પુરખુ (જ. અને અ. ઓગણીસમી સદી, કાંગડા ખીણનું સામ્લોટી ગામ) : પહાડી ચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. કૌટુંબિક અટક ‘ગુલેરિયા’ તજી દઈને પ્રથમ નામે (પુરખુ) જ ચિત્રો આલેખીને પ્રસિદ્ધિ મેળવી. પિતા ધુમ્મન કાંગડાના રાજા ઘમંડચંદના રાજ્યાશ્રિત ચિત્રકાર હતા. પુરખુએ પિતા પાસે તાલીમ મેળવી – ઘમંડચંદના અવસાન પછી તેમના પુત્ર રાજા સંસારચંદનો રાજ્યાશ્રય મેળવ્યો. પુરખુનો ભાઈ બુધ્ધુ કાષ્ઠકોતરકામનો નામાંકિત કારીગર હતો. પુરખુનો દીકરો રામદયાલ ચિત્રકાર હતો.
પુરખુ દ્વારા આલેખાયેલાં રાજા સંસારચંદનાં દરબાર-દૃશ્યો, રાજા તથા દરબારીઓનાં વ્યક્તિ તથા સમૂહચિત્રો, સંગીત-નૃત્યની મહેફિલનાં દૃશ્યો, ઉપરાંત રામાયણ, ભાગવતપુરાણ, શિવપુરાણ, હરિવંશ, રસિકપ્રિયા, દેવીમાહાત્મ્ય અને પરાજિતહરણનાં ચિત્રો મળી આવ્યાં છે. આ ચિત્રો નવી દિલ્હીના નૅશનલ મ્યુઝિયમ, ચંડીગઢના ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ આર્ટ ગૅલરી, અમદાવાદના એન. સી. મહેતા સંગ્રહ, મૅસેચૂસેટ્સના એસ. સી. કલેક્શન, સ્વિટ્ઝર્લૅન્ડના રીટબર્ગ મ્યુઝિયમ (ઝ્યૂરિક) તથા કેટલાક અંગત સંગ્રહોમાં છે.
તેજસ્વી છતાં સંયત રંગો અને સંવેદનગ્રાહી રેખા પુરખુની વિશિષ્ટતા છે.
અમિતાભ મડિયા