પૅસેજ ટુ ઇન્ડિયા, એ (1924) : ઈ. એમ. ફૉર્સ્ટરની સર્વોત્તમ કૃતિ. તેના પ્રકાશનની સાથે જ ફૉર્સ્ટરની સાહિત્યિક પ્રતિભા અને તેમના ઉદારમતવાદી દૃષ્ટિબિંદુને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. જાતિગત વિરોધાભાસો અને તેના પ્રત્યાઘાતોની આમાં અસરકારક રજૂઆત થઈ છે. આ કૃતિમાં સામાજિક વાસ્તવવાદ પણ જોવા મળે છે.
આ નવલકથાની શરૂઆત ચંદ્રાપુર નામના એક નગરમાં થાય છે. આ શહેરની સરકારી ઇસ્પિતાલમાં અઝીઝ એક ડૉક્ટર તરીકે કામ કરે છે. ત્યાંની મસ્જિદમાં અઝીઝ તે શહેરના સિટી મૅજિસ્ટ્રેટ રૉનીની માતા મિસિસ મૂરને મળે છે. તેમની સાથે ઍડિલા લગ્ન અંગેની શક્યતા વિચારવા માટે ભારત આવી છે. બંને સ્ત્રીઓને વાસ્તવિક ભારત જોવાની ઇચ્છા છે. સ્થાનિક સરકારી કૉલેજના અંગ્રેજ આચાર્ય ફીલ્ડિંગ ભારતીયો માટે ઊંડી લાગણી ધરાવે છે. તે આ બંને સન્નારીઓને ડૉ. અઝીઝ અને પ્રો. ગોડબોલેનો પરિચય કરાવે છે. અઝીઝ બંનેને વાસ્તવિક ભારતના પરિચય માટે મરબારની ગુફાઓ જોવા નિમંત્રે છે.
નવલકથાના બીજા ભાગમાં મરબાર-ગુફાઓનું વર્ણન છે. મિસિસ મૂર પ્રથમ ગુફામાં પ્રવેશે છે, ત્યાં જ તેના ચિત્ત ઉપર તેની ઘેરી અસર થાય છે ને તે બેહોશીમાં ઢળી પડે છે. તેની જિજીવિષા નષ્ટ થાય છે. અંગત સંબંધો માટેનો તેનો રાગ અને તેની ધાર્મિક માન્યતાઓ સુધ્ધાં મરી પરવારે છે. ત્યાંથી જ તે પાછી ફરે છે ને તત્ક્ષણ ભારત છોડી ઇંગ્લૅન્ડ પાછાં જવાનો નિર્ણય કરે છે.
ઍડિલા અને અઝીઝ પણ વિખૂટાં પડી જાય છે. ઍડિલાને પ્રતીતિ થાય છે કે તે રૉનીને પ્રેમ કરતી નથી. અઝીઝ ઍડિલાને શોધ્યા કરે છે, ત્યારે ફીલ્ડિંગ જણાવે છે કે તેણે ઍડિલાને ચંદ્રાપુર પાછી ફરતી જોઈ છે. ચંદ્રાપુર પાછાં ફરતાં, ઍડિલાની છેડતી કરવાના આરોપસર સ્ટેશન પરથી અઝીઝની ધરપકડ થાય છે ને તેને જેલમાં પૂરવામાં આવે છે. એક ભારતીય ડૉક્ટરની અંગ્રેજ સરકાર દ્વારા થયેલી આ ધરપકડને કારણે ચંદ્રાપુરનું વાતાવરણ તનાવયુક્ત બને છે; પરંતુ સુનાવણી વખતે ઍડિલાને પૂછવામાં આવ્યું કે અઝીઝે ગુફામાં તેનો પીછો કર્યો હતો કે નહિ, ત્યારે ઍડિલાએ કહ્યું કે તેને અઝીઝ અંગે કશી જ ખબર ન હતી. ઍડિલાની આ જુબાનીને કારણે અઝીઝ ગુનેગાર સાબિત ન થતાં ન્યાયમૂર્તિ મુકદ્દમાને સમેટી લે છે. ઍડિલા ચંદ્રાપુર છોડી જાય છે.
અઝીઝને અંગ્રેજ શાસન સામે ઘૃણા થઈ જાય છે ને તે બ્રિટિશ ઇસ્પિતાલની પોતાની નોકરી છોડી દઈ મધ્યપ્રદેશમાં એક નાનકડા રાજ મહુના મહારાજાના અંગત તબીબની નોકરી સ્વીકારે છે. ગોડબોલે આ જ રાજ્યના શિક્ષણમંત્રી તરીકે અને ફીલ્ડિંગ શાળાઓના નિરીક્ષક તરીકે નોકરી સ્વીકારે છે. ફીલ્ડિંગનાં લગ્ન મિસિસ મૂરની દીકરી સ્ટેલા સાથે થયેલાં છે. ફીલ્ડિંગ ને સ્ટેલા એક હોડીમાં અને અઝીઝ ને મિસિસ મૂરનો પુત્ર રાલ્ફ બીજી હોડીમાં નૌકાવિહાર કરવા નીકળે છે. અચાનક બંને હોડીઓ ટકરાય છે ને ચારેય પાણીમાં તણાવા લાગે છે, પરંતુ પરસ્પરના સહારે બચી જાય છે. ત્યારે તેમને માનવ-માનવ વચ્ચેની સમાનતા, એકતા અને સંવાદિતા સમજાય છે. છેલ્લે ફીલ્ડિંગ અને અઝીઝ જંગલોમાં ઘોડેસવારી કરવા નીકળે છે. ત્યાં ફીલ્ડિંગ અઝીઝને અંગત મિત્ર બનવા કહે છે; ત્યારે અઝીઝ કહે છે કે ‘‘જ્યાં સુધી ભારત આઝાદ ન થાય અને જ્યાં સુધી બધા જ અંગ્રેજો શાસક તરીકે હંમેશ માટે ભારતમાંથી વિદાય ન લે ત્યાં સુધી આપણા બે વચ્ચે સાચી મૈત્રી સંભવી ન શકે. સમાનતાના આધાર ઉપર જ બે વ્યક્તિઓ મિત્રો બની શકે.’’
આ નવલમાં બ્રિટિશ રાજ્ય દરમિયાનના ભારતીય સમાજનું પશ્ર્ચિમ અને પૂર્વ વચ્ચેના સંઘર્ષનું અસરકારક ચિત્રણ હોવા ઉપરાંત માનવીના સદભાવને નષ્ટ કરતાં પૂર્વગ્રહો તથા ગેરસમજનું નાટ્યાત્મક આલેખન છે. પ્રારંભમાં આ કૃતિ તેમાંના બ્રિટિશવિરોધી વલણ માટે વિવાદાસ્પદ બની હતી; પરંતુ એક જાતિના લેખકે બીજી જાતિના લોકોના કરેલા ઉત્તમ પાત્રચિત્રણ માટે પાછળથી તેની ભારોભાર પ્રશંસા થઈ હતી.
આરમાઈતી દાવર