પેન્ટોઝાયલેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના પેન્ટોઝાયલેલ્સ ગોત્રનું કુળ. જાણીતા જીવાશ્મવિદ્ પ્રા. બીરબલ સાહની અને તેમના સહાધ્યાયીઓએ (1948) બિહારના અમરપરા જિલ્લાના સંથાલ પરગણામાં રાજમહાલની ટેકરીઓ પાસે આવેલા નિપાનિયા ગામમાંથી અનેક જીવાશ્મો એકત્રિત કર્યા. આ જીવાશ્મો ભારતના ઉપરી ગોંડવાના ક્ષેત્રના જ્યુરસિક ભૂસ્તરીય યુગના હોવાનું મનાય છે. તેમનાં લક્ષણો ટેરિડોસ્પર્મેલ્સ, સાયકેડીઑઇડેલ્સ, સાયકેડેલ્સ અને કૉનિફરેલ્સ સાથે સામ્ય દર્શાવતાં હોવાથી પ્રા. સાહનીએ ‘પેન્ટોઝાયલેલ્સ’ નામના નવા ગોત્રની રચના કરી. તેમના પ્રકાંડના છેદમાં પાંચ વાહીપુલો સ્પષ્ટ રીતે દેખાતા હોવાથી પ્રજાતિનું નામકરણ ‘પેન્ટોઝાયલૉન’ કર્યું. પેન્ટોઝાયલેસી કુળના નમૂનાઓનું નામકરણ પ્રાપ્ત થયેલ અંગ પરથી કરવામાં આવ્યું છે. પ્રકાંડને Pentoxylon sahnii અને Nipanioxylon gupti; પર્ણને nipaniophyllum ravi અને nipagmophyllum spothultwn; નર-પુષ્પને sahnia nipaniensis અને માદા-શંકુને Carnoconites compactum અને C. laxus તરીકે ઓળખવામાં આવે છે.

પેન્ટોઝાયલૉન : 1. પર્ણવાળી શાખા અને પ્રકાંડ, 2. પર્ણ (નીપાનીઓફાયલમ), 3. પ્રકાંડનો આડો છેદ – પાંચ વાહીપુલો, 4. નરપુષ્પ, 5. માદા-પ્રરોહ, કાર્નોકોનાઇટ્સ 6. માદાશંકુનો લંબવર્તી છેદ.

પ્રા. બીરબલ સાહનીએ લખનૌમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબૉટની ખાતે જીવાશ્મોના નમૂનાઓ એકત્રિત કરી તેમનું પુનર્નિર્માણ (reconstruction) કર્યું છે અને તેમનું વર્ણન આપ્યું છે. આ કુળની વનસ્પતિઓ ક્ષુપ કે નાનાં વૃક્ષ સ્વરૂપે મળી આવતી હતી. તે લાંબા અને ટૂંકા પ્રરોહવાળી- એમ બે પ્રકારની શાખાઓ ધરાવતી હતી. લાંબા પ્રરોહવાળી શાખાઓ નળાકાર અને ખરબચડી સપાટીવાળી હતી. તેના પર પર્ણતલોના બહુકોણીય, ડાઘ સર્પાકારે ગોઠવાયેલા હતા. ટૂંકા પ્રરોહવાળી શાખાઓ પર બહુકોણીય પર્ણતલોના ડાઘ ખીચોખીચ ગોઠવાયેલા હતા.

પેન્ટોઝાયલૉનમાં બાહ્યક અને મજ્જા સ્પષ્ટપણે જોવા મળે છે અને વાહીપુલનાં બે વલયો આવેલાં હોય છે. અંદરનું વલય 5થી 6 મોટાં વાહીપુલો ધરાવે છે. તે પ્રત્યેક વાહીપુલમાં સંલક્ષ્ય (conspicuous) અંત:કેન્દ્રીય (endocentric) દ્વિતીય વૃદ્ધિ થાય છે, જેથી એધાની અંદરની બાજુએ મજ્જા તરફ કાષ્ઠનો મોટોભાગ જોવા મળે છે. બહારના વલયમાં નાનાં વાહીપુલો આવેલાં હોય છે, તે અંદરનાં વાહીપુલો સાથે એકાંતરે ગોઠવાયેલાં હોય છે. તે પણ દ્વિતીયક કાષ્ઠ ઉત્પન્ન કરે છે. કાષ્ઠનાં વૃદ્ધિવલયો (growth rings) સ્પષ્ટપણે જોવા મળે છે અને રચનાની દૃષ્ટિએ તે સાયકેડોફાઇટિક કરતાં કૉનિફરસ વધારે હોય છે. જલવાહિનિકીઓ (trachieds) સાંકડી હોય છે અને તે સઘન (crowded) પરિવેશિત ગર્તો (bordered pits) ધરાવે છે. દ્વિતીયક જલવાહક પેશીમાં વચ્ચે વચ્ચે એકપંક્તિક (uniseriate) મજ્જાકિરણો (medullary rays) આવેલાં હોય છે.

Nipaniophyllum raviનાં પર્ણો ટૂંકા પ્રરોહવાળી શાખાની પાર્શ્વ બાજુએ અગ્ર ભાગે આવેલાં હોય છે. પર્ણો પટા આકારનાં, Taeniopterisને મળતાં આવતાં, 7.0 સેમી. લાંબાં અને, 1.0 સેમી. પહોળાં અને અગ્ર ભાગેથી ગોળાકાર હોય છે. પર્ણની કેટલીક મજબૂત સમાંતર શિરાઓ દ્વારા મધ્યશિરા બને છે. આ શિરાઓ ફરીથી શાખિત બની પર્ણકિનારી સુધી સમાંતરે જાય છે અને છેડાની નજીક પહોંચતાં પહેલાં તેની શાખા પર્ણકિનારી પાસે ફરીથી વિભાજિત થાય છે. અધિસ્તર પર આવેલાં રંધ્રો મધ્યજ (mesogenous or syndetocheilic) પ્રકારનાં હોય છે. પર્ણનાં વાહીપુલો મધ્યારંભી (mesarch) હોય છે. રંધ્ર અને વાહીપુલ રચનાની દૃષ્ટિએ સાયકેડ સાથે સામ્ય દર્શાવે છે.

Sahnia nipaniensisના પ્રરોહના અગ્ર ભાગે નર-પુષ્પો ઉત્પન્ન થાય છે. શાખિત લઘુબીજાણુપર્ણો જોડાઈ જઈ તલ-ભાગે નલિકાકાર બિંબ બનાવે છે. લઘુબીજાણુપર્ણની અંતિમ શાખાઓની ટોચ પર એકકોટરીય લઘુબીજાણુધાની હોય છે. તેની રચના હંસરાજને મળતી આવે છે અને પરાગરજ નૌકાકાર હોય છે.

Carnoconites compactum અને C. laxusમાં માદા ફળાઉ રચનાઓ ટૂંકા પ્રરોહવાળી, પર્ણો ધરાવતી શાખાના અગ્ર ભાગે ઉત્પન્ન થાય છે. તેનો મુખ્ય અક્ષ શાખિત બને છે અને પ્રત્યેક શાખા માદા-શંકુ ધરાવે છે. પ્રત્યેક માદા-શંકુના અક્ષ પર અદંડી અંડકો ગોઠવાયેલાં હોય છે. તેના પર શલ્ક, નિપત્ર કે મહાબીજાણુપર્ણો હોતાં નથી. બીજનાં બીજાવરણો જાડાં અને માંસલ અને બીજછિદ્ર બહિ:સૃત (protruding) હોય છે.

જૈમિન વિ. જોશી