પિયર જિન્ટ (1867) : નૉર્વેના નાટ્યકાર હેન્રિક ઇબ્સનનું પદ્યનાટક. ત્યાંની એક લોકકથા પર આધારિત એનાં જે બે નાટકો ગણાયાં છે તેમાં ‘બ્રાન્ડ’ ઉપરાંતનું આ બીજું મહત્વનું નાટક છે. સ્વકેન્દ્રી, ઉછાંછળો, ઘમંડી પિયર જિન્ટ પોતાની જાતને બહુ મહાન અને સંવેદનશીલ માનતો હતો, પણ જીવનના અંતે અનેક દુ:સાહસો પછી સમજે છે કે ડુંગળીનાં પડ ઉખેડતાં જેમ છેલ્લે કંઈ બાકી રહેતું નથી તેમ, તેનું વ્યક્તિત્વ પણ શૂન્ય જ છે. નાનપણથી પાડોશીઓને પજવતો મોઢે ચડાવેલો આ કિશોર મોટો થઈને એકની નવવધૂને પર્વતોમાં ઉપાડી જાય છે; ગ્રામજનો પાછળ પડ્યા ત્યારે એને છોડીને બીજી ત્રણ છોકરીઓ સાથે પર્વતની ટોચે નૃત્ય આરંભે છે. એનાં દુ:સાહસોમાં એ નોકરીઓ અને ધંધાઓ બદલે છે, અનેકોને છેતરે છે; બે દેશો વચ્ચેના સંઘર્ષમાં એકમાં બળવો કરાવી સામા દેશને નાણાં ધીરે છે, કારણ કે એને સમગ્ર જગતના સમ્રાટ બનવું હતું. અંદરથી એનું ખોખલું વ્યક્તિત્વ સાલ્વીગ નામની યુવતીના સાચા પ્રેમને સમજી શકતું નથી. એનેય નવજાત બાળકી સાથે તરછોડીને એ વ્યર્થ મહત્ત્વાકાંક્ષાઓમાં વેડફાવા ચાલ્યો જાય છે. છેવટે એક બટન બનાવવાવાળો જ્યારે એને ધાતુની જેમ ઓગાળીને બીબામાં રેડવાની વાત કરે છે ત્યારે એની આંખ ઊઘડે છે, કે એ ખુદ તો ક્યારેય કંઈ જ નહોતો. જીવનના આવા દ્વિતીય કક્ષાના પાત્રત્વ પર પદ્યમાં આકરો કટાક્ષ કરતું આ નાટક ખૂબ પ્રખ્યાત બન્યું હતું; એનો અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયો હતો. જાણીતી દંતકથામાંથી ઊપસેલું આ પાત્ર જગત્સાહિત્યમાં દૉન કિહોતે (Don Quixote) અને ફોલસ્ટાફ જેવું અમર છે. ઇબ્સન જોકે એનાં ‘ઢીંગલીઘર’ વગેરે વાસ્તવવાદી નાટકોથી વધુ પ્રખ્યાત હોવા છતાં પિયર જિન્ટ નાટકનું પણ ઓછું મહત્વ નથી. ત્રણ અંક, ઓગણચાલીસ દૃશ્ય અને પંચોતેર પાત્રો ધરાવતા આ નાટકનો દુર્ગેશ શુક્લે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
હસમુખ બારાડી