પેપરોમિયા : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની ભૌમિક કે પરરોહી માંસલ શાકીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના હૂંફાળા પ્રદેશોમાં થયેલું હોવા છતાં અમેરિકામાં તેની સૌથી વધારે જાતિઓ થાય છે. ભારતમાં લગભગ 12 જેટલી જાતિઓ વન્ય અને 10 જેટલી જાતિઓ ઉદ્યાનોમાં થાય છે. તેનાં પર્ણો સુંદર હોવાથી શૈલઉદ્યાન (rockery), કૂંડાંઓમાં અને છાબમાં ઉગાડવામાં આવે છે.
Peperomia argyria 25થી 30 સેમી. ઊંચી જાતિ છે. તેનાં પર્ણો દળદાર, ગોળ, ટોચેથી અણીવાળાં, મધ્યમ કદનાં, લીલા રંગ ઉપર રૂપેરી પટાવાળાં અને ખીચોખીચ હોય છે. તે ફળદ્રૂપ જમીન અને છાયામાં સારી રીતે થાય છે. તે દક્ષિણ અમેરિકામાંથી આવેલી મનાય છે. તેનું પ્રસર્જન કટકારોપણ અને પર્ણનો ટુકડો રોપવાથી થાય છે. તેના પર્ણનો ટુકડો 2.0 સેમી. જેટલા પર્ણદંડ સહિત રોપવામાં આવે છે. પાકું છતાં ઘરડું ન હોય તેવું પર્ણ પસંદ કરવામાં આવે છે.
P. metallicaનાં પર્ણો તાંબા જેવા રંગનાં અને નીચેની સપાટીએ પિત્તળિયા ગુલાબી રંગનાં હોય છે. P. fraseri, P. magnifica અને P. saunderii બીજી શોભન – જાતિઓ છે.
P. pellucida દળદાર, બહુશાખિત અને ભૂસર્પી (procumbent) જાતિ છે. તેનાં પર્ણો ત્વચીય, પહોળાં, અંડાકાર-ત્રિકોણાકાર (ovate-deltoid) હોય છે.
તેનાં પર્ણો માથાના દુખાવામાં અને તાવમાં વપરાય છે. તેનો રસ પેટના દુખાવામાં આપવામાં આવે છે. તેનો જલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escherichia coli સામે પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે.
P. reflexa પંજાબથી આસામ સુધી 2,100 મી.ની ઊંચાઈ સુધી હિમાલયમાં અને આંધ્રપ્રદેશ, ઓરિસા, ચેન્નાઈ અને કેરળમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે અને મૂત્રપિંડના રોગોમાં તેનો ઉપયોગ થાય છે.
મ. ઝ. શાહ