પિલ્લઈ, કે. એસ. (Pillai K. S.) (જ. 13 જુલાઈ 1919, માવેલિક્કારા, જિલ્લો એલાપ્યુઝા, કેરળ; અ. 20 એપ્રિલ 1978, તિરુવનન્તપુરમ્) : મલયાળમ સામયિકોના પ્રથમ કાર્ટૂનિસ્ટ કલાકાર. માવેલિક્કારા ખાતેની રાજા રવિવર્મા સ્કૂલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોટ્ટાયમથી પ્રકાશિત થતાં સામયિકો ‘મલયાળા મનોરમા’ તથા ‘દેશબંધુ’માં પિલ્લઈ દ્વારા સર્જાયેલા રાજકીય વ્યંગ્ય, કટાક્ષ તથા ટીકા કરતાં કાર્ટૂનો છપાવાં શરૂ થયાં. માત્ર રાજકીય કટાક્ષ-ટીકા માટે જ પ્રકાશિત થતા એ પ્રકારના પ્રથમ મલયાળમ સામયિક ‘સારાસન’(Sarasan)માં પણ તેમનાં કાર્ટૂનો છપાતાં, સાયસનને ખૂબ સફળતા મળી. ઉપરાંત કોઝીકોડથી પ્રકાશિત થતા દૈનિક અખબાર ‘ચંદ્રિકા’ તથા સામયિક ‘નર્મદા’માં પણ તેમનાં કાર્ટૂનો છપાવાં શરૂ થયેલાં. આ બધાં જ સામયિકો-અખબારોનું વેચાણ વધવા માટે પિલ્લઈનાં કાર્ટૂનો કારણભૂત હતાં, જેમાંથી તીવ્ર કટાક્ષ અને હાસ્ય હંમેશાં નીપજતાં. ભારતમાં સર્વપ્રથમ કાર્ટૂન-ફિલ્મ બનાવવા માટે તેઓ ‘જેમિની’ સ્ટુડિયોમાં પણ જોડાયા. 1976માં તેમનું સન્માન `પદ્મવિભૂષણ’ ખિતાબથી કરાયું હતું. તેઓ કેરાલા લલિત કલા અકાદમીના પણ સભ્ય હતા.
અમિતાભ મડિયા