પિળ્ળે, પી. કે. નારાયણ (જ. 25 ડિસેમ્બર 1910, તિરુવલ્લા, કેરળ; અ. 20 માર્ચ, 1990) : કેરળના સંસ્કૃતના કવિ અને પંડિત. તેમને તેમની કૃતિ ‘વિશ્વભાનુ’ (મહાકાવ્ય) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમણે સંસ્કૃત અને મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી 1944માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં પીએચ.ડી. થયા. 1945માં યુનિવર્સિટી કૉલેજ, ત્રિવેન્દ્રમ્ ખાતે સંસ્કૃતના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. છેલ્લે તેઓ કેરળ યુનિવર્સિટી ખાતેથી પ્રાધ્યાપક અને મલયાળમ વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા. કેરળ યુનિવર્સિટીમાં પ્રાચ્યવિદ્યાની વિદ્યાશાખાના ડીન તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.
સંસ્કૃતમાં તેમના 12 ગ્રંથો પ્રગટ થયા છે. તેમાં ભાષાંતરના 2 છે. તેમણે ‘લઘુભાસ્કરીય’ અને ‘વિષ્ણુવિલાસ’ જેવી મૂળ સંસ્કૃત કૃતિઓનું સંપાદન કર્યું છે. તેમને સંખ્યાબંધ સન્માન અને ઍવૉર્ડો પ્રાપ્ત થયાં છે. તેમની પુરસ્કૃત કૃતિને ઉત્તરપ્રદેશ સંસ્કૃત અકાદમી દ્વારા કાલિદાસ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
સ્વામી વિવેકાનંદના જીવનનું મહાકાવ્યોચિત નિરૂપણ, આધુનિક ચેતનાનો પ્રશિષ્ટ કાવ્યસ્વરૂપ સાથેનો સુમેળ, વિવિધ છંદોનો કૌશલ્યપૂર્ણ વિનિયોગ તથા સરળ પ્રવાહી શૈલી જેવી વિશેષતાઓને કારણે પુરસ્કૃત કૃતિ વખણાઈ છે.
બળદેવભાઈ કનીજિયા