પિળ્ળૈ, કેનિક્કટ પદ્મનાભ (જ. 1898; અ. 1976) : મલયાળમ નાટ્યકાર. પિળ્ળૈ કેનિક્કટ કુમાર અને પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ – એ બે સર્જકબંધુઓ મલયાળમ સાહિત્યમાં પ્રહસનશૈલીથી નાટકને ઉન્નત કક્ષાએ લઈ જવાના પ્રયત્નો કરવા માટે જાણીતા થયા છે.
‘કાલવરિથિલે કલ્પપાદમ્’, ‘વેલુત્તમ્પિ દલવા’, ‘અગ્નિપંજરમ્’, ‘વિધિમંડપમ્’ વગેરે પદ્મનાભ પિળ્ળૈનાં જાણીતાં નાટકો છે. ઈસુની મૃત્યુકથા માટે મુખ્યત્વે બાઇબલનો તેમજ કોરેલીની ‘બારાબ્બાસ’ની કથાનો આધાર લઈ તથા તેમાં પોતાની મૌલિક પ્રતિભાશક્તિથી ઉચિત ફેરફારો કરીને પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભે ‘કાલવરિથિલે કલ્પપાદમ્’ નાટક તૈયાર કર્યું હતું અને તે ઘણું પ્રખ્યાત થયેલું છે. ‘વેલુત્તમ્પિ દલવા’ તેમણે રચેલું ઐતિહાસિક નાટક છે. બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર બળવામાં ભાગ લઈ પ્રતિકાર કરનાર અને વીરોચિત મૃત્યુ વહોરી લેનારા ભારતવાસીઓમાંના એક વેલુત્તમ્પિ દલવા હતા. તેનું કથાવસ્તુ પ્રસ્તુત નાટકમાં ગૂંથવામાં આવ્યું છે.
‘અગ્નિપંજરમ્’, ‘વિધિમંડપમ્’ વગેરે નાટકો સમકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખાયાં છે. માનવીના મનમાં જે કંઈ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ અસ્તિત્વ ધરાવે છે તે પરિસ્થિતિઓ માનવીના જીવનને કેવી રીતે વશમાં રાખે છે તથા તેના ભાવિને અસર કરે છે તેનો મર્મ રજૂ કરતાં આ સામાજિક નાટકો છે.
રમેશ મં. ત્રિવેદી