પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત નિર્ણય લઈ શકાયો નહિ. તેથી ઇંગ્લૅન્ડના વડાપ્રધાન રામસે મેકડૉનાલ્ડે 17મી ઑગસ્ટ, 1932ના રોજ કોમી ચુકાદો (Communal Award) જાહેર કર્યો. આ ચુકાદામાં પછાત વર્ગોને પણ હિંદુઓથી અલગ મતદાર મંડળો આપવામાં આવ્યાં. પછાત વર્ગોને હિંદુઓથી અલગ પાડવાની અંગ્રેજોની આ ચાલથી રાષ્ટ્રીય એકતાને નુકસાન થાય તેમ હતું; તેથી ગાંધીજીએ અંગ્રેજ સરકારને ચેતવણી આપી કે જો 20મી સપ્ટેમ્બર સુધીમાં આ જોગવાઈ પાછી નહિ ખેંચાય તો તેઓ તે દિવસથી પુણેની યરવડા જેલમાં આમરણાંત ઉપવાસ પર ઊતરશે.

સરકારે જોગવાઈ પાછી ન ખેંચી. તેથી ગાંધીજી પુણેમાં 20મી સપ્ટેમ્બર, 1932થી આમરણાંત ઉપવાસ પર ઊતર્યા. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા કૉંગ્રેસ અને પછાત વર્ગના નેતાઓ પુણેમાં મળ્યા; જેમાં પંડિત મદનમોહન માલવિયા, ડૉ. ભીમરાવ આંબેડકર, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા), સરોજિની નાયડુ, જયકર, બિરલા, હૃદયનાથ કુંઝરુ, ચૂનીલાલ મહેતા વગેરેનો સમાવેશ થતો હતો. આ નેતાઓએ ચર્ચાવિચારણા કરીને એક સર્વસંમત સમજૂતી ઘડી કાઢી, જેમાં અંગ્રેજ સરકારે કોમી ચુકાદામાં પછાત વર્ગોને ધારાસભાઓમાં જેટલી અનામત બેઠકો આપી હતી તેના કરતાં પણ વધારે એટલે કે બધા પ્રાંતોમાં મળીને કુલ 148 બેઠકો સામાન્ય મતદાર મંડળોમાં આપવાનું નક્કી કર્યું. પછાત વર્ગના સભ્યો દરેક મતદારમંડળમાં ચાર ઉમેદવારોની ચૂંટણી કરે, જેમાંથી એકની ચૂંટણી સામાન્ય મતદારમંડળ કરે એવું ઠરાવવામાં આવ્યું. ભવિષ્યમાં કેન્દ્રીય ધારાસભામાં સામાન્ય મતદારમંડળોના ફાળે જેટલી બેઠકો આવે તેના 18 % બેઠકો પછાત વર્ગો માટે અનામત રાખવી એવો નિર્ણય લેવામાં આવ્યો. આમ, પછાત વર્ગોને કોમી ચુકાદામાં જેટલી અનામત બેઠકો મળી હતી તેના કરતાં પણ વધારે બેઠકો સામાન્ય મતદારમંડળોમાં આપીને એમને સંતોષવામાં તથા મનાવી લેવામાં આવ્યા. આ સમજૂતીથી ડૉ. આંબેડકર જેવા હરિજન નેતાઓ કોમી ચુકાદામાંનો હરિજનો માટેનો અલગ મતાધિકાર જતો કરવા તૈયાર થયા.

25મી સપ્ટેમ્બરે ઉપર દર્શાવેલ નેતાઓએ પુણે સમજૂતી પર સહી કરી અને 26મી સપ્ટેમ્બરે અંગ્રેજ સરકારે એનો સ્વીકાર કર્યો. તેથી ગાંધીજીએ એમના આમરણાંત ઉપવાસ છ દિવસના અંતે છોડ્યા. ગાંધીજીના ઉપવાસનો અંત આવવાથી દેશમાં રાહતની લાગણી ફેલાઈ. પુણે કરારથી ગાંધીજીના પ્રભાવમાં વધારો થયો અને ઉપવાસ એક સબળ રાજકીય શસ્ત્ર તરીકે પુરવાર થયું.

મુગટલાલ પોપટલાલ બાવીસી