પુરાણી, છોટાલાલ (છોટુભાઈ) (જ. 13 જુલાઈ 1885, ડાકોર; અ. 22 ડિસેમ્બર 1950, મુંબઈ) : વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં વ્યાયામગંગા વહાવનાર અગ્રણી ક્રાન્તિવીર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-સેનાની. ગુજરાતની યુવા-આલમમાં ‘વડીલ બંધુ’ના નામથી જાણીતા શ્રી છોટુભાઈના પિતા શ્રી બાલકૃષ્ણ પુરાણીનું મૂળ વતન ભરૂચ હતું; પરંતુ શિક્ષકની નોકરી જામનગરમાં હોઈ, શ્રી છોટુભાઈનું શાળાજીવન જામનગરમાં વીતેલું. કૉલેજના અભ્યાસ માટે અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં રહી, તેમણે વનસ્પતિશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. એ પછી વડોદરા મુકામે કલાભવનમાં અધ્યાપક તરીકે જોડાયા. કૉલેજ-જીવન દરમિયાન જ તેઓ વડોદરામાં શ્રી અરવિંદ ઘોષના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી, ઉત્સાહી યુવાનોના સહકારથી અને સ્વપ્રયત્નથી બાજવાડામાં અખાડા માટેની જરૂરી સગવડો ઊભી કરી, 1909માં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળાની શરૂઆત કરી. આ વ્યાયામશાળાનું ધ્યેય દેશની આઝાદી માટે મરી ફીટે એવા શક્તિશાળી યુવાનો તૈયાર કરવાનું હતું. શરૂઆતમાં ખુલ્લા શરીરે માત્ર લંગોટ પહેરી વ્યાયામ કરતા યુવાનોને જોઈ, સ્થાનિક લોકો તરફથી પ્રચંડ વિરોધ થયો; પરંતુ વ્યાયામશાળાની પ્રવૃત્તિઓ જીવનઘડતર માટે ઉપયોગી છે, એવી અનુભૂત સમજનો લોકોમાં પ્રચાર થતાં ધીમે ધીમે વિરોધનો વંટોળ શમી ગયો અને વ્યાયામશાળા પ્રત્યે લોકો આકર્ષાયા અને અન્ય ગામોમાં પણ તેનો પ્રચાર થયો.
1910માં શ્રી છોટુભાઈ લાહોર મુકામે દયાનંદ ઍંગ્લો વૈદિક કૉલેજમાં બાયૉલૉજીના પ્રોફેસર તરીકે જોડાયા. આ દરમિયાન પોતાના ક્રાન્તિકારી વિચારોને લઈને પંજાબના અનેક ક્રાંતિકારીઓના સંપર્કમાં તેઓ આવ્યા. 1916માં ફરીથી વડોદરા આવી, પુરુષ અધ્યાપન-મંદિરમાં પ્રાધ્યાપક તરીકે તેઓ જોડાયા. 1918માં ભરૂચમાં કેળવણીમંડળની સ્થાપના કરી. સ્વાશ્રયી નાગરિકો તૈયાર કરવા માટે ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો. આ અરસામાં તેમણે પ્રાથમિક શાળાઓ માટે રાષ્ટ્રીય વાચનમાળા તૈયાર કરી, મૉન્ટેસોરી પદ્ધતિનું સૌપ્રથમ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રગટ કર્યું. બાળકોને રમત દ્વારા કેળવણી આપવી જોઈએ, એ માન્યતાના તેઓ ચુસ્ત હિમાયતી હતા.
આ બધાં વષો દરમિયાન વ્યાયામપ્રવૃત્તિના પ્રચારકાર્ય માટે પણ તેઓ એટલી જ નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ હતા અને પરિણામે ગુજરાતમાં ઠેર ઠેર લક્ષ્મીનાથ વ્યાયામશાળાના ધોરણે વ્યાયામશાળાઓની હારમાળા ઊભી થઈ. આને પરિણામે 1936માં ગુજરાત વ્યાયામ-પ્રચારક મંડળની સ્થાપના કરવામાં આવી. વ્યાયામ-વિજ્ઞાનની કૉલેજ તથા વ્યાયામવિષયક વૈજ્ઞાનિક સંશોધન થાય તે માટે તેઓ ખૂબ આતુર હતા. તેના ફલસ્વરૂપે, 1950માં ગુજરાત વ્યાયામ મહાવિદ્યાલય(હવે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય)ની રાજપીપળા મુકામે તેમના વરદ હસ્તે સ્થાપના થઈ.
વ્યાયામના દરેક વિષયને વૈજ્ઞાનિક રીતે ચકાસવાની અદભુત દૃષ્ટિ તેમણે કેળવી હતી. કેળવણી, શરીરવિજ્ઞાન, વ્યાયામવિજ્ઞાન, ગેરીલા પ્રવૃત્તિ, ક્રાંતિનો ઇતિહાસ વગેરે વિષયો સંબંધનું તેમનું વાચન અને લેખન વૈવિધ્યપૂર્ણ અને વિશાળ હતું. ‘માનવશરીર-વિકાસ’, ‘ઉષ્મા’, ‘વનસ્પતિશાસ્ત્ર’, ‘મૉન્ટેસોરી શિક્ષણ-પદ્ધતિ’, ‘ગુજરાતી વાચનમાળા’, ‘સારી સંતતિ’, ‘હિંદનો પ્રાચીન ઇતિહાસ’, ‘ગુજરાતમાં વ્યાયામપ્રચાર’, ‘પ્રાકૃતિક ભૂગોળ’ વગેરે તેમનાં લખેલાં પુસ્તકોએ ગુજરાતમાં કેળવણી, સાહિત્ય અને વ્યાયામક્ષેત્રે અવિસ્મરણીય સેવા કરી છે.
ગાંધીજીનું હિંદમાં આગમન થયું તે પહેલાં, અને તે પછી સુખસગવડોનો ભોગ આપી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા ભેખધારીઓમાં શ્રી છોટુભાઈ મોખરે હતા. ઈ. સ. 1908માં તેઓ ક્રાંતિકારીઓના સંગઠનમાં જોડાયા હતા. ત્યારબાદ ગાંધીજીના પ્રભાવથી 1930ની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈને જેલમાં ગયા. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને કારાવાસ વેઠ્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ભૂગર્ભમાં રહીને વ્યાયામ પ્રવૃત્તિના યુવકોને માર્ગદર્શન આપી, ગુપ્ત સંગઠન સાધી ભાંગફોડની પ્રવૃત્તિનું નેતૃત્વ લીધું. તેમણે બૉંબ બનાવ્યા, શસ્ત્રો ભેગાં કર્યાં, ગુપ્ત ક્રાંતિકારીઓ સાથે કેટલાંક પોલીસથાણાં પર હુમલા કરી, બંદૂકો, રિવૉલ્વરો, કારતૂસોની લૂંટ કરી બ્રિટિશ સરકાર સામે પકડાર ફેંકયો. તેઓ ‘રાજદ્રોહ’ પત્રિકા ચલાવતા હતા. સમગ્ર જીવન દરમિયાન સામાજિક સુધારણા, અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામોદ્ધાર, કેળવણી, સમાજસેવા વગેરે લોકકલ્યાણની પ્રવૃત્તિઓ સાથે વૈજ્ઞાનિક વ્યાયામનો પ્રચાર એ એમનું મુખ્ય જીવનકાર્ય રહ્યું હતું. તેઓ સાચા અર્થમાં નૂતન કેળવણીકાર, આજીવન ક્રાંતિવીર અને યુવામાર્ગદર્શક હતા.
ચિનુભાઈ શાહ