પૅરેટો–શરતો : ઇટાલીના અર્થશાસ્ત્રી પૅરેટો(1848-1923)એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર માટે રજૂ કરેલી શરતો, જેનું પાલન થાય તો સમાજમાં સંતોષની સપાટી મહત્તમ કક્ષાએ પહોંચે. એ એક એવી સ્થિતિ છે જેમાં એક વ્યક્તિને મળતા સંતોષમાં ઘટાડો કર્યા વિના બીજી વ્યક્તિને મળતા સંતોષમાં વધારો ન થઈ શકે. તેને પૅરેટો-ઇષ્ટતા પણ કહેવામાં આવે છે. આ માટે પૅરેટોએ ત્રણ શરતો દર્શાવી હતી : (1) ઉત્પાદનનાં સાધનોની સીમાવર્તી ઉત્પાદકતા બધા ઉદ્યોગોમાં સરખી હોવી જોઈએ, (2) વપરાશના ક્ષેત્રે બે વ્યક્તિઓનો કોઈ પણ બે વસ્તુઓ વચ્ચેનો અવેજીનો દર સરખો હોવો જોઈએ અને (3) ઉત્પાદનના ક્ષેત્રે બે વસ્તુઓ વચ્ચેનો રૂપાંતર-દર અને વપરાશના ક્ષેત્રે અવેજીનો દર સરખા હોવા જોઈએ.
અર્થતંત્રમાં જો પૂર્ણ સ્પર્ધા અને પૂર્ણ રોજગારી પ્રવર્તતાં હોય તો પૅરેટો-શરતો સંતોષાય છે. સમાજમાં થતી આવક અને સંપત્તિની વહેંચણી પ્રત્યે દુર્લક્ષ કરીએ તો એમ કહી શકાય કે પૅરેટો-શરતો અર્થતંત્રની કાર્યક્ષમ કામગીરી દર્શાવે છે; પરંતુ પૅરેટો-શરતોની એ એક મોટી મર્યાદા છે : તેમાં આવક અને સંપત્તિની પ્રવર્તમાન વહેંચણીને સ્વીકારી લેવામાં આવી છે. અર્થાત્, આવકસંપત્તિની તીવ્ર અસમાનતા ધરાવતા સમાજમાં પૅરેટો-શરતો સંતોષાતી હોય તો તેને એક ઇષ્ટ પરિસ્થિતિ તરીકે સ્વીકારી લેવી પડે.
રમેશ ભા. શાહ