પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો અને જર્મન લોકોના હાથમાં કેદી બન્યો. 1918માં તે ત્યાંથી નાસી છૂટ્યો અને મૉસ્કો આવીને તેણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યો.
સિનેમાના જાદુથી અંજાઈને 1920માં તે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયો. ફિલ્મના અભ્યાસની સાથે સાથે તેણે અભિનય, દિગ્દર્શન, પટકથા-લેખન, છબીકલા વગેરેમાં પણ રુચિ દર્શાવી. 1922માં નામાંકિત ફિલ્મ-સર્જક કુલેશોવ તેના શિક્ષક હતા. 1925માં તેણે પોતાની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ ‘મિકૅનિક્સ ઑવ્ બ્રેઇન’નું નિર્માણ કર્યું. આ ફિલ્મ 1926ના નવેમ્બર માસમાં પ્રસ્તુત થઈ. આ અગાઉ તેની બે ફિલ્મો ‘ચેસ ફીવર’ અને ‘મધર’ પ્રદર્શિત થઈ ચૂકી હતી. આ બે ફિલ્મોએ તેને એક ઉત્તમ ફિલ્મ-સર્જકની હરોળમાં મૂકી દીધો. ત્યારબાદ ‘ધી એન્ડ ઑવ્ સેંટ પીટર્સબર્ગ’ અને ‘સ્ટૉર્મ ઓવર એશિયા’ ફિલ્મોએ તેને આંતરરાષ્ટ્રીય નામના અપાવી. પુડોફકિને ત્યારબાદ ફિલ્મ-શિક્ષણ અને આયોજનકલા ઉપર બે પુસ્તકો લખ્યાં, જેમનાં નામ હતાં ‘ફિલ્મ-ટૅક્નિક’ અને ‘ફિલ્મ-ઍક્ટિંગ’. પુડોફકિનની વિશેષતા હતી ફિલ્મ-સંકલનમાં. આજે પણ વિશ્વભરમાં ફિલ્મના વિદ્યાર્થીઓને તેની ફિલ્મો દ્વારા સંકલનની પ્રક્રિયાનો અભ્યાસ કરાવવામાં આવે છે. 1935માં એક કાર અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો, પણ પછી સાજો થઈ ગયો. 1938માં ફરી તેણે ફિલ્મ-નિર્માણ શરૂ કર્યું. 1941 અને 1947માં તેની ફિલ્મોને સ્ટાલિન પુરસ્કાર મળ્યો હતો. 1953માં ‘ઑર્ડર ઑવ્ લેનિન’ના ખિતાબથી તેને સમ્માનિત કરવામાં આવ્યો હતો.
પીયૂષ વ્યાસ