પીળી નસનો રોગ : ભીંડાના પાનમાં ખૂબ જ સ્પષ્ટ પીળી નસનાં લક્ષણો પેદા કરતો વિષાણુજન્ય રોગ. આ વિષાણુઓ જ છોડની બીજ-પર્ણ અવસ્થાથી તે છોડની પરિપક્વ-અવસ્થા સુધીની કોઈ પણ અવસ્થામાં પાન પર આક્રમણ કરે છે. ભીંડાના પાકમાં ભારતનાં બધાં રાજ્યોમાં સૌથી વિશેષ નુકસાન કરતો આ રોગ છે.
પાન પર વિષાણુનું આક્રમણ થતાં પાનની બધી જ નસો પીળી થઈ જાય છે. તીવ્ર આક્રમણમાં નવાં પાન નાનાં રહે છે અને છોડ બટકો રહે છે. ખેતરમાં મોટાભાગના છોડ રોગિષ્ઠ બને છે. છોડ ઉપર ફૂલનું પ્રમાણ ઘટી જવાથી ઉત્પાદન ખૂબ ઓછું મળે છે. તંદુરસ્ત છોડની સરખામણીમાં રોગિષ્ઠ છોડ ઉપર શિંગ ઓછી બેસે છે. જે શિંગ બેસે છે તે ઓછી ગુણવત્તાવાળી, નાની, પીળી, વિકૃત અને કઠણ માવાવાળી હોય છે. આ રોગથી 50 %થી 100 % જેટલું નુકસાન થાય છે.
બેમિસિયા ટેબેસી (Bemisia tabaci) નામના મોલો પ્રકારની જીવાત વિષાણુના વાહક તરીકે કામ કરે છે; તેથી શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરી વાહકને કાબૂમાં રાખી આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ