પેનેક્સ : દ્વિદળી વર્ગના ઍરાલિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે અને તેનું વિસ્તરણ પૂર્વ એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં અને ઉત્તર અમેરિકામાં થયેલું છે.
Panax lancastrii નામની શોભન-જાતિ 20.00 સેમી. જેટલી ઊંચી હોય છે અને તેનાં પર્ણો લગભગ ગોળ અને લીલા રંગના આછા પીળા-સફેદ ધાબાવાળાં અને આકર્ષક હોય છે. તેનાં પર્ણો ઍરાલિયા સાથે ઘણું સામ્ય ધરાવે છે.
તેની અન્ય શોભન-જાતિઓ P. fruiticosum, P. mastersianum, P. vicioriae, P. monstrosa, P. rotundus અને P. filicifolium છે.
બધી જાતિઓ છાયામાં થનારી અને કૂંડામાં ઉછેરવા માટે આદર્શરૂપ છે. તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા કે બીજ દ્વારા થાય છે.
schinseng Nees syn. P. ginseng mey. (એશિયાઈ કે ચાઇનીઝ જિન્સેંગ) ઉત્તર એશિયાનાં જંગલોમાં થાય છે અને ઉત્તર ચીન, કોરિયા અને જાપાનમાં વવાય છે. P. quinquefolium Linn. (અમેરિકન જિન્સેંગ) પૂર્વ અમેરિકામાં અને કૅનેડામાં થતી જાતિ છે. આ બંને જાતિઓનાં મૂળ ઔષધનો સ્રોત ગણાય છે.
જિન્સેંગનાં મૂળ લગભગ ત્રાકાકાર, શાખિત, 12 સેમી. જેટલાં લાંબાં અને 2.5 સેમી. જાડાં, પીળાશ પડતાં સફેદ(અમેરિકન અને ચાઇનીઝ)થી પીળાં-બદામી (કોરિયન) હોય છે.
તે સૅપોનિન (0.75 %થી 1.0 %) ઉપરાંત પૅનેક્વિલોન, પૅનેક્સોસાઇડ-એ (C35H58O12) અને પૅનેક્સોસાઇડ-બી (C35 H60 O12) નામના ગ્લુકોસાઇડ ધરાવે છે. તેમાં પૅનેસેન નામનું બાષ્પશીલ તેલ, B સિટોસ્ટેરોલ ગ્લુકોસાઇડ અને ડોકોસ્ટેરિનની પણ હાજરી હોય છે.
તે ઉત્તેજક, સુરભિત, કડવું, ક્ષુધાવર્ધક (stomachic), શામક (demulcent), રૂપાંતરક (alterative), વાતહર (carminative), પોષક, કફઘ્ન અને જ્વરઘ્ન હોય છે. તેનો ચર્વણ(masticatory)માં ઉપયોગ થાય છે. તેની બૃહદ્ મસ્તિષ્ક પર પ્રશામક અસર હોય છે. જિન્સેંગની ચયાપચય પર ઊંડી અસર હોય છે. તે એથિરોકાઠિન્ય (atherosclerosis) અટકાવે છે. તે અતિરક્તદાબ (hypertension)માં ઘટાડો અને અલ્પરક્તદાબ (hypotension)માં વધારો કરી સામાન્ય રક્તદાબ ઉત્પન્ન કરે છે.
મ. ઝ. શાહ