પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959 (2011) જેટલી છે. રાજ્યના સમગ્ર વિસ્તાર પૈકી આ જિલ્લો આશરે 6% જેટલો ભાગ રોકે છે, જ્યારે રાજ્યની કુલ વસ્તીમાંથી આ જિલ્લાની વસ્તી આશરે 7% જેટલી થાય છે. તેની પશ્ચિમે કોલાબા, વાયવ્યમાં થાણા, ઉત્તર અને પૂર્વ તરફ અહમદનગર, અગ્નિ દિશામાં સોલાપુર અને દક્ષિણમાં સતારા જિલ્લાઓ આવેલા છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લો 16 તાલુકાઓમાં વહેંચાયેલો છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાની સરહદ ત્રિકોણાકારે ગોઠવાયેલી છે, જેનો પાયો પશ્ચિમ તરફ પશ્ચિમ ઘાટની ટેકરીઓથી રક્ષાયેલો છે. અગ્નિ તરફ ભીમા અને નીરા નદીઓનો સંગમ તેનો શિરોભાગ રચે છે. પશ્ચિમ તરફ સહ્યાદ્રિની ટેકરીઓ, ઉત્તર તરફ બાલાઘાટ ટેકરીઓની હારમાળા અને દક્ષિણ તરફ મહાદેવ ટેકરીઓ ભીમા નદીની ઉત્તર ભાગની ખીણ ફરતી વીંટળાયેલી છે. જંગલથી આચ્છાદિત તથા વિપુલ જળરાશિ આપતી પશ્ચિમની ઊંચી ટેકરીઓમાંથી ભૂમિઢોળાવ અગ્નિ દિશા તરફનો બની રહે છે, જે છેવટે અર્ધસૂકા પ્રદેશમાં ફેરવાય છે.
ત્રિકોણાકાર ધરાવતા આ જિલ્લાને ત્રણ ભૂભાગોમાં વહેંચી શકાય છે : (1) ‘ઘાટમાથા’ નામથી ઓળખાતો પશ્ચિમ તરફનો પહાડી પ્રદેશ, જેની પહોળાઈ સ્થાનભેદે 15થી 30 કિમી. વચ્ચેની છે. (2) ‘માવળ’ તરીકે ઓળખાતો ઘાટમાથાથી પૂર્વ તરફનો પ્રદેશ. ટેકરીઓથી વ્યાપ્ત આ પ્રદેશમાં ઘણી નાનીમોટી નદીઓ વહે છે. (3) ‘દેશ’ નામથી ઓળખાતો સપાટ ભૂભાગ. તે જિલ્લાની પૂર્વ અને અગ્નિ દિશા બાજુ સપાટ ઉચ્ચપ્રદેશ રચે છે.
જિલ્લામાં બે પર્વતમાળાઓ છે, જેમાં સહ્યાદ્રિ પર્વતશૃંખલા મુખ્ય છે. તેની લંબાઈ આશરે 120 કિમી. જેટલી છે. તેમાં હરિશ્ચંદ્રગઢ નામનું શિખર સૌથી વધુ ઊંચાઈ (1424 મીટર) ધરાવે છે. બીજી પર્વતમાળા ઓછી ઊંચાઈવાળી છે. અને તે સહ્યાદ્રિથી પૂર્વ અને અગ્નિ દિશા તરફ આવેલી છે; જેમાં નાના-મોટા ડુંગરોનો સમાવેશ થાય છે. તેમાં હરિશ્ચંદ્ર નામના ડુંગર વિભાગમાં આ પર્વતમાળાનું હત્તકેશ્વર નામનું શિખર 1219 મીટરની ઊંચાઈવાળું છે.
જિલ્લાની પશ્ચિમ સીમા પર ઉત્તર તરફ આંધ્ર સરોવર, મધ્યમાં મુળશી સરોવર તથા દક્ષિણમાં નીરા નદીના ઉપરવાસમાં ભાટઘર સરોવર આવેલાં છે. જિલ્લાની મોટા ભાગની નદીઓ સહ્યાદ્રિમાંથી નીકળી પૂર્વ કે અગ્નિ તરફ વહે છે. મુખ્ય નદીઓમાં ઇંદ્રાયણી, ભીમા, પુષ્પાવતી, મૂળા, મૂઠા અને પવનાનો સમાવેશ થાય છે. વીજઊર્જા- પ્રાપ્તિ અને સિંચાઈ માટે મુખ્ય નદીઓ પર બંધ બાંધવામાં આવેલા છે.
આબોહવા : જિલ્લાનું તાપમાન સ્થાન અને મોસમભેદે 60 અને 410 સે. વચ્ચેનું રહે છે; પરંતુ 1980 પછીના દાયકા દરમિયાન જિલ્લાના કેટલાક વિસ્તારોનાં તાપમાનમાં અસાધારણ ફેરફાર થતો જોવા મળેલો છે. વિશેષે કરીને પુણે અને સોલાપુર નગરોના તાપમાનમાં આ ફેરફાર નોંધપાત્ર બની રહેલો છે; તે માટે જંગલોનો નાશ અને ઉદ્યોગીકરણને જવાબદાર લેખવામાં આવે છે. જુદા જુદા તાલુકાઓના સંદર્ભમાં જિલ્લાનો વાર્ષિક વરસાદ 450થી 4310 મિમી. વચ્ચેનો પડે છે. સૌથી વધુ વરસાદ લોનાવલા અને ખંડાલા વિભાગમાં તથા સૌથી ઓછો વરસાદ દૌંડ અને શિરૂર તાલુકાઓમાં પડે છે.
વનસ્પતિ-પ્રાણીજીવન : જિલ્લાનો આશરે 1500 ચોકિમી. વિસ્તાર જંગલોથી છવાયેલો છે. મોટા ભાગનાં જંગલો જિલ્લાના પશ્ચિમ વિભાગમાં આવેલાં છે. તેમાં સાગ, બાવળ, ચંદન, વાંસ, ધેવડા, ઇમારતી લાકડું આપતાં વૃક્ષો, આંબા, બોરડી, લીંબુડી વગેરેનું પ્રમાણ નોંધપાત્ર છે. વન્ય પ્રાણીઓમાં વાઘ, જંગલી સૂવર, રીંછ, ચીતળ, જંગલી બિલાડી, વરુ, સાબર, નીલગાય અને ભેખડી હરણનો સમાવેશ થાય છે; જોકે જંગલોના નાશ સાથે વન્ય પ્રાણીઓનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટતું જાય છે.
ખેતી : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિપ્રધાન છે. આશરે 50% વસ્તી ખેતી અને પશુપાલન પર નભે છે. જિલ્લામાં ખેતીલાયક જમીનનું પ્રમાણ આશરે 10 લાખ હેક્ટર જેટલું છે. ખેતી હેઠળની કુલ જમીનમાંથી આશરે 70% જમીન પર અનાજનું વાવેતર કરવામાં આવે છે. ઘઉં, ડાંગર, જુવાર, બાજરી અને કઠોળ અહીંના મુખ્ય પાક છે. રોકડિયા પાકમાં શેરડી, કપાસ, મગફળી થાય છે. આ ઉપરાંત આ જિલ્લો અંજીરની પેદાશ માટે જાણીતો છે. જુન્નરમાં ફળો અને શાકભાજીનું મુખ્ય બજાર આવેલું છે.
ઉદ્યોગો : ઔદ્યોગિક વિકાસની બાબતમાં આ જિલ્લો રાજ્યમાં મુંબઈ પછીનું બીજા ક્રમનું મોખરાનું સ્થાન ધરાવે છે. મુંબઈપુણે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અનેક ઔદ્યોગિક એકમો ઊભા કરવામાં આવ્યા છે. મહત્ત્વના ઔદ્યોગિક એકમોમાં કિર્લોસ્કર, ગરવારે, ટાટા, બજાજ, ફિલિપ્સ ઇન્ડિયા, ક્રૉમ્પ્ટન ઍન્ડ ગ્રીવ્ઝ હેઠળનાં કારખાનાં ખાનગી ક્ષેત્રમાં તથા હિંદુસ્તાન ઍન્ટિબાયૉટિક્સ અને લશ્કર માટે દારૂગોળાનું ઉત્પાદન કરતા ઘટકો જાહેર ક્ષેત્રમાં વિકસ્યા છે. જિલ્લામાં કુલ નવ ઔદ્યોગિક વસાહતો ઊભી કરવામાં આવી છે, જેમાં નાના પાયા પરના ઉદ્યોગોને પ્રોત્સાહન અપાય છે. જિલ્લામાં સહકારી ધોરણે ઊભાં કરવામાં આવેલાં ખાંડનાં કારખાનાં, વાલચંદનગર ખાતેનું યંત્રસામગ્રીનું ઉત્પાદન કરતું કારખાનું તથા પુણે અને ભોર ખાતેની કાપડની મિલો વિશેષ નોંધપાત્ર છે.
પરિવહન : વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની બાબતમાં પણ આ જિલ્લો મોખરે છે. જિલ્લામાં આશરે 300 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. આશરે 9000 કિમી. લંબાઈના રસ્તાઓ પૈકી આશરે 300 કિમી. અંતરના રાષ્ટ્રીય ધોરી માર્ગો છે અને આશરે 600 કિમી. અંતરના માર્ગો રાજ્યસ્તરના છે. પુણે નજીક લોહગાંવ ખાતે વિમાન-મથક છે.

સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન જ્યાં ટિળક, ગાંધીજી, મોતીલાલ નેહરુ અને અન્ય અનેક રાષ્ટ્રભક્ત નેતાઓને અટકાયતમાં રાખવામાં આવ્યા તે પુણેની ઐતિહાસિક યરવડા જેલ
ઐતિહાસિક-ધાર્મિક સ્થળો : શીત હવામાન ધરાવતાં લોનાવલા અને ખંડાલા જેવાં જાણીતાં ગિરિમથકો તથા પુરંદર, સિંહગઢ, શિવનેરી અને તોરણા જેવા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દુર્ગો આ જિલ્લામાં આવેલાં છે. આ ઉપરાંત કાર્લા, ભાજા અને બેડસા ખાતેની કંડારેલી ગુફાઓ, ભગવદગીતાના ભાષ્યકાર સંત જ્ઞાનેશ્વરનું sસમાધિસ્થાન આળંદી, સંત-કવિ તુકારામનું જન્મસ્થાન દેહુ, મહેરબાબાની યાદ સાથે સંકળાયેલાં મહેર આઝાદ અને મહેર આબાદ જેવાં સ્થળો અને ભારતનાં પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક ભીમાશંકર આ જિલ્લામાંનાં પર્યટકો અને ભક્તજનો માટેનાં આકર્ષણનાં સ્થળો છે.
પુણે (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યનું અતિ પ્રાચીન નગર. સાંસ્કૃતિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, ઐતિહાસિક, વહીવટી અને લશ્કરી દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે. મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક પાટનગર તરીકે પણ તે ઓળખાય છે. તે મૂળા અને મૂઠા નદીઓના સંગમસ્થાને, મુંબઈથી અગ્નિ દિશામાં આશરે 192 કિમી. અંતરે, સમુદ્ર-સપાટીથી 560 મીટરની ઊંચાઈ પર, 18o 30′ ઉ. અ. અને 73o 53′ પૂ. રે. પર આવેલું છે. મહાનગરના પરા-વિસ્તાર સહિત તેનું કુલ ક્ષેત્રફળ આશરે 142 ચોકિમી. છે તથા તેની વસ્તી 44.36 લાખ, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 71.44 લાખ જેટલી (2011) હતી.
પુણે શહેરનું સરેરાશ તાપમાન સામાન્ય રીતે તો 17.2o સે જેટલું રહે છે. મોસમ મુજબ તે 11.66o અને 22.77o વચ્ચે રહ્યા કરે છે. આ શહેર વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું હોવાથી મુંબઈ કરતાં વરસાદ ઓછો પડે છે. 1960માં મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી આ શહેરના ઝડપી ઔદ્યોગિક વિકાસને લીધે તેના તાપમાનમાં ઘણો ફેર પડ્યો છે. 1996ના મે માસમાં તે 42o સે.ની સપાટી સુધી પહોંચી ગયું હતું. આ પહેલા 1897ના એપ્રિલ મહિનામાં 43.30 સે.ની વિક્રમ સપાટી નોંધાઈ હતી.
નગર તરીકેનો તેના ઝડપી વિકાસનો અઢારમી સદીમાં પેશ્ર્વાઓના શાસનકાળ દરમિયાન પ્રારંભ થયો ખરો, પરંતુ વીસમી સદીના મધ્યકાળ સુધી તે મહદ્-અંશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે જ ઓળખાતું રહેલું. 1960 પછી આ શહેરે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી, જોકે તેનો પાયો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નાખવામાં આવ્યો હતો. લોકમાન્ય ટિળકના નેતૃત્વ હેઠળની સ્વદેશી ચળવળે નગરના ઝડપી ઔદ્યોગિક વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ સિવાય મુંબઈ શહેરનું નજીકપણું; ઔદ્યોગિક વિકાસ માટેની આ નગરની અનુકૂળ આબોહવા; મબલખ પાણી, વીજળી, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની સરળ ઉપલબ્ધિ; કુશળ શ્રમિકો મળી રહેવાની સુવિધા વગેરે જેવાં કારણોને લીધે આ નગરે મહારાષ્ટ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની બાબતમાં મુંબઈ પછીનું, એટલે કે રાજ્યમાં બીજા ક્રમનું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 1869-95ના ગાળા દરમિયાન અહીં ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા ઘણા ઔદ્યોગિક એકમો ઊભા કરવામાં આવ્યા છે; જેમાં લશ્કર માટે દારૂગોળાનું ઉત્પાદન કરતો એકમ, ડેક્કન પેપર મિલ્સ, ગુજરાત મૅટલ ફૅક્ટરી, રાવ બહાદુર મોતીલાલ પૂના મિલ્સ, ગરવારે ઔદ્યોગિક સંકુલ, કિર્લોસ્કર ઑઇલ એંજિન્સ, હિંદુસ્તાન ઍન્ટિબાયૉટિક્સ, સાઠે બિસ્કિટ અને ચૉકલેટ ફૅક્ટરી, કિર્લોસ્કર કમિન્સ, કિર્લોસ્કર ન્યુમૅટિક, ગરવારે નાયલૉન્સ, ટેલ્કો, કૂપર એંજિન્સ, સ્વસ્તિક રબર ફૅક્ટરી, બજાજ ટાટા મોટર્સ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા મર્સિડિઝ બેન્ઝ, ફોર્સ મોટ્ર્સ, જગુઆર, ફોક્સ વેગન વગેરે ઑટોમોબાઇલ્સ એકમો આવેલાં છે આથી તેને ભારતનું `Motoer City’ કહેવામાં આવે છે. આ સિવાય સુદર્શન કૅમિકલ્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ શહેરમાં પુણે વિશ્વવિદ્યાલય, ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન સંસ્થાન, નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), ભારતીય ઇતિહાસ સંશોધન મંડળ, ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ જેવી દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતી શૈક્ષણિક અને સંશોધન-સંસ્થાઓ છે. આ ઉપરાંત, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડિયા તથા ગણેશખિંડ ખાતેનું લશ્કરી તાલીમ આપતું કેન્દ્ર પણ આ શહેરમાં છે.
પુણે શહેર વિખ્યાત સમાજસુધારક મહાત્મા જ્યોતિબા ફુલે; અગ્રણી ચિંતકો ન્યાયમૂર્તિ રાનડે, ગોપાળ ગણેશ આગરકર, વિષ્ણુ શાસ્ત્રી ચિપળૂણકર, ગોપાળ કૃષ્ણ ગોખલે; પ્રખર દેશભક્ત લોકમાન્ય ટિળક; સ્ત્રીકેળવણીકાર અને સમાજસુધારક મહર્ષિ કર્વે, કેળવણીકાર આર. પી. પરાંજપે તથા એમ. આર. જયકર; રાજકીય નેતાઓ એન. વી. ગાડગીળ, એસ. એમ. જોષી, ના. ગ. ગોરે વગેરેની કર્મભૂમિ રહી છે.
આ શહેરમાં પર્વતીનું મંદિર, પેશ્ર્વાઓનું નિવાસસ્થાન શનવારવાડા, આગાખાન પૅલેસ, બંડ ગાર્ડન્સ, રજનીશ આશ્રમ વગેરેનો પર્યટકો માટેનાં આકર્ષણસ્થળોમાં સમાવેશ થાય છે. 1942ની સ્વાધીનતાની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી, કસ્તૂરબા ગાંધી તથા મહાદેવભાઈ દેસાઈને આગાખાન પૅલેસમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા, જે દરમિયાન કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું ત્યાં અવસાન થયું હતું.
ભારતનાં અતિપ્રાચીન નગરોમાં તેનો સમાવેશ થાય છે. છેલ્લાં બે હજાર વર્ષથી એક અથવા બીજા કારણસર તેનું મહત્ત્વ અંકાતું રહ્યું છે. મૂઠા નદીના કાંઠા પરથી લાખો વર્ષ જૂનાં પાષાણયુગીન શસ્ત્રો મળી આવ્યાં છે. રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણના જમાનાનાં તામ્રપત્રો તથા થાણાના શિલેદાર રાજા અપરાજિતે આપેલાં તામ્રપત્રો પર આ નગરનો ‘પુણ્ય’, ‘પૂનક’, ‘પુણકવિષય દેશ’ એવાં નામોથી ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પાતાળેશ્વર ગુફા તથા પર્વતીની ટેકરી પરની ગુફા દશમા દાયકાની છે. અલાઉદ્દીન ખિલજીના આક્રમણ પછી આ નગર મુઘલ શાસન હેઠળ રહેલું. 1490 સુધી તે બહામની શાસન હેઠળ, 1636 સુધી નિઝામશાહી અને ત્યારપછી આદિલશાહી શાસન હેઠળ રહ્યું હતું. 1632માં બીજાપુરના સરદાર રાયારાવે આ નગર બાળી નાખ્યું હતું. 1636માં શહાજી ભોંસલેને તે જાગીર તરીકે બક્ષવામાં આવ્યું હતું. 1726માં બાજીરાવ પહેલાને તે ઇનામમાં મળ્યું હતું. ત્યારપછી તે પેશ્ર્વાઓનું નિવાસસ્થાન બન્યું હતું, જેને કારણે મરાઠા સામ્રાજ્યનું તે પાટનગર બન્યું. છત્રપતિ શિવાજીનાં બાળપણનાં કેટલાંક વર્ષો આ નગરમાં વીત્યાં હતાં. 1817માં તેના પર અંગ્રેજોનું શાસન શરૂ થયું. 1856માં ત્યાં મુંબઈ-પુણે વચ્ચેનો પ્રથમ રેલમાર્ગ બનાવવામાં આવ્યો. 1856-57માં નગરપાલિકા સ્થપાઈ. લોકમાન્ય ટિળકની કર્મભૂમિ તરીકે ભારતની આઝાદીની ચળવળમાં આ નગરે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 1881માં ત્યાંથી શરૂ કરેલા ‘કેસરી’ અને મરાઠા’ વૃત્તપત્રોએ તથા ગણેશોત્સવ (1893) અને શિવાજી જયંતી (1895) ઉત્સવોએ ભારતમાં જનજાગૃતિ કેળવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જૂન, 1897માં ચાફેકર બંધુઓએ નગરના પ્લેગ કમિશનર રૅન્ડનું ખૂન કર્યું, તે અંગે લોકમાન્ય ટિળકને 18 માસની સજા ફટકારવામાં આવી હતી. આઝાદી પછી 1954-61 દરમિયાન ગોવાની મુક્તિ માટે જે સંગ્રામ થયો તેમાં પણ આ નગરની ભૂમિકા મહત્ત્વની રહેલી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે