પેન્નાર : દક્ષિણ ભારતની નદી. કર્ણાટકના ચિક બેલાપુરથી 11 કિમી.ને અંતરે આવેલા નૈર્ઋત્યના દખ્ખણના ઉચ્ચપ્રદેશમાંથી તે નીકળે છે. અહીંથી તે ઉત્તર તરફ વહી આંધ્રપ્રદેશમાં પ્રવેશે છે. ત્યાંથી તે પૂર્વ તરફનો વળાંક લે છે, વચ્ચે તેને દક્ષિણ તરફથી ચિત્રવતી અને ઉત્તર તરફથી કુંડેરુ નદી મળે છે. ત્યાંથી નેલોર પાસે થઈને કોરોમાંડલ કિનારા પર બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. મૂળથી મુખપ્રદેશ સુધીની તેની કુલ લંબાઈ 560 કિમી. જેટલી થાય છે. આ નદી મોસમ પ્રમાણે તેનું રૂપ બદલે છે; વર્ષાઋતુમાં પૂર આવે ત્યારે તેનો પ્રવાહ વેગીલો બની રહે છે, પરંતુ ઉનાળાની સૂકી ઋતુમાં તો તે નાના ઝરણા જેવી બની જાય છે.
ગિરીશભાઈ પંડ્યા