પેરિનબહેન કૅપ્ટન

September, 2024

પેરિનબહેન કૅપ્ટન (જ. 12 ઑક્ટોબર 1888, માંડવી; અ. 17 ફેબ્રુઆરી 1958, પુણે) : ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની.

દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અરદેશરની સૌથી નાની પુત્રી. પિતા ડૉક્ટર. માતા વીરબાઈ દાદીના. પેરિનબહેને 1893માં પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું. ઉચ્ચ અભ્યાસ અર્થે ફ્રાંસ ગયાં. પૅરિસની સોર્બોન નુવૅલે યુનિવર્સિટીમાં ફ્રેંચ ભાષામાં અભ્યાસ કરી પદવી મેળવી.

પૅરિસમાં નિવાસ દરમિયાન પેરિનબહેન અનેક લોકોના સંપર્કમાં આવ્યાં. એમાંનાં એક ભીખાઈજી કામા હતાં. ભીખાઈનાં વિચારો અને કામથી તેઓ ખૂબ પ્રભાવિત થયાં અને એમનાં કામમાં જોડાયાં. વિનાયક દામોદર સાવરકરને લંડનમાં બ્રિટિશ પોલીસે પકડ્યા અને કેદ કર્યા ત્યારે એમને છોડાવવામાં પેરિનબહેને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેઓ હથિયાર ચલાવવાનું અને બૉમ્બ બનાવવાનું પણ શીખ્યાં. તેમણે સાવરકર સાથે 1910માં બ્રુસેલ્સમાં યોજાયેલ ઇજિપ્તની રાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભાગ લીધો હતો.

તેઓ 1911માં ભારત પાછાં ફર્યાં. ભારતમાં આવી ગાંધીજીને મળ્યાં. ગાંધીજીનાં વિચારો, આદર્શો અને પારદર્શિતાની તેમના પર અસર થઈ. તેમણે પોતાનું જીવન રાષ્ટ્ર માટે જીવવાનું નક્કી કર્યું. ભારતમાં સ્વતંત્રતા માટે ચળવળ ચાલતી હતી. પેરિનબહેન તેમાં જોડાયાં. 1920માં સ્વદેશી ચળવળમાં ભાગ લીધો અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. 1921માં ગાંધીજીના આદર્શો સાથે મહિલાઓના અભિયાનમાં સક્રિય બન્યાં. રાષ્ટ્રીય સ્ત્રીસભાની રચનામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેમણે 1925માં વકીલ ધુનજીશા એસ. કૅપ્ટન સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી પણ સ્વતંત્રતા માટેની લડતમાં સક્રિય રહ્યાં. 1930માં બૉમ્બે પ્રાંતીય કૉંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયાં. આ પદ માટે ચૂંટાનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે 1930 અને 1932માં જેલવાસ ભોગવ્યો. ગાંધી સેવા સેનાની રચના થઈ એમાં તેમને મહામંત્રી બનાવવામાં આવ્યાં. તેમણે ભારત ગાઇડ્સના ચીફ કમિશનર પદે પણ સેવા આપી હતી. પૂનાના જહાંગીર નર્સિંગ હોમમાં તેમનું અવસાન થયું.

તેમને 1954માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અનિલ રાવલ