પુણે સાર્વજનિક સભા : મહારાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવનાર કૉંગ્રેસની પુરોગામી સંસ્થા. પુણેમાં 1867માં ‘પૂના ઍસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. ત્રણ વર્ષ પછી 1870માં તેને ‘સાર્વજનિક સભા’ નામ આપવામાં આવ્યું. એનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો હતો. પ્રજાની માગણીઓ સરકાર સમક્ષ મૂકવાનું અને વિવિધ કાયદાઓ પાછળના સરકારના હેતુઓ પ્રજાને સમજાવવાનું કાર્ય એ કરતી હતી. એના માર્ગદર્શક મહાદેવ ગોવિંદ રાનડે હતા. એના મુખ્ય કાર્યકર ગણેશ વાસુદેવ જોશી હતા. તેથી લોકો જોશીને ‘સાર્વજનિક કાકા’ તરીકે ઓળખતા હતા. ગોપાલ નરસિંહ દેશપાંડે એના બીજા કાર્યકર હતા.
સાર્વજનિક સભાએ સૌપ્રથમ કાર્ય પુણેના પર્વતી મંદિરના વહીવટમાં સુધારણા લાવવાનું કર્યું. એ ઉપરાંત, એણે પ્રજામાં રાજકીય જાગૃતિ લાવવાનું અને પોતાના હક્કો માટે બંધારણીય લડત કેવી રીતે ચલાવી શકાય એ શીખવવાનું કામ કર્યું. ઈ. સ. 1876-77ના દુષ્કાળમાં એણે લોકોને ઘણી મદદ કરી. તેના પ્રયાસોને લીધે સરકારે પ્રજા માટે રાહતનાં પગલાં જાહેર કર્યાં અને દુષ્કાળપીડિત ખેડૂતોને છૂટછાટો આપી. સાર્વજનિક સભા અવારનવાર પ્રજાની માગણીઓ સરકાર સમક્ષ લેખિત આવેદનપત્રો દ્વારા રજૂ કરતી. ‘સભા’ દ્વારા ચાલતા ત્રૈમાસિક મુખપત્રમાં ખેતીવિષયક તથા આર્થિક સમસ્યાઓ વિશે અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થતા, જેની નોંધ સરકાર દ્વારા લેવામાં આવતી.
આ સભાએ પુણેના રાજકીય નેતાઓ તથા ચળવળ ચલાવનારાઓને તાલીમ આપવાનું કામ કર્યું. શરૂઆતમાં મહાદેવ ગોવિંદ રાનડે એના મુખ્ય સલાહકાર હતા. રાનડેના મિત્ર ગોપાળ કૃષ્ણ ગોખલે 1891થી 1896 સુધી એના મંત્રી હતા. 1895માં ઉગ્રવાદી નેતા બાળ ગંગાધર ટિળકે એના પર વર્ચસ્ જમાવ્યું ત્યારે રાનડે, ગોખલે અને એમના વિનીત મિત્રોએ, 1896માં સાર્વજનિક સભાથી જુદા પડીને ‘ડેક્કન સભા’ નામની નવી સંસ્થા સ્થાપી. સરકારે પણ 1896માં સાર્વજનિક સભાની માન્યતા પાછી ખેંચી હતી. 1915ની આસપાસ આ સંસ્થાની કામગીરી અને મહત્ત્વ ઓછાં થયાં. 1947માં આઝાદી મળ્યા પછી પણ ભૂતકાળના અવશેષ રૂપે એ સભા કામ કરતી હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી