પેન્ટાગોન : અમેરિકાના લશ્કરી વડામથક તરીકે ઉપયોગમાં લેવાતી વિશાળ પંચકોણી ઇમારત. તે વૉશિંગ્ટન, ડી.સી. પાસે વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન પરગણામાં પોટૅમિક નદીના પશ્ચિમ કિનારે આવેલ છે. લશ્કરી વડામથક તરીકે અહીંયાં અમેરિકાની સેનાની ત્રણેય પાંખો : ભૂમિદળ, નૌકાદળ તથા હવાઈ દળનાં મુખ્ય કાર્યાલયો છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બાંધકામમાં વપરાતા લોખંડની અછત વર્તાતી હતી, તેથી કરકસર દ્વારા તેનો ઇમારતના બાંધકામમાં ઉપયોગ થાય એવી તેની ડિઝાઇન બનાવવામાં આવી હતી. સરકારનો હેતુ રક્ષામંત્રાલયનાં જુદાં જુદાં કાર્યાલયોને એક જ છત નીચે લાવવાનો હતો. તે દૃષ્ટિકોણથી સપ્ટેમ્બર, 1941માં લશ્કરી ઇજનેરોએ આ ઇમારતનું બાંધકામ શરૂ કર્યું. 15 જાન્યુઆરી, 1943માં તેનું નિર્માણકાર્ય પૂરું થયું ત્યારે તે વિશ્વના સૌથી મોટા અને વિશાળ કાર્યાલય તરીકે ઊપસી આવ્યું. 34 એકરમાં ફેલાયેલ આ ઇમારતમાં 3,43,740 ચોમી. જગ્યા વાપરવા માટે ઉપલબ્ધ છે. 10 પૈડાંના આરા જેવી પાંચ સમકેન્દ્રી ઇમારતો પરસાળોથી જોડાયેલી છે.
આ ઇમારતમાં અગ્નિશામક સેવા, પોલીસ દળ, બક, દવાખાનું, રેડિયો, ટી.વી. સ્ટેશન અને જગતનું સૌથી વિશાળ ખાનગી ટેલિફોન એક્સ્ચેન્જ છે. ઉપરાંત અહીંયાં સ્વતંત્ર ટપાલસેવા અને હેલિકૉપ્ટરમથક આવેલાં છે. ઇમારતની બહારની દીવાલ પર ઇન્ડિયાના ચૂનાના પથ્થરો જડવામાં આવ્યા છે. તેનો પરિઘ 1.6 કિમી. જેટલો છે. ઇમારતની આસપાસ 80 હેક્ટરમાં લૉન અને પાકા માર્ગો આવેલ છે. 10,000 વાહનોને સમાવી શકે એટલો પાર્કિંગ વિસ્તાર 27 હેક્ટરમાં પથરાયેલ છે. અહીંયાં 23,000 કર્મચારીઓ કામ કરે છે, જેમાંના અર્ધા ઉપરાંતના મુલકી કર્મચારીઓ છે. તેમાં આવેલાં હોટેલ અને કૅફેટેરિયામાં રોજના 15,000 માણસો ભોજન લેતા હોય છે.
નવનીત દવે