પુનર્નવા મંડૂર (વટી)

January, 1999

પુનર્નવા મંડૂર (વટી) : આયુર્વેદિક ઔષધ. ઔષધોનું સંયોજન : (ભા. પ્ર.; ર. તં. સા.) સાટોડીનાં મૂળ, નસોતર, સૂંઠ, મરી, પીપર, વાવડિંગ, દેવદાર, કઠ, હળદર, હરડે, બહેડાં, આમળાં, ચિત્રકમૂળ, દંતીમૂળ, ચવક, ઇંદ્રજવ, કડુ, પીપરીમૂળ (ગંઠોડા), નાગરમોથ, કાકડા શિંગ, કલૌંજી જીરું, અજમો અને કાયફળ – આ બધી ઔષધિઓ સરખા વજને લઈ, તેનું ચૂર્ણ બનાવી તે ચૂર્ણથી ચોથા ભાગે શુદ્ધ મંડૂર તથા મંડૂર જેટલો ગોળ મેળવીને પાક કરવામાં આવે છે. ગોળ જરા કડક થાય ત્યારે કડાઈ નીચે ઉતારી, ખરલ કરી, તેની વટાણા જેવડી ગોળી કે ટૅબ્લેટ બનાવવામાં આવે છે.

માત્રા : 2થી 4 ગોળી દિવસમાં બે વાર થોડા ગોળ સાથે અપાય છે. તે ઉપર મઠો કે પાણી આપવામાં આવે છે. આમ દોષવાળા કબજિયાતમાં આ દવા સાથે હરડે ચૂર્ણ લેવામાં આવે છે.

ઉપયોગ : આ ઔષધિ વૈદ્યોમાં ખૂબ પ્રચલિત અને વધુ વપરાતી છે. તે ખાસ કરી શરીરના કોઈ પણ અંગના સોજાની ઉત્તમ દવા છે. સોજા ઉપરાંત તે પાંડુ, કમળો, ઉદરરોગ, આફરો, શૂળ, શ્ર્વાસ, ખાંસી, તાવ, બરોળ, હરસ, સંગ્રહણી, કૃમિ, વાતરક્ત (gout) તથા કોઢનો નાશ કરે છે. પ્રાય: હૃદય, કિડની અને લીવર(યકૃત)ની કોઈ પણ અંગની ખામીથી થયેલા સોજા પર આ ઔષધિ કામ કરે છે. કૃમિ, ત્વચાના કેટલાક રોગો અને સફેદ ડાઘના દર્દમાં આ દવા હરડેના ઉકાળા સાથે અપાય છે. વાતવાહિનીઓના વિકારમાં આ દવાની સાથે જો ચંદ્રપ્રભાવટી કે યોગરાજ ગૂગળ અપાય તો વધુ સારું પરિણામ મળે છે. અપચો, મંદાગ્નિ, આંતરડાંની શિથિલતા અને સંગ્રહણીમાં તથા હૃદયની નબળાઈમાં પણ આ ઔષધિ લાંબો વખત પરેજી સાથે (વૈદ્યની સલાહ મુજબ) લેવાથી સારો લાભ થાય છે.

જયેશ અગ્નિહોત્રી