પુરી : ઓડિસા રાજ્યના પૂર્વભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો, જિલ્લામથક અને યાત્રાધામ. આ જિલ્લાની ઉત્તરે કટક, વાયવ્યમાં ધેનકાનલ, પશ્ચિમે ફૂલબાની, પશ્ચિમ તથા નૈર્ઋત્ય તરફ છત્રપુર જિલ્લાઓ તેમજ દક્ષિણ અને પૂર્વ તરફ બંગાળનો ઉપસાગર આવેલાં છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,055 ચોકિમી. તથા 2011 મુજબ વસ્તી 16,97,983 જેટલી છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ નદીઓના મેદાની વિસ્તારથી તેમજ મહાનદીના ત્રિકોણપ્રદેશના દક્ષિણતરફી ફાંટાઓથી રચાયેલા કાંપનું બનેલું છે. ઉત્તર તેમજ નૈર્ઋત્ય વિભાગમાં પૂર્વ ઘાટની ટેકરીઓ આવેલી છે. નૈર્ઋત્યની ટેકરીઓ જંગલઆચ્છાદિત છે. ભારતીય દ્વીપકલ્પનાં મોટાં ગણાતાં સરોવરો પૈકીનું ચિલ્કા (ચિલિકા) સરોવર આ જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. તે ક્ષારીય જળ ધરાવતું છીછરું ખાડીસરોવર છે. તેમાં માછલીઓનું પ્રમાણ અધિક હોય છે.
કોણાર્કનું પ્રખ્યાત સૂર્યમંદિર પુરીથી પૂર્વમાં દરિયાકિનારા નજીક આવેલું છે. ઓરિસાનું પાટનગર ભુવનેશ્વર તેમજ પૂર્વ રેલમાર્ગ પરનું મુખ્ય મથક ખુર્દ આ જિલ્લામાં જ આવેલાં છે. જિલ્લાના મેદાની વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. જંગલોમાં મુખ્યત્વે રાળ માટે ઉપયોગી સાલવૃક્ષો તથા વાંસ થાય છે. ઉદ્યોગોમાં ડાંગર છડવાની મિલો, ધાતુકામનો વ્યવસાય તથા વણાટકામ મુખ્ય છે. 1803માં પુરીનો વિસ્તાર બ્રિટિશ હકૂમત હેઠળ હતો, તેથી ખુર્દના રાજાએ 1804માં બળવો કરેલો. ત્યારપછી 1817-18માં અહીંના ખેડૂતોએ પણ બળવો કરેલો. 1866માં અહીં પડેલા દુકાળ દરમિયાન જિલ્લાના ઘણા લોકો મરણ પામેલા.
શહેર : ઓડિસામાં ભુવનેશ્વર તથા કટકની દક્ષિણે આવેલું પુરી નગર (ભૌ. સ્થાન : 190 48′ ઉ. અ. અને 850 51′ પૂ. રે.) ત્યાંના જગન્નાથજીના મંદિરને કારણે તે ભારતભરમાં ઘણું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. દેશના ઘણા ભાગોમાંથી ભાવિકજનો ત્યાં દર્શનાર્થે જાય છે. અહીંનો રેતપટ પ્રવાસીઓને આકર્ષે છે. દર વર્ષે અષાઢી બીજને દિવસે અહીં મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા જગન્નાથ ઉદ્યાનભવન ખાતેથી રથયાત્રા નીકળે છે અને લોકો ભાવપૂર્વક જગન્નાથજીના રથને ખેંચવાનો લહાવો લે છે.
પુરી ઓડિસા રાજ્યના રાજ્યપાલનું ઉનાળુ નિવાસસ્થાન પણ છે. અહીં બે કૉલેજો, વેધશાળા અને રાજાનો મહેલ છે. દરિયાકિનારા પરનું આ નગર આજુબાજુના વિસ્તાર માટેનું મુખ્ય બજાર છે. તે વિહારધામ તેમજ રેલમાર્ગ પરનું છેલ્લું મથક છે. અહીંના ઉદ્યોગોમાં મત્સ્યપ્રક્રિયા, ડાંગર છડવાની મિલો તથા હસ્તકારીગરીનો સમાવેશ થાય છે. આ નગરની વસ્તી 2011 મુજબ 2.1 લાખ જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા