પૂઝો, મારિયો (. 15 ઑક્ટોબર 1920, ન્યૂયૉર્ક; . 8 જુલાઈ 1999, ન્યૂયૉર્ક) : અમેરિકામાં અતિ લોકપ્રિય બનેલા ઇટાલિયન નવલકથાકાર. તેમનાં માતાપિતા કેટલાક નિરક્ષર ઇટાલિયનોની જેમ અમેરિકામાં જઈ વસેલાં. તેથી ન્યૂયૉર્કમાં જન્મેલા મારિયોએ કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન વાયુદળમાં સેવા આપી. એમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કલમનો આશરો લીધો. પ્રથમ તો પુરુષો માટેનાં સામયિકોમાં ઉત્તેજક વાર્તાઓથી શરૂઆત કરી. દરમિયાન તેમણે સરકારી કચેરીઓમાં વહીવટી મદદનીશ તરીકે સતત 20 વર્ષ સુધી કામગીરી કરી.

1955માં ‘ધ ડાર્ક ઍરેના’ નામની પ્રથમ નવલકથા તેમણે પ્રકટ કરી. તે ખૂબ લોકપ્રિય બની. તેમની બીજી આત્મકથાસ્વરૂપ રચના ‘ધ ફૉર્ચ્યુનેટ પિલ્ગ્રિમ’ હતી. તે ઇટાલીમાંથી ભાગી આવી અમેરિકામાં આવી વસેલાં કુટુંબોના અનુભવો પર આધારિત હતી. વસ્તુગૂંથણીની દૃષ્ટિએ કદમાં નાની હોવા છતાં તે શ્રેષ્ઠ કોટિની નવલકથા લેખાય છે. ત્યારબાદ અતિ મક્કમ આત્મવિશ્વાસથી 1969માં ત્રીજી નવલકથા ‘ધ ગૉડફાધર’ પ્રકટ કરી. તેમાં ઇટાલીથી ભાગી આવેલ કૉર્લિયન કુટુંબે અમેરિકામાં વ્યવસ્થિત ગુનાખોરી આચરી હતી તેવી વસ્તુ-સંકલના સાથે તાદૃશ ચિત્રણ કરાયું છે. ચોટદાર વાર્તાકથન, પ્રસંગોની સનસનાટીભરી ગૂંથણી, જીવંત પાત્રાલેખન અને રહસ્યમય જાસૂસી પાર્શ્વભૂમિકાને કારણે આ નવલકથાએ તેમને ખૂબ ખ્યાતિ અપાવી. આખા વિશ્વમાં તેની 210 લાખ નકલો ચપોચપ વેચાઈ ગઈ; તદુપરાંત તેના આધારે 1972માં બનેલાં ‘ધ ગૉડફાધર-1’ અને 1974માં ‘ધ ગૉડફાધર-2’ ચલચિત્રોએ પણ વિક્રમો સર્જ્યા હતા.

ત્યારબાદ 1984માં પ્રકટ થયેલી તેમની નવલકથા ‘ધ સિસિલિયન’ પણ ખૂબ લોકપ્રિય બની હતી. પછી જુગારખાનાની દુનિયાનો આબેહૂબ ચિતાર આપતી નવલકથા ‘ફૂલ્સ ડાઇ’ તેમણે પ્રકટ કરી. ભવિષ્યવેત્તાની શૈલીમાં રાજકીય વાતાવરણને અનુલક્ષીને ‘ધ ફોર્થ ડે’ 1992માં પ્રકટ કરી. એમના પ્રિય માફિયા જગતનું ચિત્રાંકન કરતી નવલકથા ‘ધ લાસ્ટ ડૉન’ના વેચાણે પણ વિક્રમ સર્જ્યો હતો. અવસાન પૂર્વે તેમણે ‘ઑમેર્તા’ નામની છેલ્લી નવલકથા લખવાનું કાર્ય પાર પાડ્યું હતું. તેનું મરણોત્તર પ્રકાશન થયું હતું. હૃદય બંધ પડી જવાથી 78 વર્ષની વયે તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું.

બળદેવભાઈ કનીજિયા