પૂર્વ યુરોપીય ચલચિત્ર

January, 2025

પૂર્વ યુરોપીય ચલચિત્ર : પૂર્વ યુરોપના દેશોમાં વિકસેલી ચલચિત્રની પ્રવૃત્તિ. ચલચિત્રક્ષેત્રે અગ્રણી યુરોપના મોટાભાગના દેશો બીજા ઘણા દેશોની જેમ વીસમી સદીના પ્રારંભથી જ ચલચિત્રોનું નિર્માણ કરવા માંડ્યા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ યુરોપના દેશોમાં રાજકીય સ્થિતિ એકદમ પલટાઈ અને આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવૅકિયા (હાલના ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયા), પૂર્વ જર્મની, હંગેરી, પોલૅન્ડ, રોમાનિયા, યુગોસ્લાવિયા વિભાજન થયા બાદ હાલના દેશો – બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના, ક્રોએશિયા, મેસેડોનિયા, મોન્તેનિગ્રો, સર્બિયા (કોસોવો અને વોજવોદીના સહિત) તથા સ્લોવેનિયા વગેરે દેશોના સામ્યવાદી શાસન હેઠળ આવી ગયા. રશિયાની સમાજવાદ-વાસ્તવવાદની નીતિ આ દેશો પર લદાઈ. તેની સીધી અસર આ દેશોના ચલચિત્રો પર પણ થઈ. આ દેશોમાં શાસને નવા સમાજની રચના અને સામ્યવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે ચલચિત્રના માધ્યમનો ભરપૂર ઉપયોગ કર્યો. આ માધ્યમની શક્તિઓ પિછાણીને તેના પર અનેક મર્યાદાઓ અને પ્રતિબંધો પણ લાદ્યાં. જોકે આ બધા અવરોધો વચ્ચે પણ સર્જકોએ પોતપોતાની આગવી શૈલીથી ચિત્રોનું નિર્માણ કર્યું. આમાંનાં ઘણાં ચિત્રો દુનિયાભરમાં વખણાયાં. પોલૅન્ડ, હંગેરી, હાલના ચૅક રિપબ્લિક અને સ્લોવૅકિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયામાંથી મૌલિક કથાવસ્તુવાળાં ચલચિત્રો નવાઈ લાગે એટલી મોટી સંખ્યામાં બન્યાં.

વર્ષો વીતવા સાથે, પૂર્વ યુરોપીય દેશોમાં ખાસ કરીને જે મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ બનતી રહી તેને કારણે આ દેશોનાં ચલચિત્રો પર તેની અસર થતી રહી. સામ્યવાદી આધિપત્ય હેઠળ આવ્યા પછી આ દેશોનાં ચલચિત્રોનું રાષ્ટ્રીયકરણ કરાયું. તેનો એક ફાયદો એ થયો કે ચલચિત્રોના નિર્માણ આડેનો આર્થિક અવરોધ હળવો થયો પણ મોટો ગેરફાયદો એ થયો કે ચિત્રો પર સખત સેન્સરશિપ આવી ગઈ.

આન્દ્રે વાજદા, પોલિશ દિગ્દર્શક

સર્જકો સમકાલીન સમાજની કડવી વાસ્તવિકતાઓનું ચિત્રણ કરી શકતા નહિ. પણ લોકોને એ વિશે વિચારતા કરી શકાય તે માટે એમણે પોતાના દેશના જાણીતા સાહિત્યનો ઉપયોગ કર્યો. પોલૅન્ડ, હંગેરી, ચેકોસ્લોવૅકિયા હાલના ચૅક રિપબ્લિક અને સ્લોવૅકિયામાં અનેક ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓ પડદા પર આવી. પણ સર્જકોએ જ્યાં પણ તક મળે ત્યાં પ્રચ્છન્ન રીતે શાસનપ્રણાલી પર ચાબખા મારવા માંડ્યા. પરિણામે આવાં જે રાજકીય ચિત્રો બન્યાં તેમાં કળાનાં પાસાં પર બહુ ભાર આપવાની કડાકૂટમાં તેઓ ન પડ્યા. આ દેશોનાં રાજકીય ચિત્રોનો સ્પષ્ટ અર્થ હતો શાસનવિરોધી ચિત્રો.

1956માં પોલૅન્ડ અને હંગેરીમાં મુક્તિની એક આછી લહેરખી અનુભવાઈ. 1968માં ચેકોસ્લોવૅકિયા હાલના ચૅક રિપબ્લિક અને સ્લોવૅકિયા પર રશિયાએ આક્રમણ કરતાં ચેક અને સ્લોવાક ચિત્રોમાં જે નવો પ્રવાહ શરૂ થયો હતો તે ફરી વાર રૂંધાયો. 1970નું વર્ષ રાજકીય દૃષ્ટિએ પોલૅન્ડ માટે બહુ મહત્ત્વપૂર્ણ હતું. 1980માં ત્યાં લેચ વાલેસાના નેતૃત્વ હેઠળ ભ્રાતૃભાવ ચળવળ(solidarity movement)નો પ્રારંભ થયા પછી જે ઘટનાઓ બની તેમાં 1981માં માર્શલ-લૉ લદાયો. ચલચિત્રો પર ફરી જબરદસ્ત અંકુશ આવી ગયો. અંતે 1989માં સામ્યવાદી સરકારનું પતન થયું અને એક પછી એક દેશો સામ્યવાદી ચુંગાલમાંથી મુક્ત થતા ગયા. ખુદ સોવિયેટ સંઘનું પણ નાના – નાના દેશોમાં વિભાજન થયું. સામ્યવાદી સકંજામાંથી મુક્ત થયા બાદ પૂર્વ યુરોપીય દેશોનો એક તદ્દન નવા યુગમાં પ્રવેશ થયો. રાજકીય પ્રતિબંધો નહોતા રહ્યા, પણ આર્થિક સંકડામણે ચલચિત્રોના નિર્માણ પર અસર કરી. એકમાત્ર પોલૅન્ડને બાદ કરતાં બીજા દેશોમાં સ્થિતિ ચિંતાજનક બની ગઈ. અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ દેશોએ એકબીજા સાથે મળીને સહનિર્માણ કરવાનો વખત આવ્યો. સહનિર્માણ પહેલાં પણ થયું હતું. પણ હવે તે અનિવાર્ય બની રહ્યું છે.

પૂર્વ યુરોપીય દેશોમાં ચેકોસ્લોવૅકિયા (હાલના ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયા), હંગેરી, પોલૅન્ડ અને યુગોસ્લાવિયાએ પોતાનાં ચિત્રો દ્વારા દુનિયાનું ધ્યાન આકૃષ્ટ કર્યું હતું.  1950થી 1970 સુધી આ દેશોમાં ચલચિત્રોનો સુવર્ણયુગ હતો. વિશ્વના પ્રતિષ્ઠિત ચલચિત્ર સમારોહોમાં આ દેશોનાં ચિત્રોની પ્રતીક્ષા કરાતી હતી. આન્દ્રે વાજદા, રોમન પોલાન્સ્કી, જિરી મેન્જલ, મિક્સોલ જેમ્સો, વેરા ચિતિલોવા વગેરે સર્જકો દુનિયાભરમાં આદર પામ્યા છે.

બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના ભાગલા પડ્યા. બાદ, પૂર્વ જર્મનીમાં પ્રારંભે સાધનો અને તાલીમ પામેલા કસબીઓના અભાવે ચિત્રનિર્માણ મુશ્કેલ બન્યું હતું. શરૂઆતથી જ પૂર્વ જર્મનીનાં ચિત્રોમાં વિભાજિત દેશની સમસ્યાઓ અને સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ પડતું રહ્યું. ‘કાઉન્સિલ ઑવ્ ધ ગૉડ્સ’, ‘મૅટ્રિમની ઇન ધ શૅડોઝ’, ‘અવર ડેઇલી બ્રેડ’ અને ‘કન્ડેન્સ્ડ વિલેજ’ વગેરેમાં ફાસીવાદનો વિરોધ કરાયો. આ ગાળાનાં ઘણાં ચિત્રોમાં શ્રમજીવી વર્ગનો સંઘર્ષ નિરૂપાયો. ‘સેઇલર્સ સૉન્ગ’, ‘સ્ટ્રૉન્ગર ધેન નાઇટ’, ‘ધે કૉલ હિમ એમિગો’, ‘ધ અનકૉન્કર્ડ’ વગેરે ચિત્રો સફળ થયાં.

1959માં બલ્ગેરિયા સાથેનું સહનિર્માણ નિશ્ચિત ઢાંચામાંથી બહાર નીકળવાનો સફળ પ્રયાસ હતો. પછીનાં વર્ષોમાં કોઈ પણ પૂર્વ યુરોપીય રાષ્ટ્ર કરતાં પૂર્વ જર્મનીએ બીજા દેશો સાથે સહનિર્માણ કરી ચિત્રોનું સર્જન કર્યું. માત્ર સોવિયેટ સંઘ, પોલૅન્ડ, ચેકોસ્લોવૅકિયા (હાલના ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયા) અને બલ્ગેરિયા જ નહિ, સ્વીડન અને ફ્રાન્સ સાથે મળીને પણ ચિત્રો બનાવ્યાં. કર્ટ મેત્ઝિગ, કોન્રાડ વુલ્ફ, હેઇનર કેરો, ફ્રાન્ક બેયર, ગુન્ટર રુકર, ઇગોન ગુન્થર, હરમાન શોચે, ફ્રાન્ક વોગલ, ઉલરિચ વીસ વગેરે સર્જકોએ પૂર્વ જર્મનીનાં ચિત્રોને ખ્યાતિ અપાવી છે.

મિક્લોસ જાન્સ્કો, હંગેરિયન સર્જક

બીજા વિશ્વયુદ્ધમાં ભારે નુકસાન સહન કરનાર હંગેરીનાં ચલચિત્રો આર્થિક સંકડામણથી માંડીને રાજકીય પ્રતિબંધો વચ્ચે પણ વિશ્વનું ધ્યાન સતત ખેંચતાં રહ્યાં છે. 1948માં હંગેરિયન ચલચિત્ર-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયું હતું, પણ 1950ના દાયકાના સર્જકો ફેબરી, મેરિયાસ્સી, મેક, રેનોડી, રિવેસ્ઝ અને હર્સ્કોનાં ચિત્રોને ખ્યાતિ મળી હતી.

1957માં બેલા બાલાઝૂસ સ્ટુડિયોની સ્થાપના થયા પછી નવી પેઢીના પ્રતિભાશાળી સર્જકો બહાર આવ્યા. પછીનાં વર્ષોમાં સોવિયેટ સંઘનું દબાણ ઓછું થતાં સર્જકોએ તાજા ઇતિહાસમાંથી કથાવસ્તુ પસંદ કર્યું; મિક્લોસ જાન્સ્કો, હેર્સ્કો, ઇસ્તવાન ગાલ, એન્દ્રાસ કોવાક્સ વગેરે સર્જકોએ નોંધપાત્ર કામ કર્યું.

‘એ ગ્લાસ ઑવ્ બિયર’, ‘સન્ડે રોમાન્સ’, ‘ધ ગર્લ’, ‘નાઇન મન્થ્સ’, ‘જસ્ટ લાઇક ઍટ હોમ’, ‘માય ફાધર્સ હૅપી ઇયર્સ’, ‘બનાના સ્કિન વૉલ્ટ્ઝ’, ‘સીઝન્સ ઑવ્ મોન્સ્ટર’, ‘ડાયરી ઑવ માય લવ્ઝ’, ‘વાય વૉઝન્ટ હી ધેર’ વગેરે હંગેરિયન ચિત્રો નોંધપાત્ર આકર્ષણ જમાવી રહ્યાં હતાં.

પૂર્વ યુરોપીય દેશોમાં પોલૅન્ડનાં ચિત્રો ગુણવત્તાની દૃષ્ટિએ સૌથી વધુ જાણીતાં છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ઓછામાં ઓછું એક પોલિશ ચિત્ર તો એવું હોય જ કે જે વિશ્વનાં શ્રેષ્ઠ દસ ચલચિત્રોમાં સ્થાન ધરાવતું હોય. પ્રથમ વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં કેટલાક પ્રતિભાશાળી યુવાન સર્જકો જેકુબોવ્સ્કા, સિકાલ્સ્કી, સ્તાનિસ્લાવ વોહ્લ વગેરેએ ‘આવાં ગાર્દે’ ફિલ્મ સોસાયટી ‘સ્ટાર્ટ’ની સ્થાપના કરી હતી. પોલિશ ચિત્રોના વિકાસમાં આ સંસ્થાએ બહુ મોટો ફાળો આપ્યો છે. 1945માં સરકાર-સંચાલિત ‘ફિલ્મ પોલ્સ્કી’એ પણ ઉલ્લેખનીય કામ કર્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ પછી 1950ના દાયકા સુધી ચિત્રનિર્માણ મંદ રહ્યું; પણ એ પછી કાવાલેરોવિક્ઝ અને આન્દ્રે વાજવા તથા એ પછી આન્દ્રે મન્ક વગેરે સર્જકોના આગમન પછી ચિત્ર-ઉદ્યોગને નવું જોમ મળ્યું. આ ઉપરાંત હેઝ, કુત્ઝ, રોઝેવિક્ઝ, લેસીવિક્ઝ, પેસેન્ડોર્ફર, શ્મીલૉવ્સ્કી અને પેટેલ્સ્કીસ દંપતીએ પોલિશ ચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. આ સર્જકોએ પ્રારંભે યુદ્ધ અને યુદ્ધ પછીના સમયગાળાને ચિત્રોના વિષય બનાવ્યાં પણ પછી તેમણે સમકાલીન વિષયો પસંદ કર્યા. 1960ના દસકાના પ્રારંભે બે પ્રતિભાશાળી સર્જકો સ્ક્લોલિમૉવ્સ્કી અને રોમન પોલાન્સ્કીનો ઉદય થયો. આ બંને સર્જકોએ પોલૅન્ડની બહાર જઈને કામ કરવાનું પસંદ કર્યું હતું. નોંધપાત્ર પોલિશ ચિત્રોમાં ‘ઇવ વૉન્ટ્સ ટુ સ્લીપ’, ‘સેમસન’, ‘નાઇફ ઇન ધ વૉટર’, ‘વૉક ઓવર’, ‘ધ સરગોસા મૅન્યુસ્ક્રિપ્ટ’, ‘એવરીથિંગ ફૉર સેલ’, ‘ધ ડૉગ’, ‘ધ મધર ઑવ્ કિંગ્સ’, ‘ધ વેવ’, ‘300 માઇલ્સ ટુ હેવન’, ‘થ્રી કિલર્સ, ઍક્વેરિયમ, ક્રોઝ’ વગેરેનો સમાવેશ થાય છે.

તાજેતરનાં વર્ષોમાં ચેકોસ્લોવૅકિયાના વિભાજન પછી ચેક રિપબ્લિકન વર્ષોની પરંપરા જાળવી રાખીને ચેક ચિત્રઉદ્યોગ ચલચિત્રનિર્માણની દૃષ્ટિએ યુરોપના બીજા દેશોની બરાબરી કરી રહ્યો છે. તેની સરખામણીમાં સ્લોવાક ચિત્રો ઘણાં પાછળ છે. ત્યાં આર્થિક અને રાજકીય સ્થિતિ ચિત્રઉદ્યોગને રૂંધી રહી છે. જોકે કેટલાક યુવાન સર્જકો નોંધપાત્ર કામ કરી રહ્યા છે. માર્ટિન સુલિકનું ચિત્ર ‘એવરીથિંગ આઇ લાઇક’ ઉલ્લેખનીય છે.

1945ના અરસામાં ચેક ચિત્રોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયામાં પછી ચેક રિપબ્લિકન અને સ્લોવૅકિયામાં બનેલાં દસ્તાવેજી ચિત્રો, કાર્ટૂન-ચિત્રો અને પપેટ-ચિત્રોએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલી છે. યુદ્ધ પછીના સમયમાં જ સર્જકોએ નોંધપાત્ર કામ કર્યું તેમાં બાબરા, વીસ (weiss), સ્ટેકલી અને ક્રસ્કા વગેરે જૂની પેઢીના સર્જકોની સાથોસાથ ક્રેજસિક, કાચ્યના, જાસ્ની, લિપ્સ્કી અને વ્લાસિલ વગેરેનો સમાવેશ થાય છે.

1960ના દાયકાના પ્રારંભે ‘ફિલ્મ ફૅકલ્ટી’માંથી તાલીમ લઈને આવેલા કેટલાક પ્રતિભાશાળી અને સમર્પિત સર્જકોને કારણે દુનિયાને ચેક ચિત્રોની નવી શૈલીનો પરિચય થયો. 1989માં રાજકીય પરિસ્થિતિ બદલાયા બાદ અગાઉ પ્રતિબંધિત થયેલાં ચિત્રો પણ પ્રદર્શિત થયાં.

1950થી 1970 સુધીમાં પૂર્વ યુરોપમાં જે સુંદર ફિલ્મો સર્જાઈ તેના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં જિરી મેન્ઝેલ (ચેકોસ્લોવૅકિયા), વેરા ચિતિલાવા (ચેકોસ્લોવેકિયા), આન્દ્રેઈ વાયડા (પૉલેન્ડ), રોમાન પોલાન્સ્કી (પૉલેન્ડ), આન્દ્રેઈ મન્ક (પૉલેન્ડ), જેર્ઝી સ્કૉલિમોવ્સ્કી (પૉલેન્ડ), મિક્લોઝ જન્સ્કો (હંગેરી), ઈસ્ત્વાન ઝાબો (પૉલેન્ડ) અને પાલ ગાબોર (પૉલેન્ડ)ના નામ મોખરે છે. પરંતુ 1970થી 1990 સુધીમાં પૂર્વ યુરોપીય ફિલ્મ સર્જનમાં પૉલેન્ડના દિગ્દર્શક ક્રિઝટોફ કિસ્લોવ્સ્કી અને હંગેરીના દિગ્દર્શક બેલા તારનાં સ્થાન મોખરે છે. બીજા વિશ્વયુદ્ધ વેળા પૂર્વ યુરોપના તમામ દેશો નાત્ઝી હકૂમત હેઠળ આવ્યા હતા તથા તે પછી આ દેશો 1946થી 1990 સુધી સોવિયેત યુનિયનની એકહથ્થુ અને સરમુખત્યાર આણ નીચે રહ્યા હોવાથી સરકારી દમન અને ત્રાસ, ભ્રષ્ટાચાર, સરકારી અધિકારીઓ દ્વારા આર્થિક અને સેક્સુલ શોષણ, કાળાં બજાર, ગરીબી, અછત, લાંચ રૂશ્વત, વેશ્યાવ્યવસાય અહીં વ્યાપક પ્રમાણમાં ફાલ્યાફૂલ્યા હતા. સોવિયેત હકૂમત અંત પછી (1990 પછી) મુક્ત અર્થતંત્રના આરંભ સાથે મુક્ત બજારની વ્યવસ્થાને કારણે અલગ પ્રકારની આર્થિક તકલીફો શરૂ થઈ. આ તમામ પીડાઓ, વ્યથાઓ અને યાતનાઓનું 1990 પછી બનેલી પૂર્વ યુરોપીય ફિલ્મોમાં યથાતથ અને દારૂણ પ્રતિબિંબ પડતું જોવા મળે છે. 1990 પછી બનેલી ફિલ્મોમાં રોમેનિયન દિગ્દર્શક કોર્નેલિયુ પોરુમ્બોઈયુની ફિલ્મ “12.08 ઈસ્ટ ઓફ બુખારેસ્ટ”, રૉમેનિયન દિગ્દર્શક “ક્રિશ્ચિયન મુન્ગીયુની ફિલ્મ” 4 મન્થ્સ, 3 વીક્સ એન્ડ 2 ડેઝ, રોમેનિયન દિગ્દર્શક વ્યાદિમીર પાસ્કાલ્જેવીકની કૉમેડી ફિલ્મ “ડેવીલ્સ ટાઉન”, હંગેરિયન દિગ્દર્શકની ફિલ્મ “આ’મ નોટ યોર ફ્રેન્ડ” ઉત્તમ ગણાઈ છે. ઉપરાંત પૉલીશ દિગ્દર્શકો ઍગ્નીઓઝ્કા હૉલેન્ડ અને ક્રિઝટોફ ઝાનુસી તથા બૉસ્નિયન દિગ્દર્શક ડેનિસ તાનોવિક, સર્બિયન દિગ્દર્શક એમીટ કુસ્તુરિકા, હંગેરિયન ડાયરેક્ટર ઓતો પ્રેમીન્જરના નામ પણ મોખરે ગણાય છે.

હરસુખ થાનકી

અમિતાભ મડિયા