પુરી, અમરીષ (જ. 22 જૂન 1932, નવાનશહર, જલંધર, પંજાબ; અ. 12 જાન્યુઆરી 2005, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના કલાકાર. ધારદાર અને ઘેરો અવાજ, લોખંડી દેહયષ્ટિ અને વિચક્ષણ અદાકારીને કારણે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતના રૂપેરી પડદા પર લોકચાહના મેળવનાર આ કલાકારને 40 વર્ષની ઉંમર સુધી નિર્ણયાત્મક ક્ષણ માટે રાહ જોવી પડી હતી. હિંદી ચલચિત્રના જાણીતા કલાકાર મદનપુરીના નાના ભાઈ હોવા સિવાય અમરીષ પાસે મૌલિક કહેવાય એવું કશું જ નથી, એવી ગ્રંથિથી તે જમાનાના મોટા ભાગના નિર્માતાઓ અને દિગ્દર્શકો પીડાતા હતા. 1954માં રૂપેરી પડદા પર કલાકાર થવા માટેની તેમની પ્રથમ કસોટીમાં જ તેઓ નિષ્ફળ નીવડ્યા.

અમરીષ પુરી
ત્યારપછીનાં થોડાંક વર્ષો દરમિયાન તેમણે રંગમંચ પર પોતાનું નસીબ અજમાવ્યું; પરંતુ તેમાં પણ તેમને ધારી સફળતા મળી નહિ. સાથોસાથ આજીવિકાના સાધન તરીકે તેઓ આકાશવાણી અને દૂરદર્શનની જાહેરખબરોના ઉદ્ઘોષક તરીકે સેવા આપતા રહ્યા. દિગ્દર્શક સુખદેવે 1971માં અમરીષની ‘રેશમા ઔર શેરા’ માટે પસંદગી કરી ખરી, પરંતુ પાછળથી આ ચલચિત્રના દિગ્દર્શકની જવાબદારી સુનીલ દત્તને સોંપવામાં આવતાં તેમણે અમરીષને પડતા મૂક્યા; પરંતુ 4 વર્ષ પછી તેમના નસીબે તેમને સાથ આપ્યો અને તે પછીના બે દાયકા દરમિયાન (1975-95) અમરીષે ઘણાં સારાં ચલચિત્રોમાં નોંધપાત્ર અભિનય કર્યો; તેમાં ‘નિશાંત’ (1975), ‘મંથન’ (1976) અને ‘ભૂમિકા’ (1977) એ ત્રણ શ્યામ બેનેગલે દિગ્દર્શિત કરેલાં ચલચિત્રો ઉપરાંત ‘હીરો’ (1975), ‘હમ પંછી’ (1981), ‘વિધાતા’ (1982); ગોવિંદ નિહાલાની-દિગ્દર્શિત ‘અર્ધસત્ય’ (1983), ‘નગીના’ (1986), ‘મિસ્ટર ઇન્ડિયા’ (1987), ‘ફૂલ ઔર કાંટે’ (1991), ‘સોદાગર’ (1991) તથા ઉત્તમ કથાચિત્રનું 1996નું રાષ્ટ્રપતિ દ્વારા અપાતું પ્રથમ પારિતોષિક મેળવનાર ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’(1995)નો સમાવેશ થાય છે. આ હિંદી ચલચિત્રો ઉપરાંત અંગ્રેજી ચલચિત્ર-જગતના જાણીતા નિર્માતા-દિગ્દર્શક સ્ટીવન સ્પિલબર્ગના બહુચર્ચિત ચલચિત્ર ‘ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધ ટેમ્પલ ઑવ્ ડૂમ’(1984)માં અમરીષે ખલનાયકની જે ભૂમિકા કરી હતી તે પણ યાદગાર બની છે.
તેમણે 400 જેટલી ફિલ્મમાં કામ કર્યું. 1979માં સંગીત નાટક અકાદમીનો થિયેટર માટેનો ઍવૉર્ડ, 1991માં મહારાષ્ટ્ર રાજ્યનો ગૌરવ પુરસ્કાર, 1994માં સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં ‘સૂરજ કા સાતવા ઘોડા’માં બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ અને બીજા ઘણાં ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે