પેન્ડ્યુલા : ઊભો આસોપાલવ. શાસ્ત્રીય નામ Polyalthia longifolia Thw. var. Pendula. કુળ : એનોનેસી. અં. માસ્ટ (Indian Mast tree) અથવા સિમેટ્રી; હિં. અશોક, દેવશર; બં. દેવદારુ; ગુ. આસોપાલવ, તે. નાશમામીડી; ત. નેટ્ટીલિંગમ્, અસોથી; ક. કમ્બાડામારા, હેસારી; મ. અરનાચોરના; ઊ. દેવદારુ, આસુપાલ; આ. ઉન્બોઈ.

પેન્ડ્યુલા એ ખરેખર વૃક્ષ કે વનસ્પતિનું નામ નથી, પરંતુ આસોપાલવ નામના વૃક્ષનો એક પ્રકાર છે. આસોપાલવના આ પ્રકારના વૃક્ષની ખાસિયત એ છે કે તેમાં મુખ્ય થડ સીધું વધેલું હોય છે અને તેમાંથી ઘણી બધી શાખાઓ નીકળે છે, જે નીચેની તરફ લટકતી સ્થિતિમાં રહે છે. મુખ્ય થડમાંથી બાજુની શાખાઓની આ પ્રકારની ગોઠવણીને ધ્યાનમાં લઈ, અંગ્રેજી શબ્દ ‘પેન્ડ્યુલસ’ના આધારે આસોપાલવ વૃક્ષના આ પ્રકારનું ‘પેન્ડ્યુલા’ નામ લોકોમાં પ્રચલિત બન્યું છે.

ઉદ્યાનમાં વિકસિત પેન્ડ્યુલા (ઊભો આસોપાલવ)

આ વૃક્ષ ઊંચું, સુંદર, સદાહરિયાળું છે. તેનું મુખ્ય થડ સીધું વધે છે અને નીચે તરફ ઢળતી શાખાને લીધે તેનો આકાર નળાકાર અથવા સાધારણ શંકુ આકારનો દેખાય છે. આ વૃક્ષ શ્રીલંકાના શુષ્ક પ્રદેશનું છે અને ભારતના દરેક ભાગમાં ઉગાડવામાં આવે છે. આસોપાલવ-પેન્ડ્યુલા ભેજવાળા ઉષ્ણ હવામાનમાં સારી રીતે ઊછરી શકે છે. વૃક્ષની છાલ થોડી સુંવાળી, જાડી, ભૂખરા બદામી રંગની હોય છે. પાન વચ્ચેથી પહોળાં અને બંને તરફ સાંકડાં, બહિર્ગોળ દૃક્કાચ આકારનાં, લાંબાં, ચમકતાં હોય છે. તેની કિનારી તરંગિત હોય છે. પુષ્પો ઝૂમખામાં પર્ણના કક્ષમાંથી નીકળતાં હોય છે. પુષ્પો પીળાશ પડતાં લીલા રંગનાં હોય છે. ફળો ઝૂમખામાં 2થી 2.5 સેમી. ગોળાઈનાં માંસલ હોય છે. ફળ સાધારણ, લંબગોળ એક-બીજ ધરાવતાં હોય છે. આ વૃક્ષનું પ્રવર્ધન બીજ સીધાં વાવીને અથવા એકથી બે વર્ષના કોથળી અથવા કૂંડામાં ઊછરેલા રોપા દ્વારા કરી શકાય છે. આના બીજની સ્ફુરણશક્તિ ફક્ત એક ઋતુ અથવા ઘણા ટૂંકા સમય સુધી જ જળવાયેલી રહે છે. પાકાં ફળોમાંથી બીજ કાઢી તુરત વાવવાં જોઈએ. અથવા ઑગસ્ટ માસ સુધીમાં તે વાવી દેવાં જોઈએ.

આ વૃક્ષનું લાકડું પીળાશ પડતું અથવા સફેદ પડતું, પોચું, વજનમાં હલકું તથા થોડું સ્થિતિસ્થાપક હોય છે. એક ઘ. મી. લાકડું લગભગ 641 કિલો વજન ધરાવે છે. તેનો ઉપયોગ બૅરલ-ડ્રમ અને ખોખાં બનાવવામાં, ખેતી-ઓજારના હાથા, ગાડામાં જોડવાના બે દાંડા વગેરેમાં થાય છે. એક અહેવાલ મુજબ આ લાકડું પૅકિંગ માટેનાં ખોખાં બનાવવામાં તથા થડનું સીધું લાકડું પહેલાંના વખતમાં વહાણના કૂવાથંભમાં વપરાતું હતું. એના પરથી જ એનું અંગ્રેજી નામ માસ્ટ ટ્રી (Indian Mast tree) પડેલું છે.

એક અહેવાલ મુજબ આ વૃક્ષનાં પાકાં ફળો અછતના સમયમાં ખાવામાં આવે છે. તેનાં પર્ણ સાધારણ સુગંધ ધરાવતાં હોય છે. સુંદર દેખાવને કારણે તોરણ બનાવવામાં તે વપરાય છે. ભારતના કેટલાક ભાગોમાં આ વૃક્ષની છાલ જ્વરઘ્ન (તાવ ઉતારનાર) તરીકે વપરાય છે. ઘણા પ્રદેશમાં અશોક(Saraca asoca)ની છાલની અવેજીમાં તે વાપરવામાં આવે છે. એ હૃદયને મંદ કરે છે, લોહીના દબાણને ઓછું કરે છે અને શ્વાસોચ્છવાસ ઉત્તેજિત કરે છે.

પ્રભાતસિંહ ભગવાનસિંહ પરમાર