ડૉ. પેરિયપ્પુરમે વર્ષ 2003માં કેરળમાં પ્રથમ હૃદયપ્રત્યારોપણ કર્યું હતું. તેઓએ અત્યાર સુધીમાં 20,000થી વધુ ઓપન હાર્ટ સર્જરી કરી છે, જેનાં પરિણામો ઉત્કૃષ્ટ રહ્યાં છે. તેઓ ભારતમાં બીટિંગ હાર્ટ સર્જરી, અવેક બાયપાસ સર્જરી અને ટોટલ આર્ટેરિયલ રીવૅસ્કુલરાઇઝેશનના ક્ષેત્રમાં અગ્રણી છે. એમણે કેરળમાં પ્રથમ હૃદય-ફેફસાંનું પ્રત્યારોપણ કર્યું અને અત્યાર સુધીમાં 30 થૉરેસિક અંગ પ્રત્યારોપણ કર્યાં છે, જે કેરળ રાજ્યમાં સર્વાધિક છે. તેઓએ ભારતમાં પહેલું હૃદય પુનઃપ્રત્યારોપણ સફળતાપૂર્વક કર્યું છે. અને દેશમાં સફળ હૃદય- પ્રત્યારોપણના પુલના રૂપમાં પ્રથમ દ્વિ-વૅન્ટ્રિકુલર સહાયક ઉપકરણ લગાડ્યું છે. એમણે 12 વર્ષ પહેલાં એશિયામાં પ્રથમ વાર તાકાયાસુના એક દર્દીમાં હૃદયપ્રત્યારોપણ કર્યું હતું જે અત્યારે પણ સ્વસ્થ જીવન જીવે છે.

ડૉ. પેરિયપ્પુરમ હાર્ટ કેર ફાઉન્ડેશનના સંસ્થાપક અધ્યક્ષ છે, જે ગરીબ દર્દીઓને ઉત્કૃષ્ટ હૃદયઉપચાર અપાવવામાં મદદ કરે છે. ફાઉન્ડેશન પાસે ઘણી પરિયોજનાઓ છે, જેને સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે, જેમાં લોકોને સી.પી.આર. પ્રશિક્ષણ, હૃદયરોગ જાગૃતતા કાર્યક્રમ, પ્રકાશન વગેરે સામેલ છે. હાર્ટ કેર ફાઉન્ડેશને વર્ષ 2003માં કોચીનમાં ભારતમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ ગેમનું આયોજન કર્યું છે. તેઓ ભારતની સૌથી જૂની હાર્ટ ફેલિયર અને ટ્રાન્સપ્લાન્ટ સોસાયટીના સંસ્થાપક સચિવ છે.

ડૉ. પેરિયપ્પુરમ એક જૈવિક ખેડૂત પણ છે અને તેમણે પોતાના ગામમાં દેશી ધાનની ખેતીને વેગ આપ્યો છે. તેઓ પોતાના ખેતરમાં જૈવિક પદ્ધતિથી ફળનાં ઝાડ, ફણસનાં ઝાડ, લીંબુની સાથે સાથે રતાળુ ઉગાડે છે અને આ રીતે ખેડૂતોને માટીથી પ્રેમ કરવા અને જૈવિક ખેતીને વેગ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

ડૉ. પેરિયપ્પુરમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રોટરી અને લાયન્સ ક્લબો દ્વારા ઘણા વ્યાવસાયિક અને સામાજિક ઉત્કૃષ્ટતા પુરસ્કારો ઉપરાંત, એમને વર્ષ 2003માં મધર ટેરેસા પુરસ્કાર અને વર્ષ 2005માં ઇન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યા છે. તેઓને વર્ષ 2011માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે.

પૂરવી ઝવેરી