પુણે વેધશાળા : 1842ના મે મહિનામાં પુણેમાં સ્થાપવામાં આવેલી એક ખાનગી વેધશાળા. એનો સ્થાપક કૅપ્ટન વિલિયમ સ્ટિફન જૅકોબ (1813-1862) નામનો એક અંગ્રેજ ખગોળશાસ્ત્રી હતો. ઈંટો વડે બનેલી આ નાનકડી વેધશાળાની ઇમારતનો આકાર અષ્ટકોણી અને એનું ધાબું અન્ય વેધશાળાઓની જેમ ગુંબજવાળું નહીં, પરંતુ ગડી વાળી શકાય તેવું રાખવામાં આવ્યું હતું. આ ઇમારતમાં 150 સેમી.નું વિષુવવૃત્તીય ડોલોન્ડ (equatorial Dollond) ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું.

1845થી 1848ની વચ્ચેનાં વર્ષોમાં અહીંથી એણે ગુરુના ઉપગ્રહોના ગ્રહણોનાં નિરીક્ષણો કરીને પુણેના રેખાંશ ચોકસાઈથી નિર્ધારિત કરવા ઉપરાંત, શનિનાં વલયોનાં નિરીક્ષણો પણ કર્યાં હતાં અને આ અંગે લંડનની રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી (RAS) સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો. ખગોળશાસ્ત્રમાં જૅકોબનો મુખ્ય રસ, યુગ્મ કે દ્વિતારા (double stars) સંબંધી હતો. આવા 244 તારાઓનું એક (તારા)પત્રક (star catalogue) પણ એણે તૈયાર કર્યું હતું, જેને કારણે એને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી હતી. એવી જ રીતે, વૃશ્ચિક-રાશિમાંના એક ત્રૈવિધ્ય (triplicity) તારા સહિત એણે સંખ્યાબંધ યુગ્મતારાઓની કક્ષા નિર્ધારિત કરતી ગણતરીઓ કરી હતી. એના આ કાર્યની કદર રૂપે બ્રિટનની પ્રખ્યાત રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીએ એને પોતાના માનાર્હ સભ્ય તરીકે ચૂંટ્યો હતો.

1848માં જૅકોબની વરણી મદ્રાસ વેધશાળાના નિયામક તરીકે થતાં તે ત્યાં ગયો અને આ પદે 11 વર્ષ સુધી રહ્યો. અહીં એણે કેટલાંક નવાં ઉપકરણો વસાવ્યાં અને 250 જેટલા યુગ્મતારાઓ અંગે માહિતી એકત્રિત કરી. નરાશ્વ-તારામંડળના જય-તારા(alpha-centauri)ની કક્ષા પણ ગણી કાઢી. એના પુરોગામી નિયામકે તૈયાર કરેલી તારાસૂચિમાં એણે 1440 તારાઓનો ઉમેરો કર્યો. એ કાળે નવા શોધાયેલા નેપ્ચૂન ગ્રહનાં અવલોકનો કરવા ઉપરાંત શનિના ઉપગ્રહોના કક્ષામૂલાંકનનું આકલન કર્યું, તો ગુરુના દ્રવ્યમાનના મૂલ્યમાં સુધારો કર્યો. થોડા સમય પહેલાં શોધાયેલું ‘ક્રેપવલય’ (crepe ring) તરીકે ઓળખાતું શનિનું વલય પારદર્શક હોવાનું પણ એણે શોધ્યું. આ જ શોધ, થોડા સમય બાદ, જૅકોબથી સ્વતંત્રપણે, અંગ્રેજ ખગોળશાસ્ત્રી વિલિયમ લાસેલે (1799-1880) માલ્ટામાં, પોતાના 50.8 સેમી.ના પરાવર્તક ટેલિસ્કોપ વડે કરી હતી.

ચેન્નાઈનાં હવાપાણી જૅકોબને માફક ન આવવાથી એની ઇચ્છા એક મોટી વેધશાળા, પુણે કે પછી બીજા વિકલ્પ તરીકે મુંબઈમાં સ્થાપવાની હતી. આ મહેચ્છા એણે 1852માં રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી સાથે કરેલા પત્રવ્યવહારમાં વ્યક્ત કરેલી જોઈ શકાય છે. મુંબઈમાં, અન્ય વેધશાળાઓ પર નિયંત્રણ કરતી, અને ખાસ તો ચેન્નાઈની વેધશાળા પર નિયંત્રણ કરતી એક મુખ્ય વેધશાળા સ્થાપવાની ભલામણ પણ એણે કરેલી. આ માટેનાં જરૂરી ઉપકરણ, જો શક્ય હોય તો ‘લખનૌ-વેધશાળા’ને નાબૂદ કરીને મુંબઈ લાવવાનું સૂચન પણ એણે કરેલું.

પોતાની નાદુરસ્ત તબિયતને કારણે જૅકોબે ચેન્નાઈ વેધશાળામાંથી રાજીનામું આપ્યું અને પુણે ખાતે એક મોટી વેધશાળા સ્થાપવાના એના જીવનધ્યેયને પૂર્ણ કરવાના કાર્યમાં લાગી ગયો. આ માટે તે ઇંગ્લૅન્ડ પણ ગયો. 1862માં બ્રિટિશ પાર્લમેન્ટ પાસેથી પુણેમાં આશરે 1500 મી. જેટલી ઊંચાઈએ એક ખગોલીય વેધશાળા સ્થાપવા માટેની મંજૂરી અને એ અંગે એક હજાર પાઉન્ડ જેટલું અનુદાન પણ લઈ આવ્યો. ભારત આવતાં પહેલાં એણે આશરે 228 સેમી.નું એક વિષુવવૃત્તીય ટેલિસ્કોપ પણ ખરીદ્યું. પરંતુ, મુંબઈમાં એના આગમનના આઠ જ દિવસ બાદ, પુણે ખાતે 16 ઑગસ્ટ, 1862ના રોજ માત્ર 49 વર્ષની વયે એનું આકસ્મિક અવસાન થતાં, એનું સ્વપ્ન કાયમ માટે અધૂરું જ રહ્યું. એના અવસાન બાદ પુણેની એની ખાનગી વેધશાળા પણ કાળે કરી નામશેષ થઈ ગઈ. આ વેધશાળાનું આયુષ્ય વીસેક વર્ષનું હતું.

સુશ્રુત પટેલ