પૂર્વ ઘાટ (Eastern Ghats) : દ્વીપકલ્પીય ભારતના પૂર્વ કિનારાને લગભગ સમાંતર, બંગાળાના ઉપસાગરની સામેના અંદર તરફના ભૂમિભાગમાં વિસ્તરેલા પહાડી પ્રદેશની તૂટક શ્રેણી. તેમાં હારમાળા સ્વરૂપનો વિશિષ્ટ ભૂમિ-આકાર જોવા મળતો નથી. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓએ બંગાળાના ઉપસાગરને મળતાં અગાઉ પૂર્વ ઘાટને કોરી કાઢ્યો છે અને વહનમાર્ગો બનાવ્યા છે. આ કારણથી પહાડોની આ શ્રેણી ખંડિત બની રહેલી છે અને સ્થાનભેદે તેમનાં નામ પણ જુદાં જુદાં છે. ઉત્તર ઓરિસાથી શરૂ કરીને તમિળનાડુના દક્ષિણ ભાગ સુધી તે છૂટીછવાઈ ટેકરીઓનું સ્થળ દૃશ્ય રચે છે. આંધ્રપ્રદેશમાં નલ્લામાલાની ટેકરીઓ પૂરી થયા પછી આર્કટની નૈર્ઋત્યમાં આવેલી શિવરૉયની ટેકરીઓ તરીકે ચાલુ રહી ત્યાંથી નીલગિરિના પર્વતજૂથમાં ભળી જાય છે. પૂર્વ ઘાટના આ પહાડોની ઊંચાઈ 900થી 1000 મીટરથી વધુ નથી. સરેરાશ ઊંચાઈ 600 મીટરની ગણાય છે. વધુ ઊંચાઈવાળું સ્થાન દક્ષિણ ભારતની વિવિધ ખડકરચનાઓના સમુત્પ્રપાતો-(escarpments)થી બનેલું છે. આ પૈકીના કેટલાક સમુત્પ્રપાત અરવલ્લી હારમાળા સાથે ઊર્ધ્વગમન પામેલી જૂની પર્વતમાળાના અવશેષો છે.
ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચે 160 કિમી.ના અંતર સુધી કોઈ પહાડ જોવા મળતો નથી. ઉત્તરમાં ગોદાવરી અને મહાનદી વચ્ચેના પહાડો સમથળ પ્રદેશો રૂપે ઘસાઈ ગયેલા છે. અહીં ઓરિસામાં પૂર્વ ઘાટ ગાઢાં જંગલોથી છવાયેલો છે. દક્ષિણે કૃષ્ણા અને કાવેરી વચ્ચે નલ્લામાલા, વેલ્લીકોંડા અને પાલકોંડા નામના જૂના પહાડી પ્રદેશોની શ્રેણીઓના અવશેષો માત્ર જોવા મળે છે. વધુ દક્ષિણ તરફ શિવરૉય અને પાંચમાલા (પચાઈમાલા) સ્વરૂપે નાઇસથી બનેલા ખડકો મળે છે.
પૂર્વ ઘાટની ટેકરીઓના બંધારણમાં રહેલા ખડકો કોઈ એક ભૂસ્તરીય રચનાના નથી. કડાપ્પા પાસેની નલ્લામાલાની ટેકરીઓ નાઇસ લક્ષણવાળા ગ્રૅનાઇટથી બનેલી છે અને શિવરૉય તેમજ ચેન્નઈથી નૈર્ઋત્યમાં આવેલી પાંચમાલાની ટેકરીઓ નાઇસ લક્ષણવાળા ચાર્નોકાઇટ અને ખોન્ડેલાઇટથી બનેલી છે. કડાપ્પા વયના ખડકો રચતા પૂર્વ ઘાટની યેલ્લાકોંડા ટેકરીઓની શ્રેણીમાં ખડકરચનાઓ ગેડીકરણ પામેલી છે તેમજ અતિધસારાની અસરને કારણે વધુ નમનવાળી બની છે.
ગિરીશભાઈ પંડ્યા