પીળક (Golden Oriole) : ભારતનું નિવાસી પંખી. તે સોના જેવું પીળું દેખાય છે. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Oriolidae કુળમાં થાય છે. તેનું શાસ્ત્રીય નામ Oriolus oriolus છે.
તેનું કદ કાબર જેવડું, 22 સેમી.નું હોય છે; પણ જરા તે દૂબળું લાગે છે. નર અને માદાના રંગમાં થોડો ફરક હોય છે. નર તો ચાંચના મૂળથી પૂંછડીના છેડા સુધી આખો પીળો હોય છે. તેની પીળાશ મખમલ જેવાં સુંવાળાં ચમકતાં પીળાં પીંછાંને આભારી હોય છે. ઘેરી ગુલાબી ચાંચ, ઘેરી લાલ આંખ તથા ઘેરા આસમાની પગને કારણે તે સુંદર લાગે છે. આમ આ પંખી સુંદર રંગોથી શોભે છે. કુદરતે તેની પીળા રંગની શોભા વધારવા જાણે પાંખ અને પૂંછડીમાં કાળો રંગ આપ્યો છે. પૂંછડીની વચ્ચે કાળો પટ્ટો હોય છે. પાંખો કાળી હોય છે, પણ તેમાં પીળી રેખાઓ અને પીળા પટ્ટા હોય છે. આંખમાં જાણે અંજન આંજ્યું હોય તેમ ચાંચના મૂળથી શરૂ થતી કાળી રેખા બીજા છેડે પાછળ નીકળે છે. આ તેને ઓળખવાની નિશાની છે.
માદાનો રંગ પાંખો પણ ભૂખરો હોય છે અને તેમાં લીલી રેખાઓ હોય છે. તેની પૂંછડી કાળાશ પડતી ભૂખરી હોય છે. તેના છેડા પીળા હોય છે. નીચેના ભાગમાં, પેટાળ વગેરેમાં પીળાશ પડતો ધોળો રંગ હોય છે અને તેમાં ઊભી ભૂખરી રેખાઓ જોવા મળે છે.
પીળક રૂપાળું હોવા ઉપરાંત તેનો અવાજ પણ મધુર હોય છે. તે સીટી જેવો અવાજ કાઢે છે; તે ‘ઇયોઇ’ કે ‘પીલોલો’ જેવા બોલ કાઢે છે. પીળકને ઘટાદાર ઝાડી અતિ પ્રિય છે. શિયાળે, ઉનાળે ઉત્તર-દક્ષિણ ભારત તરફ તે વિહાર કરીને આવે છે. ઉનાળે આંબા પાકે ત્યારે તે નજરે પડે છે. આ વખતે નર અને માદાનો પીળો રંગ આંબાના પાનના રંગ સાથે ભળી જતો હોવાથી લોકો તેને ‘મૅન્ગો બર્ડ’ ‘આમ્રપંખી’ કહે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં તે કાયમ જોવા મળે છે. વળી તે યુરોપ, એશિયા અને આફ્રિકામાં પણ નજરે ચડે છે.
જમીનથી 6 મીટર ઊંચે પાસે-પાસેની બે ડાળીઓ સાથે ચાર છેડા ગૂંથીને માદા ઝોળી જેવો એવો ઊંડો સુંદર માળો બનાવે છે કે તેમાં આખું પંખી રહેતું હોય છતાં દેખાય નહિ. તે માળો બનાવવામાં ઘાસ, ઝાડની છાલ, છાપાના ટુકડા, ચીંથરાં, સાપની કાંચળી ને દોરાનો ઉપયોગ કરે છે. તે સાવ સફેદ, અંદરથી કાળાં છાંટણાંવાળાં 2થી 4 ઈંડાં મૂકે છે. માળો એવો મજબૂત તૈયાર કરે છે કે પવનથી ઈંડાં કે બચ્ચાં પડે નહિ. નર અને માદા બંને તેમને 14-15 દિવસ સુધી સેવીને માળો તજી દે છે.
ઊડવામાં તે ઝડપી હોય છે અને લાંબું ઊડી શકે છે. એનો મુખ્ય ખોરાક જીવડાં અને ફળો, પીપળના પેપા, વડના ટેટા, અંજીર વર્ગનાં ફળો વગેરે છે. ખેતીને નુકસાન કરતી ઇયળો અને અનેક જીવાતનો તે નાશ કરતું હોવાથી સરકારે તેના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા