પુલ (bridge) : નદી, નહેર, ખાડી કે રેલવેલાઇનને ઓળંગવા માટે તૈયાર કરાતું બાંધકામ. પુલને લીધે એ ઓળંગવું સહેલું બને છે અને વાહનવ્યવહાર ઝડપી બને છે. પુલનો મહિમા માનવજાતના ઇતિહાસ સાથે ઘણા લાંબા-પુરાણા કાળથી સંકળાયેલો છે. રામાયણમાં શ્રીરામ વાનરસેનાની મદદથી રામેશ્વર પાસે પુલ બાંધી ખાડી ઓળંગીને લંકા પહોંચે છે તે વાત ઘણી જાણીતી છે.

આકૃતિ 1 : A કેંચી (truss) અથવા ગર્ડર (beam) પુલ; B કમાન-પુલ; C ઝૂલતો પુલ; D કૅન્ટિલીવર પુલ (ભારવહનની દૃષ્ટિએ પુલોના પ્રકાર)

ઈ. સ. પૂ. 260થી 200 પછીના ગાળામાં રોમન પ્રજાએ મોટા થાંભલાવાળા કમાન-પુલો બાંધેલા. ચીનમાં પણ લગભગ આ જ અરસામાં ઘણા પુલ બાંધવામાં આવેલા. 1714માં ફ્રેન્ચ ઇજનેર રૉબર્ટ ગોલટિયરે પુલ-બાંધકામની માહિતી પ્રગટ કરી. 1779માં ઇંગ્લૅન્ડમાં લોખંડનો કમાન-પુલ સર્વપ્રથમ બંધાયો અને 1874માં કૅન્ટિલીવર પદ્ધતિનો લોખંડનો પુલ બંધાયો; જ્યારે પ્રથમ ઝૂલતો (suspension) પુલ 1883માં તૈયાર થયો. ભારતમાં પણ કૉલકાતાનો લોખંડનો 457 મી. લાંબો હાવરા પુલ, મુંબઈની વસઈની ખાડીનો પુલ, નર્મદા નદી પરનો લોખંડનો ગોલ્ડન બ્રિજ – રેલવે-પુલ તેમજ નવો કૉંક્રીટ પુલ, સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો સૂરજબારી ક્રીક પુલ, ભાદર નદી પરનો ડબલ-ડેકર પુલ વગેરે તેમની રચના કે લંબાઈને લીધે જાણીતા છે. ભારતમાં સૌપ્રથમ મોટો રસ્તો (પેશાવરથી કૉલકાતા સુધીનો) સુલતાન શેરશાહે બનાવેલ અને તેના પર જોનપુરમાં બંધાવેલો ગોમતીનો પુલ આજે પણ વાહનવ્યવહાર માટે ચાલુ છે.

આકૃતિ 2 : જુદા જુદા પ્રકારની પુલ-કેંચીઓ

શરૂઆતમાં મર્યાદિત લંબાઈ અને પહોળાઈવાળા પુલો લાકડામાંથી બનાવાતા. આજે પણ હિમાલયના પહાડી પ્રદેશના નાની નદી કે ઝરણાં પરના પુલ ઝાડના થડિયાથી તૈયાર કરેલ હોય છે. તે ઉપરાંત વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા લાકડાના પુલો પણ મોજૂદ છે. ત્યારબાદ પથ્થરના ચણતરથી કરેલ કમાનોના પુલો બન્યા. ભારતની રેલવેના ઓગણીસમી  સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના મોટાભાગના નાના પુલો પથ્થરના ચણતરથી કરેલ કમાનોની પદ્ધતિના પુલો છે.

ત્યારબાદ પુલોની બનાવટમાં લોખંડનો ઉપયોગ પ્રચલિત થયો. વળી મોટી લંબાઈના પુલ તેમજ દરિયાઈ ખાડી પરના પુલ માટે લોખંડના પુલો બનાવવામાં વધુ અનુકૂળતા રહી. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ચણતર-કામમાં સિમેન્ટ-કૉંક્રીટનું વર્ચસ્ વધતાં પુલોના નિર્માણમાં પણ સિમેન્ટ-કૉંક્રીટનો ઉપયોગ વધ્યો. આધુનિક પુલો મહદંશે સિમેન્ટ-કૉંક્રીટમાંથી બનાવાય છે.

રચનાની દૃષ્ટિએ અને પુલ પર આવતો ભાર (load) કઈ રીતે વહન થાય તેને અનુલક્ષીને પુલોને ચાર પ્રકારમાં મુકાય છે :

(1) કેંચી-પુલો (truss bridges) અથવા ગર્ડર (beam) પુલો; (2) કમાન-પુલો (arch-bridges); (3) ઝૂલતા પુલો; (4) એક બાજુ ટેકવેલ કેંચી-પુલો (cantilever bridges).

આકૃતિ 3 : ન્યૂયૉર્ક શહેરની નદી પરનો બ્રુકલિનનો ઝૂલતો પુલ

કેંચી-પુલોની રચનામાં લાકડાનો ઉપયોગ શરૂઆતમાં થયો. ત્યારબાદ મોટા કેંચી-પુલોમાં લોખંડ વપરાવાનું શરૂ થયું. લોખંડની કેંચીની ડિઝાઇનમાં ઉત્તરોત્તર ફેરફારો થતા રહ્યા. કેંચી-પુલનો મુખ્ય ફાયદો એ મળ્યો કે તેનું વજન પ્રમાણમાં ઓછું હોઈ તે વધુ લંબાઈ માટે અનુકૂળ બન્યા. 1767માં સ્વિટ્ઝર્લૅન્ડમાં 60.6 મી.ની લંબાઈનો પ્રથમ મોટો કેંચી-પુલ બનાવાયો. નેપોલિયનની સેનાએ આ પુલ નષ્ટ કર્યો. જ્યૉર્જ સ્ટિફન્સને 1846માં લોખંડના ઢાળેલા ગર્ડરો(આડાં બીમ)નો ઉપયોગ કરી બે મોટા રેલવે-પુલો બનાવ્યા, જેમાંનો એક પુલ તે ટાઇન નદી પરનો બે મંજિલવાળો (double decker) પુલ અને બીજો મેનાઈ ઉપરનો બ્રિટાનિયા પુલ.

આકૃતિ 4 : હાવરા પુલ, કૉલકાતા

ઝૂલતા પુલની શરૂઆત અમેરિકામાં થઈ. સૌપ્રથમ 1850માં વિશ્વવિખ્યાત નાયગ્રા ધોધ પાસે 303 મી. લંબાઈનો પુલ બંધાયો, પરંતુ ખૂબ હવાની ગતિના ભાર સામે બચાવ ન થઈ શકવાથી આ પુલ હઠાવી લેવાયો. જોકે 1899માં ફરી નવો 303 મી. ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો. અમેરિકાના અન્ય લટકતા પુલોમાં 1,280 મીટર લાંબો સાનફ્રાન્સિસ્કોનો ગોલ્ડ-ગેટ-પુલ દુનિયાના સૌથી મોટા પુલોમાંનો એક છે. તેથી વધુ – કદાચ સૌથી લાંબો પુલ જાપાનનો અકાશી ઓહાશી પુલ 1988માં બંધાયો અને તે 1,780 મી. લાંબો છે. ઇંગ્લૅન્ડનો હમ્બર નદી ઉપરનો જાણીતો પુલ 1,410 મી. લાંબો છે; ન્યૂયૉર્કમાં આવેલો 1,067 મી. લાંબો જ્યૉર્જ વૉશિંગ્ટન પુલ તેમજ ટેકોયા નેરોઝ પુલ ખૂબ જાણીતા છે. લોખંડના પુલોમાં કેંચી, ગર્ડર અને ઝૂલતા પુલ ઉપરાંત કૅન્ટિલીવર (એક જ બાજુએ ટેકવાયેલ કેંચી) પુલો પણ પ્રચલિત થયા. કૅનેડાના ક્વિબેક શહેરની સૅંટ લૉરેન્સ નદી પર 1918માં બનાવેલો ક્વિબેક પુલ 549 મી. લાંબો છે એ અને ભારતમાં કૉલકાતામાં હુગલી નદી પરનો હાવરાનો પુલ એ કૅન્ટિલીવર પ્રકારના પ્રસિદ્ધ પુલો છે.

આકૃતિ 5 : સ્કૉટલૅન્ડનો કૅન્ટિલીવર પ્રકારનો રેલવે-પુલ

લોખંડની કેંચીવાળા પુલોમાં ઑસ્ટ્રેલિયાનો 509 મી. લાંબો સિડની હાર્બર પુલ અને નાયગ્રા ધોધથી 3.2 કિમી. દૂર રેનબો પુલ ઉત્કૃષ્ટ ડિઝાઇનના નમૂનારૂપ પુલો છે.

આકૃતિ 6 : સિડની ઑસ્ટ્રેલિયાનો એક કમાનનો ગ્લેડેસવિલ પુલ (305 મી. લંબાઈ, 21.8 મી. પહોળાઈ)

વીસમી સદીમાં, ખાસ કરીને તેના ઉત્તરાર્ધમાં, કૉંક્રીટ-પુલોનો યુગ શરૂ થયો. નિર્માણકાર્યમાં લાકડું, પથ્થર અને લોખંડની સરખામણીમાં સિમેન્ટ-કૉંક્રીટના ખાસ ફાયદા છે એટલે સમગ્રતયા બાંધકામમાં સિમેન્ટ-કૉંક્રીટનો ઉપયોગ વધ્યો છે. શરૂઆતમાં કૉંક્રીટ-પુલોમાં કમાન-પ્રકારના પુલો બંધાયા, પરંતુ હવે કૉંક્રીટના ગર્ડર(આડાં બીમ)નો ઉપયોગ કરી પુલો બનાવાય છે.

ભારતમાં 1950-60 પછી બનાવેલા લગભગ બધા મોટા પુલો સિમેન્ટ-કૉંક્રીટના છે. કટકની પાસે મહા નદી પરનો સડકપુલ જે 2230.9 મી. લાંબો છે, જેમાં 49 મી. લાંબાં 45 ખાનાં [બે થાંભલા/ખંભા (પિયર્સ) વચ્ચેની જગ્યા] છે, બે છેડા પરનાં ખાનાં 18.8 મી. લાંબાં છે. આ પુલનું નિર્માણકાર્ય 1965માં પૂરું થયું. સિમેન્ટ-કૉંક્રીટ-પુલની ઉત્કૃષ્ટ ડિઝાઇનનો નમૂનો આ પુલમાં જોવા મળે છે. વિશ્વના જાણીતા પુલોની યાદી સાથેના કોઠામાં આપવામાં આવી છે :

વિશ્વના જાણીતા પુલો

પુલનું નામ

સ્થળ

લંબાઇ મીટર

ખુલ્લો મૂકવામાં આવ્યો તે વર્ષ

ઝૂલતા પુલ

હમ્બર રિવર હલ, ઇંગ્લૅન્ડ 1,410 1979
વીરાઝેનો નેરોઝ બ્રુકલિન, સ્ટૅટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક સિટી 1,298 1964
ગોલ્ડન ગેટ સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા 1,280 1937
મૅકિનૉક સેન્ટ ઇગનેસમૅકિનૉ સિટી, મિશિગન 1,158 1957
બૉસ્પોરસ ઇસ્તંબુલ, હ્યુશ્કહુહાર, તુર્કી 1,073 1973
જ્યૉર્જ વૉશિંગ્ટન ન્યૂયૉર્ક સિટી ફૉર્ટ લી, ન્યૂ જર્સી 1,067 1931
બ્રૂકલીન બ્રુકલિન, મૅનહટન, ન્યૂયૉર્ક સિટી 486 1883

 

લોખંડના કૅન્ટિલીવર પુલ

ક્વિબેક રેલવે ક્વિબેક, કૅનેડા 549 1917
ફર્થ ઑવ્ ફોર્થ રેલવે ક્વીન્સ ફેરી, સ્કૉટલૅન્ડ 521 1890
કૉમોડોર જૉન બૅરી ચેસ્ટર, પા. બ્રિજ પૉર્ટ, ન્યૂ જર્સી 501 1974
ગ્રેટર ન્યૂ ઑર્લિયન્સ ન્યૂ ઑર્લિયન્સ, લૅંગલૅંડ 480 1958
હાવરા કૉલકાતા, ભારત 457 1943
ટ્રાન્સબે (ઈસ્ટ બે) સાન ફ્રાન્સિસ્કો, ઑકલૅન્ડ, કૅલિફૉર્નિયા 427 1936

 

સાદી કેંચીવાળા પુલ

મેટ્રોપૉલિસ રેલવે ઓહાયો રિવર, મેટ્રોપૉલિસ, ઇલિનૉઇ 219 1917
અરવિનકૉબ (પૅડુકા) ઓહાયો રિવર, પૅડુકા, કેંટકી 218 1930
મ્યુનિસિપલ સેન્ટ લૂઇસ, મિઝૂરી 204 1910

 

સતત કેંચી પુલ

ઍસ્ટોરિયા ઍસ્ટોરિયા, ઑરેગૉન, મેગ્લર, વૉશિંગ્ટન 376 1966
ટેનમાન કુમામોટો, જાપાન 300 1966

લોખંડની કમાનવાળા પુલ

ન્યૂ રિવર ગૉર્જ ફૅયૅટવિલ, વેસ્ટ વર્જિનિયા 518 1977
બૅવન બૅવન, ન્યૂ જર્સી, સ્ટૅટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક 504 1931
સિડની હાર્બર સિડની, ઑસ્ટ્રેલિયા 503 1932
ફ્રી મૉન્ટ પૉર્ટલૅન્ડ, ઑરેગૉન 383 1971
ઝૅકોવ (ઑરલિક) ઝૅકોવ, ચેકોસ્લોવૅકિયા 380 1967

 

કૉંક્રીટની કમાનવાળા પુલ

ગ્લેડેસવિલે સિડની, ઑસ્ટ્રેલિયા 305 1964
અમિઝેડ ફૉ દો ઇગ્વાસ્સુ, બ્રાઝિલ-પૅરાગ્વૅ 290 1964
ઍરાબિડા પૉર્ટ્રો, પોર્ટુગલ 270 1963
સૅન્ડો ક્રેમફોર્સ, સ્વીડન 264 1943
શિબનિક ક્રા રિવર, યુગોસ્લાવિયા 246 1967

 

લોખંડની પ્લેટ અને બૉક્સગર્ડરવાળા પુલ

રિયો નાઇટીરોઈ રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ 300 1971
સાવા-I બેલગ્રેડ, યુગોસ્લાવિયા 261 1957
ઝૂબ્રક કોલોન, વેસ્ટ જર્મની 259 1966
સાવા-II બેલગ્રેડ, યુગોસ્લાવિયા 250 1970
ઑકલૅન્ડ હાર્બર ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ 244 1969

 

પૂર્વતાણ આપેલ કૉંક્રીટ-પુલો

વાડી કુફ સાયરનિકા, લિબિયા 300 1970
જનરલ રાફેલ ઉડાનીતા મારાકૈઇબો, વેનેઝુએલા 236 1961
સેવ રિવર મોઝામ્બિક 210 1970

 

કાક્રીટના કૅન્ટિલીવર પુલ

બેનડૉર્ફ કોબલેન્ઝ, વેસ્ટ જર્મની 208 1964
મેડવે રૉચેસ્ટર, કેન્ટ, ઇંગ્લૅન્ડ 152 1963
અમાકુસા જાપાન 146 1966
એલ્નો સ્વીડન 134 1964
ન્યૂ લંડન લંડન, ઇંગ્લૅન્ડ 104 1971

બેસ્કુલ પુલ

સાઉથ કૅપિટલ સ્ટ્રીટ વૉશિંગ્ટન ડી.સી. 118 1949
સૉલ્ટ સેન્ટ મેરી રેલવે મિશિગન, ઑન્ટારિયો 102 1941
બ્લૅક રિવર લૉર્ડીન, ઓહાયો 101 1940
ટૅનિસી રિવર ચૅટ્ટાનૂગા, ટેરિન 94 1917

 

ઝૂલા પુલ

અલ ફિર્દાન સુએઝ કૅનલ, ઇજિપ્ત 168 1965
મિસિસિપી રિવર રેલવે ફૉર્ટ મૅડિસન, આયોવા 160 1927
વિલમેટ રિવર પૉર્ટલૅન્ડ, ઑરેગૉન 159 1907
મિઝૂરી રિવર ઈસ્ટ ઓમાહા, નેબ્રાસ્કા 158 1893

 

ઊભા પુલ

આર્થર કિલ રેલવે ઇલિઝાબેથ, ન્યૂ જર્સી, સ્ટૅટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક 170 1959
કેપ કોડ કેનલ રેલવે કેપ કોડ, મૅસેચૂસેટ્સ 166 1935
ડીલેર ડીલેર, ન્યૂ જર્સી 165 1960
મરીન પાર્કવે ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક સ્ટેટ 164 1937

ભારતમાં આઝાદી પછી રસ્તાનિર્માણ અને પુલનિર્માણ માટે કેન્દ્ર-સરકાર, રાજ્યસરકાર તથા રેલપરિવહન-મંત્રાલય જ્યારે લશ્કરી પુલો માટે રક્ષા-મંત્રાલય કામગીરી બજાવે છે.

પુલના બાંધકામનાં મુખ્ય આવશ્યક અંગો નીચે પ્રમાણે છે : (1) પાયાનું બાંધકામ, (2) નીચેનું બાંધકામ, (3) ઉપરનું બાંધકામ અને (4) આનુષંગિક બાંધકામો.

પુલોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે : (1) પુલોના ઉપયોગ કે કામ પ્રમાણે, (2) બાંધકામમાં વપરાયેલ માલસામાન પ્રમાણે, (3) ઉપયોગિતાને આધારે, (4) ઉપરના ભાગના નકશીકામને આધારે, (5) પુલના નાળાની લંબાઈને આધારે અને (6) કદ પ્રમાણે  જલપથના આધારે.

જેનું બાંધકામ મજબૂત હોય, જેમાં બાંધકામ-ખર્ચ મર્યાદિત હોય, જેના પરથી વાહનવ્યવહાર એકદમ સરળતાથી ચાલી શકતો હોય તથા વાહનવ્યવહારને પૂરતી સલામતી મળી રહેતી હોય તેવા પુલને આદર્શ પુલ કહેવાય. પુલ બનાવતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.

પુલના સ્થળની પસંદગી સામાન્ય રીતે આદર્શ પુલની જરૂરતો ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે; તેમ છતાં બધી જ જરૂરિયાત કોઈ એક જ સ્થળે સુલભ થઈ શકતી નથી. તેથી વાહનવ્યવહાર અને સલામતીને પ્રાધાન્ય આપીને બાકીની બાબતોમાં જરૂરી બાંધછોડ કરવામાં આવે છે. સામાન્ય રીતે સ્થળની પસંદગીમાં નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે : નદી કે નાળા અંગેની માહિતી; બાંધકામના સ્થળના ભૂતલની વિગત; લાઇન-દોરીની જરૂરિયાત; આનુષંગિક બાંધકામની વિગત અને અન્ય ખાસ જરૂરિયાત.

કોઈ પણ નદી કે રેલવે-લાઇન ઉપર પુલનું નિર્માણ કરવાનું હોય ત્યારે આ સૂચિત પુલની જરૂરિયાત કેટલી તે પણ જોવાય છે. તેના ઉપર પસાર થનાર ભારે વાહનની સંખ્યા, પુલનો ઉપયોગ ભારે વાહન માટે છે કે શહેરી વાહનો માટે વગેરે બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તે માટે આસપાસનાં ગામ-શહેરો વગેરે લોકોના ધંધાના પ્રકાર, વસ્તી, ઉદ્યોગોને આધારે થનાર વાહનવ્યવહાર જેવી બાબતોનો સર્વે કરવામાં આવે છે. ઘણી વખત ગામની બાજુથી પસાર થતી પાઇપલાઇનને આધારે પણ પુલ બાંધવામાં આવે છે; પણ તેની ઉપયોગિતા તથા ખર્ચ-લાભનો ગુણોત્તર મહત્વની બાબત લેખાય છે.

સામાન્ય રીતે પુલ વહેતા પાણી કે જળ-સ્રોતને પાર કરવા માટે બાંધવામાં આવે છે; તેથી પુલની નીચેથી વહેતા પ્રવાહનો જથ્થો જાણવા માટે સ્રાવ-વિસ્તારનું ક્ષેત્રફળ, સ્રાવ-વિસ્તારનો ઢાળ, સ્રાવ-વિસ્તારનો આકાર, વરસાદનું પ્રમાણ (વાર્ષિક વરસાદ), જમીનમાં ભેજનું પ્રમાણ અને સ્રાવ-વિસ્તારની જમીનનો ઉપયોગ જેવી વિગતો જરૂરી બને છે.

સામાન્ય રીતે નાળાનો મહત્તમ જળપ્રવાહ શોધવા માટે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતોનો આધાર લેવામાં આવે છે. આ પૈકીની પ્રયોગ-રીતિમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રયોગો કરીને એકત્રિત કરેલી માહિતીના આધારે રચાયેલાં ગાણિતિક સૂત્રો પ્રમાણે અભ્યાસ કરવામાં આવે છે.

સ્રાવ-વિસ્તારના અભ્યાસની બીજી રીતમાં ભારતીય માર્ગ-સંગઠને માન્ય કર્યા મુજબ, વરસાદની તીવ્રતા, વરસાદનું વિસ્તરણ તથા વરસાદ પડવાનો સમયગાળો લક્ષમાં લેવાય છે. તેમાં સ્રાવ-વિસ્તાર ભૌમિતિક રીતે શોધવામાં આવે છે. જો અનિયમિત આકાર હોય તો પ્લેનૉમિટરની મદદ વડે ક્ષેત્રફળ શોધવામાં આવે છે. જમીનની છિદ્રાળુતાને ધ્યાનમાં લઈને કેટલો જથ્થો જમીનમાં ઊતરી જશે તેની માહિતી મેળવવામાં આવે છે.

પ્રત્યક્ષ રીતમાં પુલની નીચે પાણીનો વેગ જુદાં જુદાં ઉપકરણો વડે માપવામાં આવે છે.

પુલની ઉપ-સંરચના(sub-structure)માં પુલના ગાળાનો આધાર (pier), અંત્યાધાર (abutment) બાજુની દીવાલ (પાંખ-દીવાલ) અને પાયાની દીવાલનો સમાવેશ થાય છે.

પિયર : તે નદીના પ્રવાહ વચ્ચે બાંધવામાં આવેલા પુલના નીચલા ભાગનું એક અંગ છે. તે પુલના ઉપલા બાંધકામને ટેકો પૂરો પાડે છે. સામાન્ય રીતે ઈંટનાં ચણતર, પથ્થરનાં ચણતર કે સાદા કૉંક્રીટ કે પ્રબલિત કૉંક્રીટના પિયર અથવા તો લોખંડના માળખાની રચના કરીને બાંધવામાં આવે છે.

પિયરના બાંધકામમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતાં બળો : (1) પોતાનું વજન; (2) પુલના ઉપરના બાંધકામમાં આવતું અચલ વજન; (3) પુલના ઉપરના ભાગમાં રસ્તામાં આવતું ચલ વજન; (4) પવનભાર; (5) વાહનની બ્રેક લાગવાથી આવતું આઘાતક બળ;  (6) ભૂકંપ-બળની અસર; (7) પૂરમાં તણાઈ આવતાં ભારે વૃક્ષો કે અન્ય વસ્તુઓ અથડાવામાં લાગતું બળ; (8) પાણીના પ્રવાહની અસર.

પિયરની સ્થિરતા : પિયરના બાંધકામ માટે સ્થિરતા પ્રાપ્ત કરવા નીચેનાં પરિબળોને ધ્યાનમાં લેવાં જરૂરી છે : (1) પિયરમાં ઉદભવતાં કર્તનબળ અને નમનઘૂર્ણ સામે સલામતી; (2) પ્રવાહની દિશામાં પિયર ઊથલી પડવો ન જોઈએ; (3) બધા પ્રકારનાં બળોનો સામનો કરતી વખતે પિયરમાં તન્યબળ ઉદભવવું ન જોઈએ; (4) પિયર ઉપર લાગતાં બધાં જ બળોને કારણે પાયા ઉપર ઉદભવતા વજનથી ઉદભવતું પ્રતિબળ પાયાની માટીની ધારણશક્તિ કરતાં વધુ ન હોવું જોઈએ.

પિયરના પ્રકાર : બાંધકામ તથા આકારને આધારે જુદા જુદા પિયર આ પ્રમાણે છે : (1) ઘન પિયર; (2) ડમ્બેલ્સ – પિયર; (3) સ્તંભપિયર; (4) નળાકાર પિયર; (5) એબટમેન્ટ પિયર; (6) ખૂંટ-પિયર; (7) ઘોડી-પિયર; (8) પોલા પિયર વગેરે.

અંત્યાધાર : પુલના બંને બાજુના છેડાને ટેકવવા માટે કરવામાં આવતા બાંધકામને અંત્યાધાર કહેવામાં આવે છે. અંત્યાધારની એક બાજુ નદીના પ્રવાહનો વેગ વહેતો હોય છે, જ્યારે બીજી બાજુ પ્રવેશમાર્ગ(approach)નું માટીકામ ટેકવાયેલ હોય છે. અંત્યાધાર ઈંટ કે પથ્થરના ચણતરથી અથવા કૉંક્રીટના બાંધકામથી તૈયાર કરાય છે.

અંત્યાધારનાં વિવિધ અંગોનાં માપ : (1) લંબાઈ : અંત્યાધારની લંબાઈ ઓછામાં ઓછી પુલની પહોળાઈ જેટલી હોવી જોઈએ, (2) અંત્યાધારની પહોળાઈ નક્કી કરતી વખતે પુલના છેલ્લા છેડાના બાંધકામને યોગ્ય રીતે ગોઠવવા માટે પૂરતી જગ્યા મળી રહે તથા પુલના છેડાના ભાગની ગોઠવણી થયા પછી ટૂંકી ઊંચાઈની દીવાલ જે માટીકામને ટેકવે છે તેના માટે પૂરતી જગ્યા મળી રહે તે બાબત ધ્યાનમાં લેવાની થાય, (3) ઊંચાઈ : અંત્યાધારની ઊંચાઈ પિયરની ઊંચાઈ જેટલી રાખવામાં આવે છે, (4) ઢાળ : પાણીના પ્રવાહ તરફ અંત્યાધારની બાજુને સામાન્ય રીતે ઊર્ધ્વ રાખવામાં આવે છે. ઢાળનું પ્રમાણ સામાન્ય રીતે 1 : 12થી 1 : 24 રાખવામાં આવે છે.

અંત્યાધારના પ્રકાર : (1) બાજુની દીવાલ વગરના અંત્યાધાર; (2) બાજુની દીવાલ સાથેના અંત્યાધાર.

બાજુની દીવાલ : (1) સીધી બાજુવાળી દીવાલ, (2) ત્રાંસી બાજુવાળી દીવાલ, (3) કાટખૂણ બાજુવાળી દીવાલ.

આ ઉપરાંત બાજુ-દીવાલનું વર્ગીકરણ બાંધકામમાં વપરાતા માલસામાનના આધારે કરવામાં આવે છે, જે નીચે મુજબ છે : (1) ચણતરકામવાળી બાજુ-દીવાલ, (2) પ્રબલિત કૉંક્રીટ બાજુવાળી દીવાલ.

બાજુ-દીવાલ સુધીનો રસ્તો તે માટીકામનું બાંધકામ કરીને યોગ્ય ચઢાવ કે ઉતાર આપીને બનાવવામાં આવે છે. બાજુ-દીવાલ કે જ્યાંથી પુલ શરૂ થાય છે તે રસ્તાની માટી અટકાવે છે. આ દીવાલ પાણીના પૂર તથા વરસાદથી થતા ધોવાણ સામે ટકી શકે તેવી મજબૂત હોવી જોઈએ.

પુલોની મરામત અને જાળવણી : બીજા કોઈ પણ ઇજનેરી માળખા કરતાં પુલનું બાંધકામ જરા વિશિષ્ટ પ્રકારનું હોય છે, કારણ કે પુલના માળખાને હમેશાં બે પરિબળોનો સામનો કરવો પડે છે : પુલની નીચે પાણીના પ્રવાહનો વધતો-ઘટતો વેગ, અને પુલ ઉપર જુદી જુદી જાતનાં, જુદા જુદા વેગથી ચલાવાતાં વાહનો તથા ભારે વાહનોમાં લગાડાતી બ્રેકને કારણે પુલના માળખામાં આવતું તાણ. ચોમાસું શરૂ થતાં પહેલાં પુલના સ્થળની જાતતપાસ કરીને જુદા જુદા માળખાનું નિરીક્ષણ કરીને, પુલના જુદા જુદા ઘટકોને લાગેલો ઘસારો અથવા થયેલા નુકસાનનો અંદાજ કરીને મરામતનાં કામો હાથ ધરવામાં આવે છે. લાકડાના તથા લોખંડના પુલોને ચણતરકામના કે કૉંક્રીટ-પુલો કરતાં વિશેષ મરામતની જરૂરિયાત રહે છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

મધુસૂદન રમણીકલાલ ભટ્ટ