પૅરેટો, વિલફ્રેડો ફ્રેડરિકો દમાસો (જ. 15 જુલાઈ 1848, પૅરિસ; અ. 19 ઑગસ્ટ 1923, Celigny, સ્વિટ્ઝર્લૅન્ડ) : તુષ્ટિગુણ-વિશ્લેષણમાં ગણિતીય પદ્ધતિઓનો વિનિયોગ કરનાર ઇટાલિયન અર્થશાસ્ત્રી. તેમણે ઇજનેર તરીકે તાલીમ લીધેલી અને તે ક્ષેત્રમાં વીસ વર્ષ કામગીરી બજાવેલી (1872-92). ઇટાલીની રેલવેમાં તેઓ તેમના પિતાના સ્થાન પર અને એ પછી 1874માં ખાણોના અધીક્ષક તરીકે નિમાયેલા. સ્વિટ્ઝર્લૅન્ડની લૌસાં (Lausanne) યુનિવર્સિટીમાં 1892માં તેઓ અર્થશાસ્ત્રી લિયોન વોલરા(1834-1910)ની જગા પર કાયદાની વિદ્યાશાખામાં ‘રાજકીય અર્થશાસ્ત્ર’ના પ્રાધ્યાપક તરીકે નિમાયા હતા, જે પદ પર તેમણે 1907 સુધી કામ કર્યું હતું.
તેમણે અર્થશાસ્ત્રમાં ગણિત અને આંકડાશાસ્ત્રનો વિનિયોગ કર્યો. એ પદ્ધતિ દ્વારા તેમણે વોલરાની સર્વસામાન્ય સમુતલાની પ્રથાને વિસ્તારી હતી, જેમાંથી અલગ તરી આવતી લૌસાં-વિચારધારા (Lausanne-school) પ્રસ્થાપિત થઈ. તેમણે તમામ આર્થિક પરિમાણો વચ્ચેના પરસ્પરાવલંબન પર આધારિત સર્વસામાન્ય સમતુલાની પ્રથા માટેની ગાણિતિક શરતો નક્કી કરી આપી હતી. તમામ નૈતિક મુદ્દાઓને બાજુ પર રાખીને તેમણે અર્થશાસ્ત્રની વાસ્તવદર્શિતા પર ભાર મૂક્યો હતો. આદર્શલક્ષી ભૂમિકા પર તેમણે સમાજવાદનો અસ્વીકાર કર્યો હતો.
માપી શકાય એવા તુદૃષ્ટિગુણના ખ્યાલ પર આધારિત મૂલ્યના સિદ્ધાંતની તેમણે મર્યાદાઓ દર્શાવી હતી. તેઓ ક્રમદર્શી તુદૃષ્ટિગુણના ખ્યાલનો ઉપયોગ કરીને વસ્તુઓના મૂલ્યની સમજૂતી આપવાના હિમાયતી હતા. વ્યક્તિઓ વચ્ચે થતા વિનિયમ માટેની ઇષ્ટ શરતો તટસ્થ રેખાઓની મદદથી તેમણે રજૂ કરી હતી. જેને પૅરેટો-ઇષ્ટતા તરીકે ઓળખવામાં આવે છે તે કલ્યાણ(સંતોષ, welfare)ની મહત્તમ સપાટી દર્શાવે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે : એ એવી સ્થિતિ છે જેમાં અન્ય કોઈ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા વિના, ઉત્પાદન કે વહેંચણીમાં ફેરફાર કરીને કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં વધારો કરી શકાય નહિ.
પૅરેટોના આ વિશ્લેષણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રને પાયો પૂરો પાડ્યો. કાલ્ડોર અને હિક્સે જે વળતર-કસોટીઓ તૈયાર કરેલી તેના મૂળમાં પણ પૅરેટોનું વિશ્લેષણ રહેલું છે.
પૅરેટોનો પ્રભાવ સમાજશાસ્ત્ર ઉપર પણ પડ્યો છે. વ્યક્તિઓ કાર્ય કરે છે તેની પાછળ ઇચ્છાઓ અને ભ્રમણાઓ રહેલી હોય છે. લોકો તાર્કિક વિચારણાના આધારે ચાલતા નથી એવો મત પૅરેટોએ રજૂ કર્યો હતો; પરંતુ તેની સાથે તેમણે એવી વાત પણ કરી છે કે એક મોટા સમૂહનું વર્તન, તેમાં સામેલ થનારાઓની સંખ્યા જેમ મોટી હોય તેમ વધારે તાર્કિક બને છે, કારણ કે ઇચ્છાઓ અને ભ્રમણાઓ એકમેકને નાબૂદ કરતી જાય છે. એ પછી તર્કસંગતતા કાર્યપ્રેરક પરિબળ બની રહે છે. ભૌતિકશાસ્ત્રમાં જેમ સામસામે કાર્ય કરતાં પરિબળો વચ્ચે સમતુલાની સ્થિતિ જોવા મળે છે, તેમ સમાજ પણ સમતુલામાં રહેલી એક પ્રથા છે એમ પૅરેટો માનતા હતા. તેથી એ સમતુલા કેમ ટકી રહે છે તેની સમજૂતી ગણિતનો ઉપયોગ કરીને આપી શકાય અને એ માર્ગે સમાજનું એક વિજ્ઞાન રચી શકાય. સમાજશાસ્ત્રમાં જે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ આજે જોવા મળે છે તેમાં પૅરેટોનો પ્રભાવ છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘કોર્સ ઇકૉનૉમિક પૉલિટિક’ (1896-97), ‘મૅન્યુઅલ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (1906) તથા ‘ટ્રેઇટ દ સોશિયૉલૉજી જનરલ’(1917-19)નો સમાવેશ થાય છે.
રમેશ ભા. શાહ