પૂરુ–નાનુરુ (ઈ. સ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી શતાબ્દી સુધી) : તમિળ ગ્રંથ. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વિભાજિત છે : અહમ્ અને પુરમ્. અહમમાં વ્યક્તિગત જીવનનું અને પુરમ્ સાહિત્યમાં સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. ‘પૂરુ-નાનુરુ’ પુરમ્ સાહિત્યનો ગ્રંથ છે. એ ગ્રંથમાં 400 પદો છે, જે ચારણો તથા ભાટોએ રચેલાં છે. એ પદોનો સંગ્રહ પ્રથમ વાહ પેરુદેવનારે કર્યો. એમાંનાં પદોમાં ચેર, ચોલ, પાંડ્ય વગેરે દક્ષિણના મહાન રાજાઓ તથા સામંતોનાં પ્રશસ્તિગાન છે. એમાં વિશેષત: ભિન્ન ભિન્ન રાજાઓ, એમની શાસનવ્યવસ્થા, સૈન્યવ્યવસ્થા, તત્કાલીન તમિળ જનતાની રહેણીકરણી, રીતિરિવાજ, માન્યતાઓ, ધાર્મિક વલણો, કલા પ્રત્યેની અભિરુચિ તથા અંધશ્રદ્ધા વગેરે વિશે વિસ્તારપૂર્વક માહિતી અપાઈ છે. ‘પૂરુ-નાનુરુ’ની રચના સમયે તમિળ જનતા પર આર્ય સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો હતો; તેથી જ એમાંનાં કેટલાંક પદોમાં બ્રાહ્મણો નદીતટ પર જઈને ઈશ્વરોપાસના કરતા તથા બ્રહ્મચારી રહીને વેદપાઠ કરતા એવા ઉલ્લેખો છે. કેટલાંક પદોમાં વેદ અને દર્શન-વિષયક ચર્ચા પણ છે. ‘પૂરુ-નાનુરુ’એ પાછળથી આવનારા ગ્રંથકારોને પૂરતા પ્રમાણમાં રચના-સામગ્રી પૂરી પાડી છે.
ચન્દ્રકાન્ત મહેતા