પિયો પુતર : સુરિન્દરસિંહ નરૂલાની નવલકથા. તેની ગણના પંજાબીની ઉત્કૃષ્ટ કૃતિ તરીકે થાય છે. એમાં કથા આવી છે : હરિસિંહ અને શિવકૌર એમનાં માબાપ મરી ગયાં છે એમ જ માનતાં હતાં. હરિસિંહ એનાં નાના-નાનીને ત્યાં ઊછરે છે અને શિવકૌરને એના મામાને ત્યાં લાહોરમાં લઈ જવાય છે. હરિસિંહના નાના જાણીતા વૈદ હતા અને હરિસિંહને ભણાવવાને બદલે દવા ઘૂંટવાનું અને ઔષધિઓ તૈયાર કરવાનું કામ સોંપ્યા કરે છે. એક વાર હરિસિંહને એની નાની કોઈ પૂજારી જોડે ગુસપુસ કરતાં હતાં તે સાંભળતાં ખબર પડી કે એક નાગ ઘરમાં દાટેલા ખજાનાનું રક્ષણ કરતો હતો. તે હરિસિંહના પિતાએ જોયો અને એના કટકા કરી નાખ્યા, એથી નાનાએ ગુસ્સે થઈ એના પિતાની ગળચી દાબી દીધેલી અને એ રીતે પિતાનું મૃત્યુ થયેલું. આ સાંભળી હરિસિંહને નાના તરફ ઘૃણા જન્મી. નાનાના એક દર્દી મિત્ર એકાએક માંદા પડ્યા ને મરી ગયા. એટલે એની નમાયી દીકરી સુરિન્દરને નાના ઘરમાં લઈ આવ્યા. હરિસિંહ ને સુરિન્દરનાં લગ્ન લેવાયાં. નાના અચાનક માંદા પડ્યા ને મરી ગયા. એના મામાએ શિવકૌરને એક ઘરડા માણસ સાથે પૈસાને લોભે પરણાવી. હરિસિંહ લાહોર રહેવા આવ્યો. ત્યાં એણે જોયું કે શિવકૌર સાધુ-સંતોની ખૂબ સેવા કરતી હતી. એક વાર એક સાધુ જોડે શિવકૌર ખૂબ આત્મીયતા દર્શાવતી હતી. તે વખતે ખબર પડી કે એ સાધુ તો ક્રાન્તિકારી હતો અને એણે તથા હરિસિંહના પિતાએ અંગ્રેજોની સામે બંડ પોકાર્યું હતું ને અમલદારોની હત્યા કરી હતી. તેને પહેલાં તો એક ઘરમાં સંતાડી રાખ્યો, પછી મલાયા મોકલી દીધો હતો અને ત્યાંથી હરિસિંહના પિતાએ જ આ સાધુ જે પણ ક્રાન્તિકારી હતો તેને મોકલ્યો હતો. હરિસિંહના નાનાએ, એને મલાયા મોકલી આપવાની વાત ફેલાવી હતી. આમ, કથામાં છેવટે રહસ્યસ્ફોટ થાય છે, ને પેલા સાધુ દ્વારા હરિસિંહનો બાપ દેશ સ્વતંત્ર થયો એટલે થોડા સમયમાં આવશે એવો સંદેશ મોકલે છે. આખી કથા હરિસિંહના આત્મકથન રૂપે છે.
ચન્દ્રકાન્ત મહેતા