પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા) : ભારતની પ્રમુખ સમાચાર- સંસ્થા. 27-8-1947ના રોજ સરદાર પટેલના સહયોગથી સ્થપાયેલી આ સંસ્થાએ 1 ફેબ્રુઆરી, 1949થી અંગ્રેજીમાં સમાચારો આપવાનો આરંભ કર્યો. તે વખતે આ સંસ્થાનું નામ એ.પી.આઇ. (એસોસિયેટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયા) હતું. દેશભરનાં સમાચાર-પત્રો, સરકારી કચેરીઓ, માહિતીખાતું, રાજ્યપાલનું નિવાસસ્થાન, મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન, દૂરદર્શન, આકાશવાણી – આ બધાં સ્થળોએ ટેલિપ્રિન્ટર મારફત સમાચારો પહોંચતા હોય છે. જોકે પી.ટી.આઈ. સમાચારસંસ્થા દ્વારા મોકલવામાં આવતા સમાચારોનો મહત્તમ ઉપયોગ ભાષાનાં અખબારો કરતાં હોય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં સમાચારસંસ્થાનું ક્ષેત્ર વ્યાપક અને બહોળું હોય છે અને તેથી દેશનાં તમામ મોટાં શહેરો અને રાજ્યોની રાજધાનીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત વિશ્વના પ્રત્યેક મોટા દેશની રાજધાનીમાં પી.ટી.આઈ.ના સંવાદદાતા હોય છે. તેના ટેલિપ્રિન્ટર ઉપર રાજકીય, આર્થિક, વાણિજ્યિક, સામાજિક તથા વિકાસ સંબંધી સમાચારો સતત તાર-સ્વરૂપે ઊતરતા રહે છે. સમાચારોના આદાન-પ્રદાન માટે તેણે રૉઇટર, એ.એફ.પી., યુ.પી.આઈ. જેવી આંતરરાષ્ટ્રીય સમાચારસંસ્થાઓ સાથે જોડાણ કરેલું છે.
પી.ટી.આઈ.એ 1980માં ફીચર-સેવાનો આરંભ કર્યો. તેમાં કૃષિ, અર્થકારણ, ટૅક્નૉલૉજી, વિજ્ઞાન જેવા વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.
1980માં જ લોકસભાની ચૂંટણીના સમાચાર આપવા પી.ટી.આઈ.એ પ્રથમ વખત કમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો અને ’90ના દાયકામાં ટેલિપ્રિન્ટરનું સ્થાન પણ ઇલેક્ટ્રૉનિક પ્રિન્ટરે લીધું. એસોસિયેટેડ પ્રેસ(એ.પી.)ના સહયોગથી પી.ટી.આઈ. હાલ દેશ-વિદેશની તસવીરો પણ સમાચારપત્રોને પહોંચાડે છે.
પી.ટી.આઇ.એ 18મી એપ્રિલ 1986ના દિવસથી તેની હિંદી સમાચાર સેવા ‘ભાષા’નો પ્રારંભ પણ કર્યો છે.
અલકેશ પટેલ