પુરોહિત, વેણીભાઈ જમનાદાસ (જ. 1 ડિસેમ્બર 1916, જામખંભાળિયા; અ. 3 જાન્યુઆરી 1980, મુંબઈ) : ઉપનામ ‘સંત ખુરશીદાસ’. ગુજરાતી કવિ તથા વાર્તાકાર. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અનુક્રમે મુંબઈ અને જામખંભાળિયામાં. વ્યવસાય માટે મુંબઈ ગયા અને ‘બે ઘડી મોજ’માં જોડાયા. ત્યારબાદ 1932થી 1942 દરમિયાન અમદાવાદના દૈનિક ‘પ્રભાત’, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં પ્રૂફરીડિંગનું કાર્ય કર્યું. તેમણે 1942ની સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈ દસ, માસ જેલવાસ પણ ભોગવ્યો હતો. 1944થી 1949 સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે અને પછી મુંબઈના ‘જન્મભૂમિ’ દૈનિકમાં છેવટ સુધી સેવા આપી.
એમણે કાવ્ય અને વાર્તા – એ બે સાહિત્યસ્વરૂપો ખેડ્યાં છે. સવિશેષ અર્પણ કાવ્યક્ષેત્રે. ‘સિંજારવ’ (1955), ‘ગુલઝારે શાયરી’ (1961), ‘દીપ્તિ’ (1966) અને ‘આચમન’ (1975) – એ એમના કાવ્યસંગ્રહોમાં ગીત, ગઝલ, ભજન, મુક્તક અને સૉનેટ તેમજ કેટલીક દીર્ઘરચનાઓના પ્રકારોમાં એમણે સર્જન કર્યું છે. આ સર્વમાં ગીત અને ભજનમાં એમને વિશેષ સિદ્ધિ મળી છે. સંસ્કૃત વૃત્તો અને માત્રામેળી દેશીઓ ઉપરાંત અછાંદસમાં પણ એમણે સર્જન કર્યું છે. પ્રેમ અને પ્રકૃતિ ઉપરાંત દેશભક્તિના વિષયો પર પણ એમણે આકર્ષક રચનાઓ આપી છે.
એમનાં ભજનોમાં તળપદી વાણીની બળકટતા સાથે પ્રાચીન લય-ઢાળની પણ એમની સારી ફાવટ દેખાય છે. એમની ભાવનાસભર સંવેદનશીલતા અને સરળ ભક્તિભાવ સ્પર્શી જાય છે. કવિને શબ્દસંગીતની સહજ અને ઝીણવટભરી સૂઝ હતી. એ એમનો કાવ્યવિશેષ પણ છે. ‘ઝરમર’, ‘નાનકડી નારનો મેળો’ જેવાં ગીતો; ‘નયણાં’, ‘સુખડ અને બાવળ’ તેમજ ‘અમલકટોરી’ જેવાં ભજનો સુખ્યાત છે. એમની રચનાઓમાં મસ્તીનો એક વિશેષ રંગ માણવા મળે છે. રંગદર્શિતા એમનો બીજો કાવ્યવિશેષ. ગીત-ગઝલ-ભજનમાં આ કૌતુકરાગી-રંગદર્શી કવિની મસ્તી સહજ રીતે પ્રગટ થતી અનુભવાય છે.
‘જન્મભૂમિ’માં એમણે ‘આખા ભગત’ના ઉપનામથી તત્કાલીન પ્રસંગોની છબી ઝીલતી ‘ગોફણગીતા’ની કટાક્ષરચનાઓ લાંબા સમય સુધી લખી હતી. કેટલાંક પ્રાચીન-અર્વાચીન કાવ્યોના પોતાની રીતે આસ્વાદો પણ એમણે કરાવેલા, જે ‘કાવ્યપ્રયાગ’(1978)માં ગ્રંથસ્થ થયા છે.
‘અત્તરના દીવા’ (1952), ‘વાંસનું વન’ અને ‘સેતુ’માં એમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. એમાં જીવનની લાચારી, દિલની ખુમારી, જીવનનું માધુર્ય તેમજ કારુણ્ય નિરૂપાયું છે.
પત્રકાર તરીકે એમણે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ફિલ્મ, નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનાં એમનાં અવલોકન એ સમયે સહુનું ધ્યાન ખેંચી રહેતાં હતાં.
ચિમનલાલ ત્રિવેદી