પિળ્ળૈ ઇડિપલ્લી રાઘવન

January, 1999

પિળ્ળૈ, ઇડિપલ્લી રાઘવન (. 30 મે, 1909, ઇડિપલ્લી, ત્રિવેન્દ્રમ્; . જુલાઈ, 1936 કોલ્લમ, કેરાલા) : મલયાળમ લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ઇડિપલ્લીમાં; ઉચ્ચશિક્ષણ ત્રિવેન્દ્રમમાં. નાનપણથી જ કાવ્યવાચનનો શોખ. કૉલેજમાં હતા ત્યારથી કાવ્યરચનાની શરૂઆત. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી અને બીજી પારાવાર સમસ્યાઓ જીવનને વિષમય બનાવી દેતી હતી. એમણે કાવ્યલેખનના પ્રારંભકાળમાં જ પ્રતિષ્ઠા મેળવી. એ ઘણા જ સંવેદનશીલ હતા. એમની પ્રણયિનીએ એમને છેહ દીધેલો અને તેથી ઘેરી નિરાશામાં એમણે આત્મહત્યા કરેલી.

એમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. ‘તુષારહારમ્’ (1932) નામના પ્રથમ કાવ્યસંગ્રહમાં પ્રકૃતિકાવ્યો છે. કવિએ પ્રકૃતિનાં વિવિધ રૂપોનું સૌદર્યદર્શન કવિતામાં કરાવ્યું છે. જીવનમાં ઘેરા વિષાદના અનુભવને કારણે પ્રકૃતિ એમને આત્મીયતાનો અનુભવ કરાવે છે. એમનાં ઘણાં કાવ્યોમાં પ્રકૃતિની મનોહારિતાનું વર્ણન કરતાં કરતાં તેઓ માનવને ઈશ્વરનાં વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવે છે. એમના દ્વિતીય કાવ્યસંગ્રહ ‘નવસૌરભમ્’(1933)માં હતાશા, વિષાદ તથા કારુણ્યસભર કાવ્યો છે. એમાં એક તરફ ઘેરી વેદના છે, તો બીજી તરફ માનવના વ્યવહાર તરફ ઉગ્ર રોષ પણ છે. એમનો ત્રીજો સંગ્રહ ‘મણિનાદમ્’ આત્મહત્યાના થોડા સમય પહેલાં પ્રગટ થયો હતો, જેમાં ભાવુકતા છે. એક રીતે કહીએ તો એમાં વિલાપકાવ્યો છે. 27 વર્ષની યુવાન વયે એમની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી.

ચન્દ્રકાન્ત મહેતા