પૅન્ઝી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના વાયોલેસી કુળની એક પ્રજાતિ. એને હાર્ટ ઇઝ પણ કહે છે. આમ તો આ છોડ બહુવાર્ષિક છે; પરંતુ એને મુખ્યત્વે મોસમી (વાર્ષિક) છોડ તરીકે ઉછેરવામાં આવે છે. એની ઊંચાઈ 20-25 સેમી. થાય છે અને છોડ જમીન ઉપર ફેલાય છે. શિયાળુ મોસમમાં તે થાય છે. એનાં ફૂલ ખૂબ જ આકર્ષક લાગે છે. પતંગિયા જેવાં, વાંદરાના મોં જેવાં, રંગબેરંગી, ઘાટા રંગોથી આકર્ષક, જાતજાત અને ભાતભાતની રંગોની મેળવણીવાળાં એનાં ફૂલો મેળવવાં એ એક લહાવો છે. ફૂલ 4-5 સેમી.થી 8-10 સેમી. સાઇઝમાં થાય છે.
હમણાં હમણાંની ઘણી નવી જાતો બજારમાં જુદાં જુદાં નામથી આવતી થઈ છે. એક વખત ઉગાડેલા છોડનાં બીજ ગુજરાતમાં ઊતરતી કક્ષાનાં થઈ જાય છે. એટલે સારા પરિણામ માટે એનાં બીજ ઠંડા પ્રદેશોમાંથી નવેસર મંગાવવાં ઇષ્ટ હોય છે. એના છોડની ટોચો શરૂઆતમાં તોડી નાખવાથી છોડ સારો ભરાવદાર થાય છે. બગીચામાં ફૂલની ક્યારીઓમાં તેમજ કૂંડામાંના છોડ તરીકે તે રોપવામાં આવે છે.
આના ઉછેરમાં વિશેષ કાળજીની જરૂર હોતી નથી, છતાં બીજમાંથી ધરુ તૈયાર થાય ત્યાં સુધી વધારે ધ્યાન આપવું પડે છે. કેટલાંક બીજ બીજાં બીજ કરતાં મોડેથી ઊગે છે. આના છોડ તડકામાં જ સારા પ્રમાણમાં ફૂલ આપે છે; છતાં ક્યારેક બપોરના આકરા તડકામાં તે કરમાય છે. કેટલીક જાતોને સુગંધવાળાં પણ નાનાં અને ઝૂમખાંમાં ફૂલ આવે છે.
પૅન્ઝીનાં ફૂલ કટ-ફ્લાવર્સ તરીકે, બટન-હોલમાં તેમજ કલગી-ગુચ્છમાં એમ વિવિધ રીતે વપરાય છે.
છોડનાં શરૂઆતનાં ફૂલ તોડતાં રહેવાથી પાછળથી છોડ સારો વધે છે અને ફૂલ મોટાં તેમજ વધારે આવે છે. એક ડાળી ઉપર એકબે ફૂલ રહેવા દેવાથી તે ફૂલ મોટાં થાય છે. બીજ બાઝતાં પહેલાં ફૂલ તોડતા રહેવાથી ફૂલ આવવાનો સમય લાંબો થાય છે.
ખાસ આકર્ષક જાતોની ક્યારેક કટિંગથી વંશવૃદ્ધિ કરવામાં આવે છે.
મ. ઝ. શાહ