પીબલ્સ, જેમ્સ (Peebles, James) (જ. 25 એપ્રિલ 1935, વિનપેગ, કૅનેડા) : ભૌતિક બ્રહ્માંડ-વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધો માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ મિશેલ મેયર તથા ડિડયેર કેલોઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
જેમ્સ પીબલ્સે યુનિવર્સિટી ઑવ મેનિટોબા, કૅનેડામાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ 1958માં તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ભૌતિકશાસ્ત્રી રૉબર્ટ ડીકના માર્ગદર્શન હેઠળ 1962માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં જ રહ્યા. 1964થી પીબલ્સનું મોટા ભાગનું સંશોધનકાર્ય ભૌતિક બ્રહ્માંડ-વિજ્ઞાનના ક્ષેત્રે છે. તે સમયે આ ક્ષેત્રનું કોઈ ખાસ મહત્ત્વ જણાતું ન હોવાથી તેમાં વિશેષ રસ દર્શાવાતો નહીં, પરંતુ પીબલ્સ આ ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે પ્રતિબદ્ધ હતા. બિગ બૅન્ગ મૉડલમાં તેમણે અતિ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે બ્રહ્માંડના માઇક્રોવેવ પૃષ્ઠભૂ વિકિરણ(cosmic microwave background radiation)નું અનુમાન કર્યું. તેમણે ‘ડાર્ક’ દ્રવ્ય તથા ‘ડાર્ક એનર્જી’ જેવા અગ્રતમ અને નવીન ક્ષેત્રોમાં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું. તેમણે બ્રહ્માંડ-વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક આધુનિક સંશોધનો માટેનો પાયો નાખ્યો તથા એક અત્યંત કાલ્પનિક ક્ષેત્રને એક નિશ્ચિત, પરિશુદ્ધ વિજ્ઞાનમાં ફેરવ્યું. બ્રહ્માંડ-વિજ્ઞાનમાં જે પાયાના ખ્યાલો અને સિદ્ધાંતો છે તેમાં પીબલ્સનું મહત્ત્વનું યોગદાન છે.
પૂરવી ઝવેરી