પેન્શન : સેવાનિવૃત્ત વ્યક્તિને જીવન-નિર્વાહ માટે દર મહિને અથવા નિયમિત સમયાંતરે કરવામાં આવતી રોકડ રકમની ચુકવણી. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકોને રાજવી અથવા રાજ્ય તરફથી પેન્શન આપવાની પ્રણાલી વિશ્વમાં પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે; પરંતુ સાંપ્રત કાળમાં સામાન્ય રીતે પ્રત્યેક સરકાર તેના સૈનિક અને અસૈનિક નિવૃત્ત કર્મચારીને પેન્શન આપે છે તથા જીવનનિર્વાહ ખર્ચના આંકમાં વધારો થાય તો સમીક્ષા કરીને પેન્શનમાં વધારો કરે છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ પ્રગતિશીલ માલિકો તરફથી દીર્ઘકાલીન સેવા કરીને નિવૃત્ત થયેલા પોતાના કર્મચારીને પેન્શન આપવાનું વલણ જોવામાં આવે છે. સરકાર પોતાના કર્મચારીને પેન્શન આપવા માટે સરકારી સ્રોતમાંથી દર વર્ષે પેન્શન-ફંડમાં ઉમેરવાની રકમની જોગવાઈ કરે છે; ખાનગીક્ષેત્રમાં માલિક પોતાના કર્મચારીને પેન્શન આપવા માટે ટ્રસ્ટ બનાવીને અથવા જીવનવીમાનો ધંધો કરતી કંપની સાથે કરાર કરીને પેન્શન-ફંડની જોગવાઈ કરે છે અને તેમાં કર્મચારીના પગારમાંથી વસૂલ કરેલો તેમજ માલિકે આપવો પડતો ફાળો નિયમિત સમયાંતરે જમા કરાવે છે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં (1) કર્મચારીની સેવાની અવધિ પૂરી થઈ હોય (2) સેવાની સંપૂર્ણ અવધિ પૂરી થઈ ન હોય છતાં લઘુતમ નિર્ધારિત અવધિ પૂરી થઈ હોય તેમજ નિશ્ચિત વયમર્યાદા વટાવી હોય અથવા (3) સેવા દરમિયાન કર્મચારી સેવા આપવા માટે અશક્ત થયો હોય, તેમાંથી કોઈ પણ સંજોગમાં કર્મચારી જીવનપર્યન્ત પેન્શન મેળવવા માટે હકદાર બને છે. તેના મૃત્યુ બાદ તેના લગ્નસાથીને જીવનપર્યન્ત અને સગીર બાળકોને તેઓ પુખ્ત વયનાં થાય ત્યાં સુધી પેન્શન મળે છે.
ભારત સરકાર તેના નિવૃત્ત કર્મચારીને (1) પૂર્ણ-અવધિ સેવાનિવૃત્તિ પેન્શન, (2) અપૂર્ણ-અવધિ સેવાનિવૃત્તિ પેન્શન, (3) સેવા-અશક્ત કર્મચારી પેન્શન – એમ ત્રણમાંથી જે લાગુ પડતું હોય તે પ્રકારનું પેન્શન આપે છે. 33 વર્ષની એકધારી પૂર્ણ-અવધિની સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા કર્મચારીને સેવાના છેલ્લા 10 મહિનામાં મળેલા પગારના આધારે સરેરાશ માસિક પગારના 50 %ના દરે પેન્શન આપવામાં આવે છે. કર્મચારીએ પૂર્ણ અવધિની સેવા ન આપી હોય છતાં તેની ઉંમર 50 વર્ષની થઈ હોય તો તેણે જેટલાં વર્ષની સેવા કરી હોય તેમાં બીજાં 5 વર્ષ ઉમેરીને થયેલી કુલ સેવાનાં વર્ષ અને વિહિત 33 વર્ષના વરાડે સરેરાશ માસિક પગારના 50 %ના ધોરણે પેન્શન આપવામાં આવે છે. સેવા-અવધિ દરમિયાન પગ, હાથ, આંખ અથવા અન્ય અંગને ઈજા થવાથી કર્મચારી સેવા આપવા માટે અશક્ત બને તેને પણ વરાડે પેન્શન આપવામાં આવે છે. કર્મચારીના મૃત્યુ પછી તેના લગ્નસાથીને પગારના 30 %ના દરે જીવનપર્યન્ત અને લગ્નસાથીના મૃત્યુ પછી સગીર બાળકોને તેઓ પુખ્ત વયનાં થાય ત્યાં સુધી કુટુંબ પેન્શન આપવામાં આવે છે. ફુગાવાના લીધે ગ્રાહક-ભાવ-સૂચકાંક(consumer price index)માં વધારો થાય ત્યારે દરેક પ્રકારના પેન્શન ઉપર મોંઘવારી-રાહત (dearness relief) આપવામાં આવે છે. આ નિયમો નિવૃત્ત અસૈનિક કર્મચારીઓ અંગેના છે. નિવૃત્ત સૈનિક કર્મચારીઓ અંગે અલગ નિયમો બનાવેલા છે.
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના લાભાર્થે ભારત સરકારે કર્મચારી ભવિષ્યનિધિ અધિનિયમ 1952 ઘડીને કર્મચારી ભવિષ્યનિધિ/પેન્શન-યોજનાઓ બનાવી છે. તેમની સાંપ્રત જોગવાઈ અનુસાર માલિકે દર મહિને કર્મચારીના પગારમાંથી 12 % ફાળો કાપીને અને પોતાનો 12 % ફાળો ઉમેરીને કુલ રકમ ભારતીય સ્ટેટ બૅન્કમાં ભવિષ્યનિધિમાં જમા કરાવવી પડે છે. આ ફંડનો વહીવટ ક્ષેત્રીય ભવિષ્યનિધિ આયુક્ત કરે છે અને પ્રત્યેક કર્મચારીને તેના ખાતાનું વાર્ષિક વિવરણ (annual statement) મોકલી આપે છે. કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેના પગારમાંથી કપાયેલા ફાળાની વ્યાજ સાથે એકત્રિત થયેલી રકમ તેને તરત પૂરેપૂરી ચૂકવવામાં આવે છે અને માલિકના ફાળામાંથી બનેલા ફંડમાંથી કર્મચારીને જીવનપર્યન્ત અને તેના મૃત્યુ બાદ તેના આશ્રિતોને કુટુંબ પેન્શન આપવામાં આવે છે.
આ ઉપરાંત રાજ્ય સરકારો, પંચાયતો, મ્યુનિસિપલ કૉર્પોરેશનો, સરકારી અનુદાન મેળવતી જાહેર સંસ્થાઓ, ભારતીય સ્ટેટ બૅન્ક, રાષ્ટ્રીયકૃત બૅન્કો, જીવનવીમા નિગમ વગેરેના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન આપવાની યોજનાઓ અસ્ત્વિત્વમાં છે. તેમાંની મોટાભાગની યોજનાઓ ભારત સરકારની પેન્શન-યોજના ઉપર આધારિત છે.
જ્યન્તિલાલ પો. જાની