પુસાન : દક્ષિણ કોરિયાનું સેઉલથી બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 35o 10′ ઉ. અ. અને 129o 05′ પૂ. રે. કોરિયા દ્વીપકલ્પના અગ્નિકિનારા પર તે આવેલું છે. આ બારું ઘણું મોટું છે, ત્યાં એકસાથે આશરે 80 જેટલાં મોટાં વહાણોનો સમાવેશ થઈ શકે છે અને અહીંથી દર વર્ષે લાખો ટન માલની હેરફેર થતી રહે છે.

પુસાનમાં આવેલો દક્ષિણ કોરિયાનો તોતિંગ રાસાયણિક પ્લાન્ટ

આ શહેર વહીવટી, વ્યાપારી અને ઔદ્યોગિક મથક હોવા ઉપરાંત ઘણું મહત્ત્વનું મત્સ્યઉદ્યોગનું કેન્દ્ર પણ છે. આ શહેરમાં તેમજ તેની આજુબાજુમાં રસાયણો, વીજળી અને વીજાણુ-સાધનો, યંત્રસામગ્રી, પ્લાયવૂડ, રબરનો માલસામાન, વહાણો તેમજ કાપડ-ઉદ્યોગનો વિકાસ થયેલો છે. બંદર અને ઉદ્યોગોના મહત્ત્વ ઉપરાંત પુસાન પ્રવાસનું પણ કેન્દ્ર છે. અહીંનો સમુદ્ર, કંઠારપટ તથા ગરમ પાણીના ઝરા, ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં ટોંગડોસા અને પોમોસા જેવાં મઠ સહિતનાં સુંદર બૌદ્ધ મંદિરોનાં સંકુલો પણ પ્રવાસીઓના આકર્ષણનાં કેન્દ્રો છે. આ ઉપરાંત 1950થી ’53 દરમિયાન અહીં ખેલાયેલા કોરિયન યુદ્ધમાં મિત્ર-રાજ્યોના જે લશ્કરી વીરો ખપી ગયા તેમનું કબ્રસ્તાન પણ આવેલું છે.

આ સ્થળ ઘણા પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. કોરિયન યુદ્ધ દરમિયાન આ શહેર દક્ષિણ કોરિયાનું હંગામી પાટનગર બની રહેલું; એટલું જ નહિ, તે યુનાઇટેડ નૅશન્સનાં લશ્કરી દળો માટેનું મુખ્ય મથક પણ રહેલું. યુદ્ધ બાદ આ શહેરની વસ્તી ઘણી ઝડપથી વધી છે. 2024 મુજબ તેની વસ્તી 33,31,444, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 70 લાખ છે.

ગિરીશભાઈ પંડ્યા