પેડિમેન્ટ (pediment) (1) : શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશમાં ઘસારો પામતી જતી તળખડકસપાટીથી બનેલું તદ્દન આછા ઢોળાવવાળું મેદાન. તે ક્યારેક નદીજન્ય કાંપ કે ગ્રૅવલના પાતળા પડથી આચ્છાદિત થયેલું કે ન પણ થયેલું હોય. આવા વિસ્તારો પર્વતની તળેટીઓ અને નજીકની ખીણ(કે થાળાં)ની વચ્ચેના ભાગમાં ઘસારાજન્ય પરિબળોથી તૈયાર થતા જોવા મળે છે અને સાંકડા, વિસ્તૃત પટ્ટાઓથી બનેલી ખડકસપાટી રચે છે, જેમના તદ્દન આછા ઢાળને કારણે ઘસાતી જતી અને પીછેહઠ કરતી જતી પર્વતતળેટીની કિનારીઓ પરથી ખીણ સુધી શિલાચૂર્ણનો જથ્થો સ્થાનાંતરિત થતો રહે છે.
સામસામેની બે પર્વતમાળાઓની વચ્ચેના ખીણભાગથી પર્વતતળેટીઓ તરફનો સાંકડો, આછા ઢોળાવવાળો ભાગ પેડિમેન્ટ ઘાટ (pediment pass) તરીકે પણ ઓળખાય છે.
મહાકોતરના મુખભાગ પર મુખ્ય નદીથી થતા પાર્શ્ર્વ ઘસારાને કારણે જમા થતા જતા નિક્ષેપથી રચાતો સપાટ વિસ્તાર; અને તે નદીને હેઠવાસમાં મળતી કોઈ શાખા નદીના સંગમથી ઉપર તરફ જામતા જતા જથ્થાને કારણે શાખા નદી ખસતી જાય તો વચ્ચેના ભાગમાં જે કાંપમય પંખાકાર વિભાગ રચાય તેને પણ પેડિમેન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા