પિલ્લાઈ, કે. જી. શંકર (. 1948, ચાવરા, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કે. જી. શંકર પિલ્લાઈયુડે કવિતકળ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલનો કાર્યભાર સંભાળ્યો. હાલ તેઓ કોચ્ચી ખાતે ગવર્નમેન્ટ મહારાજા કૉલેજ, એર્નાકુલમના પ્રિન્સિપાલપદે છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1981માં પ્રગટ થયો. તેમણે કુલ 3 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે; તેમાં ‘કોચિયિલે વૃક્ષાંગલ’ અને ‘કે. જી. શંકર પિલ્લાઈયુડે કવિતકલ’ મુખ્ય છે. તેમણે સમકાલીન કવિતા, ફેમિનિસ્ટ પોએમ્સ અને હ્યૂમન રાઇટ્સ ડૉક્યૂમેન્ટ્સ નામક કૃતિઓનું સંપાદન કર્યું. તેમને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયાં છે.

કે. જી. શંકર પિલ્લાઈ

તેમની પુરસ્કૃત કૃતિ ‘કે. જી. શંકર પિલ્લાઈયુડે કવિતકળ’માં કવિનાં દૃષ્ટિ-વિસ્તાર, કલ્પનાની વિપુલતા અને સજીવતા, ભાવનાશીલ અનુભવોની તીવ્રતા, ઉદ્દેશની ગંભીરતા, સમકાલીન પરિસ્થિતિઓમાં વિરોધાભાસ સામે વ્યંગ્યગર્ભિત હાસ્ય, વ્યાપક માનવતાનાં મૂલ્યો પ્રત્યેની બદ્ધતા, માનવોચિત પ્રતિષ્ઠામાં તીવ્ર વિશ્વાસ, પરિસ્થિતિવિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને કારણે પેદા થતા સંઘર્ષોના સંદર્ભમાં માનવજાતના અસ્તિત્વના એકમાત્ર ઉદ્દેશ પ્રત્યેની ઊંડી જાગરૂકતાને કારણે આ કૃતિનું ભારતીય કવિતાસાહિત્યમાં અનન્ય સ્થાન રહ્યું છે.

બળદેવભાઈ કનીજિયા