પૅસોઆ ફર્નાન્દો

January, 1999

પૅસોઆ, ફર્નાન્દો (. 13 જૂન, 1888, લિસ્બન, પોર્ટુગલ; . 30 નવેમ્બર 1935, લિસ્બન, પોર્ટુગલ) : પૉર્ટુગીઝ કવિ. તેમના આધુનિકતાવાદી અભિગમના કારણે પોર્ટુગીઝ સાહિત્યને યુરોપમાં મહત્ત્વ મળ્યું.

સાત વર્ષની ઉંમરથી તેઓ ડરબન(દક્ષિણ આફ્રિકા)માં રહેલા. ત્યાં તેમના સાવકા પિતા પોર્ટુગીઝ એલચી હતા. તે ખૂબ સારું અંગ્રેજી જાણતા હતા. તેમણે શરૂઆતનાં કાવ્યો અંગ્રેજીમાં રચેલાં. 1905માં તેઓ લિસ્બન પાછા ફર્યા અને ત્યાં જ સ્થાયી થયા. તેઓ અનુવાદકનું કામ પણ કરતા હતા.

આધુનિકતાવાદીઓની ચળવળના મુખપત્ર ‘ઓરફ્યૂ’(1915)માં પ્રગટ થતા તેમના લેખો દ્વારા તેઓ આધુનિકતાવાદના પ્રવર્તક બની રહ્યા. 1918માં તેમણે અંગ્રેજી કાવ્યસંગ્રહો પ્રકાશિત કરવાનું શરૂ કરેલું; પણ પૉર્ટુગીઝમાં તેમનું પહેલું પુસ્તક ‘મેન્સાગેમ’ છેક 1934માં પ્રગટ થયેલું. પરંતુ તે પ્રત્યે બધાનું ખૂબ ઓછું ધ્યાન ખેંચાયું હતું. તેમનાં કાવ્યો તેમના મરણ પછી જાણીતાં થયાં અને તેમને કીર્તિ મળી. અદ્ભુત સ્વપ્નસૃષ્ટિ ખડી કરનારી તેમની મૌલિક કવિતા લોકોના મનમાં વસી ગઈ. તેમની કૃતિઓ અને શૈલી અન્ય કલ્પનશીલ કવિઓની કાવ્યકૃતિઓથી જુદી પડતી હતી. પોતાની જ ભીતર રહેલાં વ્યક્તિત્વનાં ભિન્ન ભિન્ન રૂપોને એમણે અભિવ્યક્ત કર્યાં છે. તેમનાં ખૂબ મહત્ત્વનાં પુસ્તકોમાં ‘પોએસિઆસ દ ફર્નાન્દો પેસોઆ’ (1942), ‘પોએસિઆસ દ અલ્વરો દ કૅમ્પોસ’ (1944), ‘પોએમાસ દ આલ્બેર્ટા કેઇરો’ (1946) અને ‘ઓદેસ દ રિકાર્દો રેઇસ’(1946)નો સમાવેશ થાય છે. તેમની ઘણીબધી રચનાઓ ફ્રેન્ચ ભાષામાં અનૂદિત થઈ છે. અંગ્રેજીમાં પણ તેમની કાવ્યકૃતિઓના અનુવાદ થયા છે; તેમાં જૉનાથન ગ્રિફિન દ્વારા તૈયાર થયેલ ‘સિલેક્ટેડ પોએમ્સ’(1974)નો તથા પી. રિચાર્ડ દ્વારા 1932માં તૈયાર થયેલ ગ્રંથો(1932)નો સમાવેશ થાય છે.

યોગેશ જોશી