પૅસીફ્લોરેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે આશરે 12 પ્રજાતિ અને 600 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. Passiflora (Tacsonia સહિત) પ્રજાતિ લગભગ 400 જાતિઓ ધરાવે છે.
ક્ષુપ અથવા શાકીય, ઘણી વાર કક્ષીય સૂત્રો સાથે કાષ્ઠલતા (liana) સ્વરૂપે; પર્ણો સાદાં કે સંયુક્ત, એકાંતરિક, ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ એકાકી અથવા દ્વિશાખિત (dichasium) કે એકશાખિત (monochasium) પરિમિત; પુષ્પ ત્રિજ્યાસમમિત, દ્વિલિંગી (ભાગ્યે જ એકલિંગી અને એકગૃહી અથવા Adeniaમાં દ્વિગૃહી), અધોજાયી, નિપત્રી; વજ્રપત્રો ૩થી 5, મુક્ત અથવા નીચેના ભાગેથી જોડાયેલાં, ઘણી વાર દલાભ (petaloid) અથવા જાડાં, કોરછાદી (imbricate), દીર્ઘસ્થાયી (persistent); દલપત્રો ૩થી 5 અથવા 0, મુક્ત અથવા તલ ભાગેથી થોડુંક જોડાયેલાં, વજ્રપત્રો કરતાં ઘણુંખરું નાનાં, કોરછાદી; પુષ્પમુકુટ જાડો, સામાન્યત: અંતર્ગોળ કે પ્યાલાકાર, દલપુંજ અને પુંકેસરચક્રની વચ્ચે આવેલો; 1 અથવા 2 ચક્રમાં આવેલી વંધ્ય, રંગીન તંતુમય રચનાઓ પુષ્પમુકુટના એક ભાગ તરીકે હોય છે; પુંકેસરો ૩થી 5 કે વધારે, સામાન્યત: દલપત્ર સમ્મુખ, પુષ્પમુકુટના તલસ્થ ભાગેથી કે પુષ્પાસનની ધાર પરથી અથવા જાયાંગધર(gynophore)ની નીચેથી ઉદભવે [અને પુંજાયાંગધર (gyandrophore) બનાવે]; મુક્ત અથવા તલસ્થ ભાગેથી જોડાયેલાં, પરાગાશયો દ્વિખંડી, લંબવર્તી સ્ફોટન; કેટલીક પ્રજાતિઓમાં વંધ્ય પુંકેસરો; દલપુંજ અને પુંકેસરચક્ર વચ્ચે લંબાયેલી પુષ્પાસનની આંતરગાંઠને પુંધર (androphore) કહે છે; સ્ત્રીકેસરો ૩થી 5, યુક્ત, બીજાશય ઊર્ધ્વસ્થ, જાયાંગધર કે પુંજાયાંગધર પર ગોઠવાયેલું; એકકોટરીય, ભિત્તિસ્થ (parietal) જરાયુવિન્યાસ; પ્રત્યેક જરાયુ પર અસંખ્ય અંડકો, અધોમુખી (anatropous), સ્ત્રીકેસરોની સંખ્યા જેટલી પરાગવાહિનીઓ, મુક્ત અથવા બધી જોડાયેલી, પરાગાસનો ૩થી 5, ઘણી વાર સમુંડ (capitate) અથવા બિંબાકાર (discoid); ફળ અનષ્ઠિલ અથવા વિવરીય (loculicidal) પ્રાવર, ભાગ્યે જ અસ્ફોટનશીલ; બીજ સીધો ભ્રૂણ અને દળદાર ભ્રૂણપોષ ધરાવે, માંસલ બહિરુદભેદવાળાં.
તેની મુખ્ય પ્રજાતિઓ Passiflora, Adenia, Tridostena અને Daldemia.
Passiflora edulis, P. laurifolia, P. quadrangularis, P. ligularis અને બીજી જાતિઓ ગ્રેનેડીલાની જાતિઓ કહેવાય છે. તેમનાં ફળ ખાદ્ય હોય છે. તેની 20થી વધારે જાતિઓ શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે.
દીનાઝ પરબિયા
મીનુ પરબિયા